કલકત્તા હાઈકોર્ટે ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી અને તેમની પત્ની હસીન જહાં વચ્ચે ચાલી રહેલા વિવાદમાં એક મહત્વપૂર્ણ આદેશ જારી કર્યો છે. ન્યાયમૂર્તિ અજય કુમાર મુખર્જીની બેન્ચે હસીન જહાંની અરજીને ધ્યાનમાં લઈ, શમીને માસિક ખર્ચો ચૂકવવાનો આદેશ આપ્યો છે. કોર્ટે શમીની આવક અને નાણાકીય દસ્તાવેજોનું મૂલ્યાંકન કરીને જણાવ્યું કે, તેઓ નોંધપાત્ર રકમની ચૂકવણી કરવાની સ્થિતિમાં છે.
કોર્ટનો આદેશ: ભરણપોષણની રકમ
ન્યાયાધીશે આદેશમાં સ્પષ્ટ કર્યું કે, અલગ રહેતી પત્ની હસીન જહાં અને તેમની દીકરી લગ્ન દરમિયાન મળતા ભરણપોષણના સમાન હકદાર છે, જેથી તેમનું ભવિષ્ય સુરક્ષિત રહે. કોર્ટે નિર્દેશ આપ્યો કે, શમીએ હસીન જહાંને દર મહિને 1.5 લાખ રૂપિયા અને તેમની દીકરીને 2.5 લાખ રૂપિયા ચૂકવવા પડશે. આ રકમ મુખ્ય અરજીના નિકાક સુધી ચૂકવવાની રહેશે, જેથી અરજદારોની નાણાકીય સ્થિરતા જળવાઈ રહે.
આ પણ વાંચો : IND-ENG: બીજી ટેસ્ટ પહેલા શંકાસ્પદ પેકેટનો હંગામો, ભારતીય ટીમની સુરક્ષામાં વધારો
લગ્ન અને વિવાદની પૃષ્ઠભૂમિ
હસીન જહાં અને મોહમ્મદ શમીએ 7 એપ્રિલ, 2014ના રોજ ઇસ્લામિક રીત-રિવાજ મુજબ લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેમને 17 જુલાઈ, 2015ના રોજ એક દીકરી થઈ. જોકે, હસીન જહાંએ શમી અને તેમના પરિવાર પર શારીરિક અને માનસિક ત્રાસના ગંભીર આરોપ લગાવ્યા છે. 8 માર્ચ, 2018ના રોજ, હસીને પશ્ચિમ બંગાળના જાદવપુર પોલીસ સ્ટેશનમાં શમી અને તેમના પરિવાર સામે ફરિયાદ નોંધાવી, જેમાં ભારતીય દંડ સંહિતા (IPC)ની કલમ 498A, 328, 307, 376, 325 અને 34 હેઠળ આરોપો દાખલ કરવામાં આવ્યા.
હસીન જહાંની માગણી
હસીન જહાંએ દાવો કર્યો હતો કે, સતત શારીરિક અને માનસિક ત્રાસ તેમજ અપમાનજનક વર્તનને કારણે તેમણે મહિલા સંરક્ષણ અધિનિયમની કલમ 12 હેઠળ કોર્ટનો સંપર્ક કર્યો. તેમણે અંતરિમ રાહત તરીકે પોતાના ભરણપોષણ માટે દર મહિને 7 લાખ રૂપિયા અને દીકરી માટે 3 લાખ રૂપિયાની માગણી કરી હતી.
કલકત્તા હાઈકોર્ટે શમીની નાણાકીય સ્થિતિને ધ્યાનમાં લઈને આદેશ આપ્યો છે કે, અરજદાર અને તેમની દીકરીની આર્થિક જરૂરિયાતો પૂરી કરવી જરૂરી છે. આ નિર્ણયથી હસીન જહાં અને તેમની દીકરીને નાણાકીય સુરક્ષા મળશે, જ્યાં સુધી મુખ્ય કેસનો નિકાલ ન થાય. આ કેસ ભારતીય ક્રિકેટ અને કાનૂની વર્તુળોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે, અને તેના આગળના વિકાસ પર સૌની નજર રહેશે.