પાકિસ્તાન માટે જાસૂસી કરતી હોવાના આરોપમાં ધરપકડ થયેલી યુટ્યૂબર જ્યોતિ મલ્હોત્રા વિશે ચોંકાવનારી વિગતો સામે આવી છે. NIA દ્વારા ચાલી રહેલી તપાસમાં જણાયું છે કે, જ્યોતિ 'ઓપરેશન સિંદૂર' દરમિયાન પાકિસ્તાનના ISI એજન્ટના સંપર્કમાં હતી અને તેને ભારતની મહત્વની ગતિવિધિઓ અંગેની માહિતી પહોંચાડી રહી હતી.
મળતી માહિતી અનુસાર, જ્યોતિએ અમુક સ્થળોએ બ્લેકઆઉટ સંબંધિત તથા અન્ય અતિ સંવેદનશીલ માહિતી પણ પાકિસ્તાન સુધી પહોંચાડી હતી. હાલ તે NIAની કસ્ટડીમાં છે, જે બુધવારે પૂરી થવાની છે અને ત્યારબાદ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
ટોચના તપાસ અધિકારીએ જણાવ્યું છે કે, જ્યોતિએ 2023થી 2025 દરમિયાન પાકિસ્તાનના હાઈ કમિશન અધિકારી દાનિશ સાથે સંપર્કમાં રહી હતી. જો કે, તેમની વચ્ચે થયેલી ચેટમાંથી સીધી માહિતી મળી નથી, પરંતુ સંબંધોની પુષ્ટિ થઇ ગઈ છે.
તપાસ દરમિયાન જપ્ત કરાયેલી વસ્તુ
પોલીસે જ્યોતિના ત્રણ ફોન, એક લેપટોપ જપ્ત કરી ફોરેન્સિક તપાસ હાથ ધરી છે. પોલીસે તેના બે બેન્ક એકાઉન્ટની વિગતો પણ મેળવી છે.
પાકિસ્તાન માટે જાસૂસી મામલે ગયા 2 અઠવાડિયામાં 12થી વધુ લોકોની ધરપકડ થઈ ચૂકી છે. પંજાબ, હરિયાણા અને ઉત્તર પ્રદેશમાં યુટ્યૂબ ચેનલો અને સોશિયલ મીડિયા યુઝર્સ પર નજર રાખવામાં આવી રહી છે. ઉત્તર ભારતમાં પાકિસ્તાન સાથે જોડાયેલું એક સક્રિય જાસૂસી નેટવર્ક કાર્યરત હોવાની માહિતી મળી છે.
મહિલાઓનો પણ સમાવેશ
જ્યોતિ મલ્હોત્રા સિવાય પ્રિયંકા સેનાપતિ, ગઝાલા(31), અને યામીન મોહમ્મદ નામની મહિલાઓની પણ ધરપકડ થઈ છે. આ મહિલાઓએ પણ દાનિશને ભારતીય સેના સંબંધિત માહિતી આપવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે.