મહારાષ્ટ્રમાં ભાષા વિવાદની આગ ભભૂકી રહી છે ત્યારે મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસની સરકારે એક એવો નિર્ણય લીધો છે જેના પડઘા ગુજરાત સુધી સંભળાઈ શકે છે. સરકારે ધોરણ 1થી 5 સુધીના વિદ્યાર્થીઓ માટે ત્રીજી ભાષા તરીકે હિન્દીને ફરજિયાત કરી દીધી છે. આ નવો અભ્યાસક્રમ આ વર્ષે એટલે કે 2025-26 ના શૈક્ષણિક વર્ષથી જ લાગુ થશે.
મહારાષ્ટ્રના શાળા શિક્ષણ વિભાગે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ (NEP) 2020 હેઠળ નવું શૈક્ષણિક માળખું અમલમાં મૂકવાની જાહેરાત કરી છે. આ નવી નીતિ અનુસાર, હવે રાજ્યની મરાઠી અને અંગ્રેજી માધ્યમની શાળાઓમાં ધોરણ 1થી 5 સુધી હિન્દી ત્રીજી ભાષા તરીકે ભણાવવામાં આવશે. અત્યાર સુધી મહારાષ્ટ્રની શાળાઓમાં માત્ર બે જ ભાષાઓ ભણાવવામાં આવતી હતી, પરંતુ નવી નીતિ હેઠળ વિદ્યાર્થીઓને ત્રિભાષા ફોર્મ્યુલા અનુસાર શિક્ષણ આપવામાં આવશે. સરકારે આ નિર્ણય લેતાની સાથે જ નોટિફિકેશન પણ બહાર પાડી દીધું છે અને અભ્યાસક્રમ તૈયાર કરવાનો આદેશ પણ આપી દીધો છે.
શા માટે આ નિર્ણય મહત્વનો છે?
મહારાષ્ટ્ર જેવા રાજ્યમાં, જ્યાં મરાઠી મુખ્ય ભાષા છે, ત્યાં હિન્દીને ફરજિયાત બનાવવું એક વ્યૂહાત્મક નિર્ણય માનવામાં આવી રહ્યો છે. તેનો મુખ્ય ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને બહુભાષી બનાવવા અને રાષ્ટ્રીય સ્તરે સંવાદ અને તકોના દ્વાર ખોલવાનો છે. હિન્દી ભાષી રાજ્યોના વિદ્યાર્થીઓને પણ મહારાષ્ટ્રમાં શિક્ષણ મેળવવામાં સરળતા રહેશે.
સરકાર શું કહે છે?
શાળા શિક્ષણ વિભાગનું કહેવું છે કે આ ફેરફાર વિદ્યાર્થીઓના સર્વાંગી ભાષા વિકાસ અને વાતચીત કૌશલ્યને સુધારવા માટે કરવામાં આવી રહ્યો છે. સરકાર માને છે કે તેનાથી બાળકોમાં ભાષાકીય વિવિધતા પ્રત્યે સન્માન વધશે અને દેશની એકતાને પણ મજબૂતી મળશે.
વિરોધની આશંકા...
જો કે, આ નિર્ણય સામે કેટલાક પ્રાદેશિક પક્ષો અને સંગઠનો વિરોધ નોંધાવી શકે છે, જેઓ રાજ્યમાં પ્રાદેશિક ભાષાઓની પ્રાથમિકતા જાળવી રાખવાની વાત કરતા રહ્યા છે. પરંતુ હાલમાં સરકાર પોતાના નિર્ણય પર મક્કમ દેખાઈ રહી છે.
અભ્યાસક્રમનું માળખું આ પ્રમાણે રહેશે...
મળતી માહિતી અનુસાર, હિન્દીનો અભ્યાસક્રમ 5+3+3+4 ના આધારે તૈયાર કરવામાં આવશે. મહારાષ્ટ્રમાં શાળા શિક્ષણને 4 તબક્કામાં વહેંચવામાં આવશે. પ્રથમ તબક્કો 5 વર્ષનો હશે, જેમાં 3 વર્ષ પ્રી-પ્રાયમરીના અને પછી ધોરણ 1 અને 2 નો સમાવેશ થશે. આ તબક્કાને ફાઉન્ડેશનલ સ્ટેજ કહેવામાં આવશે. ધોરણ 3 થી 5 સુધીના તબક્કાને પ્રારંભિક તબક્કો (Preparatory Stage) કહેવામાં આવશે. ધોરણ 6 થી 8 સુધી માધ્યમિક શાળા શિક્ષણ હશે. 9 થી 12 સુધીના છેલ્લા 4 વર્ષ માધ્યમિક શિક્ષણમાં ગણાશે. આ નવા માળખાની શરૂઆત નવા સત્ર 2025-26થી ધોરણ 1થી કરવામાં આવશે.
પુસ્તકો પણ બદલાશે...
નવી શિક્ષણ નીતિ અનુસાર, હવે મહારાષ્ટ્ર રાજ્ય બોર્ડની પુસ્તકો NCERT ના અભ્યાસક્રમ પર આધારિત હશે. સામાજિક વિજ્ઞાન અને ભાષાકીય વિષયોમાં જરૂરી ફેરફારો કરવામાં આવશે. ધોરણ-1 ની પુસ્તકો બાલભારતી તૈયાર કરશે.
આંગણવાડીઓમાં પણ લાગુ...
રાજ્ય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (SCERT)ના નિયામક રાહુલ રેખાવરે પણ માહિતી આપી છે. રાહુલે જણાવ્યું કે, નવા આદેશોને મહિલા અને બાળ વિકાસ વિભાગના સહયોગથી આંગણવાડીઓમાં પણ લાગુ કરવામાં આવશે. આ પહેલને સફળ બનાવવા માટે શિક્ષકોને વિશેષ તાલીમ પણ આપવામાં આવશે. મહારાષ્ટ્ર સરકારના આ નિર્ણયની અસર માત્ર મહારાષ્ટ્રના વિદ્યાર્થીઓ પર જ નહીં, પરંતુ સરહદી વિસ્તારોના ગુજરાતી વિદ્યાર્થીઓ પર પણ પડી શકે છે. જે વિદ્યાર્થીઓ મહારાષ્ટ્રની શાળાઓમાં અભ્યાસ કરે છે તેમના માટે હવે હિન્દી શીખવું ફરજિયાત બનશે. આ નિર્ણયને લઈને શિક્ષણ જગતમાં મિશ્ર પ્રતિભાવો જોવા મળી રહ્યા છે. કેટલાક લોકો આને રાષ્ટ્રીય એકતા માટે જરૂરી પગલું ગણાવી રહ્યા છે, તો કેટલાક પ્રાદેશિક ભાષાઓ પર વધુ ભાર મૂકવાની હિમાયત કરી રહ્યા છે. સમય જ બતાવશે કે આ ભાષા વિવાદ ક્યાં જઈને અટકે છે.