ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધવિરામની જાહેરાત થયા બાદ આજે ભારતીય સેનાએ એક મહત્વપૂર્ણ પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. આ દરમિયાન ભારતીય સેનાએ પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. કર્નલ સોફિયા કુરેશીએ સ્પષ્ટપણે જણાવ્યું હતું કે, ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાની રક્ષા માટે ભારતીય સેના સંપૂર્ણપણે સજ્જ છે.
પાકિસ્તાનના અનેક જુઠ્ઠાણાંનો પર્દાફાશ...
પ્રેસ કોન્ફરન્સ દરમિયાન કર્નલ સોફિયા કુરેશીએ પાકિસ્તાન દ્વારા ફેલાવવામાં આવેલા જુઠ્ઠાણાંનો પણ પર્દાફાશ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, "પાકિસ્તાને એવો દાવો કર્યો હતો કે તેના JF-17 વિમાનો દ્વારા ભારતના S-400 અને બ્રહ્મોસ મિસાઇલ બેઝને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, જે તદ્દન ખોટું છે. વધુમાં, પાકિસ્તાને એવો ભ્રામક પ્રચાર પણ ચલાવ્યો હતો કે સિરસા, જમ્મુ, પઠાણકોટ, ભટિંડા, નલિયા અને ભુજમાં અમારા એરપોર્ટને નુકસાન થયું છે, અને તેમની આ ખોટી માહિતી પણ સંપૂર્ણપણે પાયાવિહોણી છે."
ભારતના હવાઈ હુમલાથી પાકિસ્તાનના એરબેઝને ભારે નુકસાન...
વિંગ કમાન્ડર વ્યૉમિકા સિંહે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે, "ભારતના હવાઈ હુમલાઓમાં પાકિસ્તાનના અનેક એરબેઝને ભારે નુકસાન પહોંચ્યું છે. પાકિસ્તાનના સ્કારદુ, જેકોબાબાદ અને ભોલારી એરબેઝને ઉડાવી દેવામાં આવ્યા છે. આ ઉપરાંત, એન્ટી-ડ્રોન હથિયાર પ્રણાલી અને રડારના નુકસાનથી પાકિસ્તાની હવાઈ ક્ષેત્રની સુરક્ષા સાવ તૂટી ગઈ છે."
પહેલગામના આતંકી હુમલા બાદ તણાવમાં વધારો...
નોંધનીય છે કે જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવમાં નોંધપાત્ર વધારો થયો હતો. ભારતે પાકિસ્તાનમાં આતંકવાદી ઠેકાણાઓ પર 'ઓપરેશન સિંદૂર' હેઠળ સખત કાર્યવાહી કરી હતી.
ભારતીય સેના સંપૂર્ણપણે તૈયાર...
યુદ્ધવિરામની જાહેરાત બાદ ભારતે ફરી એકવાર પાકિસ્તાનને આકરા શબ્દોમાં ચેતવણી આપી છે. ભારતની આ ચેતવણી આતંકવાદને પ્રોત્સાહન આપનારા પાકિસ્તાન જેવા દેશો માટે છે. ભારતીય સેનાએ સ્પષ્ટ કહ્યું છે કે, ભારતની સાર્વભૌમત્વ અને અખંડિતતાની રક્ષા માટે ભારતીય સેના હંમેશાં તૈયાર છે અને કોઈપણ દુઃસાહસનો જડબાતોડ જવાબ આપવામાં આવશે.