ઈરાન-ઈઝરાયલ યુદ્ધથી LPG અને ગેસ સપ્લાય સંકટ
મિડલ ઈસ્ટ તણાવ વચ્ચે ભારતમાં LPG ઉત્પાદન વધારવાનો સરકારનો તાત્કાલિક આદેશ

ઈરાન ઈઝરાયલ યુદ્ધ ગેસ સંકટ

ઈરાન ઈઝરાયલ યુદ્ધ ગેસ સંકટ
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ અને ઈરાન-ઈઝરાયલ વચ્ચેના સંઘર્ષના કારણે વૈશ્વિક ઉર્જા બજારમાં અનિશ્ચિતતા વધી રહી છે. આ પરિસ્થિતિનો સીધો પ્રભાવ ભારત પર પણ પડી શકે છે. જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલુ રહે તો દેશમાં રસોઈ ગેસના બાટલાની અછત સર્જાઈ શકે છે તેવી ચિંતા વ્યક્ત કરવામાં આવી રહી છે. આ સંભવિત સંકટને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે તાત્કાલિક પગલાં લીધા છે.
માહિતી અનુસાર સરકારે ઇમરજન્સી સત્તાનો ઉપયોગ કરીને દેશની તમામ ઓઇલ રિફાઇનરી કંપનીઓને એલપીજીનું ઉત્પાદન વધારવાનો આદેશ આપ્યો છે. આ નિર્ણયનો મુખ્ય હેતુ એ છે કે સામાન્ય ગ્રાહકોને ગેસ સપ્લાયમાં કોઈ ખલેલ ન પડે.
પ્રોપેન અને બ્યુટેન હવે LPG માટે જ વપરાશે :
સરકારના તાજેતરના આદેશ મુજબ હવે રિફાઇનરી કંપનીઓ તેમની પાસે રહેલા પ્રોપેન અને બ્યુટેન ગેસનો ઉપયોગ મુખ્યત્વે રસોઈ ગેસ બનાવવા માટે જ કરશે. સામાન્ય રીતે આ બંને હાઇડ્રોકાર્બન ગેસનો ઉપયોગ પેટ્રોકેમિકલ ઉત્પાદનમાં તેમજ અન્ય ઔદ્યોગિક કામોમાં પણ થાય છે.
પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સરકારે સ્પષ્ટ કરી દીધું છે કે આ ગેસનો ઉપયોગ હાલ માટે અન્ય ઉદ્યોગોમાં ન કરવામાં આવે. આ પગલું દેશના લાખો ઘરેલુ ગેસ ગ્રાહકોને અછતથી બચાવવા માટે લેવામાં આવ્યું છે.
સરકારી ઓઈલ કંપનીઓને મળશે પ્રાથમિકતા :
આદેશ મુજબ પ્રોપેન અને બ્યુટેનનો પુરવઠો સૌથી પહેલા સરકારી તેલ કંપનીઓને કરવામાં આવશે. તેમાં ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, હિન્દુસ્તાન પેટ્રોલિયમ અને ભારત પેટ્રોલિયમ જેવી કંપનીઓનો સમાવેશ થાય છે.
ભારતમાં હાલમાં આશરે 33.2 કરોડ સક્રિય LPG ગ્રાહકો છે. આ તમામ ગ્રાહકોને સમયસર ગેસ સિલિન્ડર ઉપલબ્ધ રહે તે માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું માનવામાં આવે છે.
LPG, પ્રોપેન અને બ્યુટેન શું છે :
LPG એટલે લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગેસ. આ ગેસ મુખ્યત્વે પ્રોપેન અને બ્યુટેનના મિશ્રણથી બને છે. ઘરેલુ રસોઈ માટે LPGનો વ્યાપક ઉપયોગ થાય છે.
પ્રોપેન અને બ્યુટેન બંને હાઇડ્રોકાર્બન ગેસ છે જે ક્રૂડ ઓઇલના રિફાઇનિંગ પ્રક્રિયા દરમિયાન મળે છે. તેનો ઉપયોગ પેટ્રોકેમિકલ ઉદ્યોગ, પ્લાસ્ટિક ઉત્પાદન તેમજ ઇંધણ તરીકે પણ થાય છે.
પ્રાઈવેટ કંપનીઓ પર પડી શકે અસર :
સરકારના આ નિર્ણયની અસર ખાનગી ક્ષેત્રની કંપનીઓ પર પણ પડી શકે છે. ખાસ કરીને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ જેવી મોટી કંપનીઓને પેટ્રોકેમિકલ ઉત્પાદન ઘટાડવું પડી શકે છે.
પ્રોપેન અને બ્યુટેનનો ઉપયોગ પેટ્રોલની ગુણવત્તા સુધારવા માટે બનતા આલ્કાઇલેટ્સમાં પણ થાય છે. જો આ ગેસ LPG બનાવવામાં વળગાડવામાં આવશે તો આવા ઉત્પાદનોનું ઉત્પાદન ઘટી શકે છે. પરિણામે નિકાસ અને આવક બંને પર અસર પડી શકે છે.
કંપનીઓના નફા પર પડી શકે અસર :
ઉદ્યોગ નિષ્ણાતોના મત મુજબ, પેટ્રોકેમિકલ ઉત્પાદનો જેમ કે પોલીપ્રોપાઈલિન અને આલ્કાઇલેટ્સ બજારમાં LPG કરતાં વધુ કિંમતે વેચાય છે. આવી સ્થિતિમાં જો આ ગેસનો ઉપયોગ LPG બનાવવા માટે કરવામાં આવશે તો કંપનીઓના માર્જિન ઘટી શકે છે.
આથી ઉર્જા ક્ષેત્રની કેટલીક કંપનીઓ માટે આ નિર્ણય આર્થિક રીતે પડકારરૂપ બની શકે છે.
કતારમાં LNG ઉત્પાદન બંધ થવાનો અસર :
મિડલ ઈસ્ટમાં વધતા તણાવ વચ્ચે કતારના કેટલાક LNG પ્લાન્ટમાં ઉત્પાદન અટકાવાયું હોવાની માહિતી પણ સામે આવી છે. અહેવાલ મુજબ ડ્રોન હુમલાની ઘટના બાદ સુરક્ષા કારણોસર કેટલાક પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે.
ભારત પોતાની LNG જરૂરિયાતનો મોટો હિસ્સો કતાર પાસેથી આયાત કરે છે. દર વર્ષે આશરે 2.7 કરોડ ટન LNG કતારથી આવે છે. જો આ સપ્લાય લાંબા સમય સુધી અટકશે તો દેશમાં ગેસની ઉપલબ્ધતા પર અસર પડી શકે છે.
CNG અને PNGના ભાવ વધવાની આશંકા :
વિદેશથી આવતી LNGને ગેસમાં રૂપાંતરિત કરીને શહેરોમાં CNG અને PNG સપ્લાય કરવામાં આવે છે. જો LNG સપ્લાયમાં ઘટાડો થશે તો શહેર ગેસ કંપનીઓને મોંઘી ગેસ ખરીદવી પડી શકે છે.
ઉદ્યોગ સંગઠનો મુજબ સ્પોટ માર્કેટમાં ગેસની કિંમત હાલમાં ઘણી વધી ગઈ છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે તો CNG અને PNGના ભાવમાં વધારો થવાની સંભાવના છે.
સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બન્યો મોટો પડકાર :
ભારત માટે સૌથી મોટો વ્યૂહાત્મક પડકાર સ્ટ્રેટ ઓફ હોર્મુઝ છે. આ સાંકડો દરિયાઈ માર્ગ મિડલ ઈસ્ટમાંથી વિશ્વના અનેક દેશો સુધી તેલ અને ગેસ પહોંચાડવા માટે અત્યંત મહત્વપૂર્ણ છે.
તાજેતરના અહેવાલો મુજબ આ માર્ગેથી પસાર થતા જહાજોની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. અગાઉ જ્યાં દૈનિક મોટી સંખ્યામાં જહાજો પસાર થતા હતા, ત્યાં હવે ખૂબ ઓછા જહાજો જ ચાલી રહ્યા છે.
ભારત પોતાની લગભગ અડધી ક્રૂડ ઓઇલ જરૂરિયાત અને મોટી LNG સપ્લાય આ જ માર્ગેથી મેળવે છે. જો આ માર્ગ સંપૂર્ણપણે અવરોધિત થશે તો ઉર્જા સપ્લાય પર ગંભીર અસર પડી શકે છે.
ગેસ કંપનીઓએ સરકારને ચેતવણી આપી :
શહેર ગેસ વિતરણ કંપનીઓના સંગઠનોએ સરકારને પત્ર લખીને હાલની સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. કંપનીઓનું કહેવું છે કે જો કતારથી આવતી ગેસ ઉપલબ્ધ નહીં રહે તો તેમને મોંઘી સ્પોટ માર્કેટ ગેસ ખરીદવી પડશે.
આથી ગેસના ભાવમાં વધારો થશે અને ગ્રાહકો પર સીધી અસર પડશે.
પેટ્રોનેટ LNG દ્વારા ફોર્સ મેજર નોટિસ :
ભારતની સૌથી મોટી LNG આયાતકાર કંપની પેટ્રોનેટ LNGએ પણ કતારની કંપનીને ફોર્સ મેજર નોટિસ મોકલી છે. તેનો અર્થ એ થાય છે કે યુદ્ધ અથવા અન્ય અસામાન્ય પરિસ્થિતિને કારણે ગેસ સપ્લાય કરારમાં ફેરફાર થઈ શકે છે.
કંપનીએ ગેલ, ઇન્ડિયન ઓઇલ અને ભારત પેટ્રોલિયમ જેવી કંપનીઓને પણ ગેસ સપ્લાય ઘટવાની શક્યતા અંગે સૂચના આપી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

હિન્દુમાંથી ઇસ્લામમાં ધર્માંતરણ કર્યા બાદ BC (Muslim) અનામતનો દાવો કરી શકાય? આ સવાલ પર સુપ્રીમ કોર્ટે તમિલનાડુ સરકારની અરજી ફગાવી દીધી!

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ