ભારતીય વાયુસેના અને ભારતીય સેના દ્વારા પાકિસ્તાની હુમલાઓનો જડબાતોડ જવાબ આપ્યા બાદ, હવે ભારતીય નૌસેના પણ એક્શનમાં આવી ગઈ છે. અરબ સાગરમાં તૈનાત INS વિક્રાંતે પાકિસ્તાનને ભારે નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દીધું છે, કરાચીને નિશાન બનાવીને ભારે તબાહી મચાવી છે. રાષ્ટ્રીય ટીવી અહેવાલ મુજબ, નૌસેનાના આ હુમલાથી કરાચી બંદર સહિત સમગ્ર શહેરમાં મોટા પાયે આગ લાગી છે.
અહેવાલો અનુસાર, ભારતીય સશસ્ત્ર દળોએ પાકિસ્તાનના અનેક મોટા શહેરોને પણ નિશાન બનાવ્યા છે અને પડોશી દેશના ઘણા પ્રાંતોમાં કર્ફ્યુ લાદવામાં આવ્યો છે. ઇસ્લામાબાદમાં PM શેહબાઝ શરીફના નિવાસસ્થાન નજીક પણ એક મોટો વિસ્ફોટ થયો હોવાના સમાચાર છે.
આ પહેલાં ગુરુવારે ઇસ્લામાબાદે સત્વરી, સાંબા, આરએસ પુરા અને અર્નિયા તરફ આઠ મિસાઇલો છોડી હતી. જો કે, ભારતીય એર ડિફેન્સ સિસ્ટમે તમામ ડ્રોન અને મિસાઇલોને આકાશમાં જ તોડી પાડી હતી. સત્તાવાળાઓએ જમ્મુ અને કાશ્મીર, પંજાબ અને રાજસ્થાન સહિત સરહદ નજીકના ગામડાઓમાં સંપૂર્ણ બ્લેકઆઉટની પણ જાહેરાત કરી હતી.
આ કાર્યવાહી 26 નિર્દોષ લોકોના જીવ લેનારા પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં કરવામાં આવી છે. ભારતે 6 અને 7 મેની વચ્ચેની રાત્રે પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં આતંકવાદી કેન્દ્રો પર મિસાઇલ હુમલા કર્યા હતા, જેમાં જૈશ-એ-મોહમ્મદ અને લશ્કર-એ-તૈયબાના નવ સ્થળોને નિશાન બનાવવામાં આવ્યા હતા.