ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામ થયા બાદ પણ સિંધુ જળ સંધિ સ્થગિત જ રહેશે, એમ વિદેશ મંત્રાલયના એક સૂત્રે જણાવ્યું હતું. સૂત્રે સ્પષ્ટ કર્યું હતું કે, આ કોઈ પૂર્વ કે પશ્ચાત શરત નથી, પરંતુ પાકિસ્તાનના આતંકવાદી હુમલાઓને કારણે આ પગલું લેવામાં આવ્યું છે.
સિંધુ જળ સંધિ, જે ભારત અને પાકિસ્તાન વચ્ચે પાણીની વહેંચણીને લગતો એક મહત્વપૂર્ણ કરાર છે, તે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારતે તોડી નાખી હતી. એટલું જ નહીં, ભારતે સિંધુ નદી પરનો ડેમ પણ બંધ કરી દેતાં પાકિસ્તાન તરફ પાણીનો પ્રવાહ અટકી ગયો હતો. હવે યુદ્ધવિરામ બાદ પણ ભારત આ જળ સંધિને બંધ રાખવાના પોતાના મક્કમ નિર્ણય પર અડગ છે. આ મુદ્દે હજી સુધી કોઈ સમાધાન થયું નથી.
શું છે સિંધુ જળ સંધિ?
સિંધુ જળ સંધિ એક અત્યંત મહત્વપૂર્ણ આંતરરાષ્ટ્રીય સમજૂતી છે, જે સિંધુ નદીના પાણીની વહેંચણીને લઈને ભારત અને પાકિસ્તાન વચ્ચે થઈ હતી. આ સંધિ પર 19 સપ્ટેમ્બર, 1960 ના રોજ કરાચીમાં હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા અને વિશ્વ બેંકે આમાં મધ્યસ્થી કરી હતી. આ સંધિ હેઠળ મુખ્યત્વે સિંધુ, જેલમ અને ચિનાબ નદીઓના પાણીની વહેંચણી કરવામાં આવી હતી. જેના પરિણામે સિંધુ નદી પ્રણાલીના કુલ પાણીનો લગભગ 80% હિસ્સો પાકિસ્તાનને અને 20% હિસ્સો ભારતને મળ્યો હતો. આ ત્રણ નદીઓના પાણીના ઉપયોગ અને જળ સંગ્રહનો મુખ્ય અધિકાર પાકિસ્તાનને આપવામાં આવ્યો હતો. ભારત આ નદીઓના પાણીનો ઉપયોગ સિંચાઈ, જળવિદ્યુત અને પરિવહન જેવા હેતુઓ માટે કરી શકે છે, પરંતુ પાણીને રોકવા અથવા વાળવાની મંજૂરી મર્યાદિત છે. આ સંધિ હેઠળ પૂર્વની નદીઓ સતલજ, બ્યાસ અને રાવી પર ભારતને સંપૂર્ણ અધિકાર આપવામાં આવ્યો છે, જ્યારે પાકિસ્તાનનો આ નદીઓના પાણી પર કોઈ અધિકાર નથી.
સ્થાયી સિંધુ આયોગની રચના...
આ સંધિને જાળવી રાખવા માટે એક આયોગની પણ રચના કરવામાં આવી હતી, જેને સ્થાયી સિંધુ આયોગ કહેવામાં આવે છે. આ આયોગ બંને દેશો વચ્ચે પાણી સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા કરીને ઉકેલ લાવે છે. આ આયોગ સિંધુ જળ સમજૂતીને લઈને નિયમિતપણે બેઠકો કરે છે અને માહિતીની આપ-લે કરે છે.