ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ જિલ્લામાં એક ભયાનક દુઃખદ ઘટના બની છે, જ્યાં વીજળી પડવાથી એક કુટુંબના 4 સભ્યો - પતિ, પત્ની અને તેમની 2 પુત્રીઓ - જીવતા સળગી ગયા છે. ઘટના શનિવારે રાત્રે લગભગ 12 વાગ્યે, બારા તાલુકાના હલ્લાબોર સોનબરસા ગામે બની હતી.
મૃતકોમાં વીરેન્દ્ર વનવાસી, તેમની પત્ની પાર્વતી અને દિકરીઓ રાધા તથા કરિશ્માનો સમાવેશ થાય છે. આ પરિવાર ઝૂંપડી જેવુ કાચું મકાન રાખીને છાપરા નીચે રહેતો હતો. રાત્રે વીજળી પડતાં તેમના ઘરમાં આગ લાગી ગઈ અને કુટુંબ સૂતું હોય એ કારણે એ સમયે જાગી ન શક્યું.
આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે, ચારેયને બહાર નીકળવાનો મોકો પણ મળ્યો નહિ. જ્યારે પડોશીઓએ આગ ઓલવવાનો પ્રયાસ કર્યો ત્યારે આગે ભયાનક સ્વરૂપ ધારણ કરી લીધું હતું. તમામ મૃતદેહો સમગ્ર રીતે બળી જતા હાડપિંજરમાં ફેરવાઈ ગયા હતા.
ઘટનાની જાણ થતાં બારા પોલીસ, એસડીએમ કરછના જિલ્લા વહીવટીતંત્રના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતદેહોને કબ્જામાં લઈને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને પરિવારના સંબંધીઓને સરકાર દ્વારા આર્થિક સહાય આપવાની ખાતરી પણ આપવામાં આવી છે.
યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે આ દુર્ઘટનાનું દુઃખ વ્યક્ત કર્યું છે અને મૃતકોના પરિવારજનોને તાત્કાલિક રાહત રકમ આપવાનો આદેશ આપ્યો છે. મુખ્યમંત્રીએ મૃત આત્માઓ માટે શાંતિની પ્રાર્થના કરતાં શોક સંતપ્ત પરિવારજનો માટે સહાનુભૂતિ પણ વ્યક્ત કરી છે. બીજી તરફ, સમાજવાદી પાર્ટીએ પણ દુઃખ વ્યક્ત કરીને મૃતક પરિવારોને યોગ્ય વળતરની માંગ કરી છે.