પાકિસ્તાન સ્થિત આતંકવાદી ઠેકાણાઓ પર ભારતના 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) હેઠળના એરસ્ટ્રાઇકનું ઇઝરાયલે ખુલ્લેઆમ સમર્થન કર્યું છે. ભારતમાં ઇઝરાયલના રાજદૂત રૂવેન અઝારે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, આતંકવાદીઓને એ વાતનો ખ્યાલ હોવો જોઈએ કે નિર્દોષો વિરુદ્ધ તેમના ભયાનક ગુનાઓથી બચવા માટે તેમને કોઈ પણ પ્રકારની સલામત જગ્યા મળવાની નથી.
ભારતમાં ઇઝરાયલના રાજદૂત રૂવેન અઝારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું હતું કે, "ઇઝરાયલ ભારતના આત્મરક્ષણના અધિકારનું મજબૂત સમર્થન કરે છે. આતંકવાદીઓએ સમજવું જોઈએ કે નિર્દોષો સામેના તેમના ઘૃણાસ્પદ અપરાધોથી બચવા માટે કોઈ સ્થાન નથી."
નોંધનીય છે કે, 22 એપ્રિલના રોજ પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતીય સેનાએ મોડી રાત્રે આતંકવાદીઓ વિરુદ્ધ સખત લશ્કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ સૈન્ય કાર્યવાહીમાં એવા આતંકવાદી કેમ્પ અને લોજિસ્ટિક ઠેકાણાઓને નિશાન બનાવવામાં આવ્યા હતા, જે પહેલગામ હુમલા માટે જવાબદાર આતંકવાદી જૂથો સાથે સીધો સંબંધ ધરાવતા હતા.
ભારતીય ગુપ્તચર એજન્સીઓએ પહેલગામ હુમલાને પાકિસ્તાન સ્થિત આતંકવાદી જૂથો સાથે જોડ્યો છે, જેમાં લશ્કર-એ-તૈયબાના પ્રોક્સી ધ રેસિસ્ટન્સ ફ્રન્ટે આ હુમલાની જવાબદારી લીધી હતી.
ઓપરેશન બાદ સેનાના પ્રવક્તાએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે, "થોડા સમય પહેલાં ભારતીય સશસ્ત્ર દળોએ 'ઓપરેશન સિંદૂર' (Operation Sindoor) શરૂ કર્યું હતું, જેમાં પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત જમ્મુ-કાશ્મીરમાંના આતંકવાદી માળખાને સચોટ રીતે નિશાન બનાવવામાં આવ્યા હતા, જ્યાંથી ભારત વિરુદ્ધ આતંકવાદી હુમલાઓની યોજનાઓ ઘડવામાં આવતી હતી અને તેમને નિર્દેશિત કરવામાં આવતા હતા."
ભારતીય સેનાના પ્રવક્તાએ આ હુમલાઓની ચોકસાઈ અને મર્યાદિત અવકાશની પુષ્ટિ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે, "અમારી કાર્યવાહી સંપૂર્ણપણે કેન્દ્રિત અને અત્યંત સચોટ રહી હતી. અમે ફક્ત એવા આતંકવાદી કેમ્પને જ નિશાન બનાવ્યા હતા, જ્યાંથી ભારત વિરુદ્ધ હુમલાઓની યોજના બનાવવામાં આવી હતી અને તેમને અંજામ આપવામાં આવ્યો હતો."
પ્રવક્તાએ વધુમાં કહ્યું હતું કે, "ઓપરેશનનો હેતુ અને તેની અમલવારી બિન-વિવાદાસ્પદ રાખવામાં આવી હતી." તેમણે અંતમાં આત્મવિશ્વાસ સાથે કહ્યું હતું કે, "ન્યાય થયો, જય હિન્દ." ભારત સરકારે પણ સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે તમામ નવ લક્ષ્યો પર સફળતાપૂર્વક હુમલો કરવામાં આવ્યો હતો, જેના કારણે પાકિસ્તાનમાં કોઈ પણ નાગરિક, લશ્કરી અથવા આર્થિક માળખાને કોઈપણ પ્રકારનું નુકસાન થયું નથી.