રેલવે કર્મચારીઓ માટે 78 દિવસનું બોનસ જાહેર
કેન્દ્ર સરકારે 10.91 લાખથી વધુ રેલવે કર્મચારીઓ માટે 78 દિવસના બોનસની જાહેરાત કરી
અશ્વિની વૈષ્ણવ
અશ્વિની વૈષ્ણવ
કેન્દ્ર સરકારે દિવાળી પહેલા જ 10.91 લાખથી વધુ રેલ્વે કર્મચારીઓને મોટી ભેટ આપી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળની કેબિનેટે 24 સપ્ટેમ્બરના રોજ 78 દિવસના બોનસની જાહેરાત કરી છે, જેના માટે 1865.68 કરોડ ફાળવવામાં આવશે. આ રેલવે કર્મચારીઓને દિવાળી પહેલા જ આ બોનસની ચૂકવણી કરવામાં આવશે. આ નિર્ણયનો હેતુ રેલવેની કાર્યક્ષમતા અને પ્રદર્શન સુધારવામાં તેમના યોગદાનને બિરદાવવાનો છે.
11 લાખ કર્મચારીઓને બોનસ
આ બોનસનો લાભ ટ્રેક મેન્ટેનર, લોક પાયલટ, ગાર્ડ, સ્ટેશન માસ્ટર, સુપરવાઈઝર, ટેક્નિશિયન, પોઈન્ટ્સમેન અને રેલવે મંત્રાલયના અન્ય નોન-ગેઝેટેડ કર્મચારીઓને મળશે. ગયા વર્ષે પણ આશરે 11 લાખ કર્મચારીઓને બોનસ મળ્યું હતું, જેણે તેમનું મનોબળ વધાર્યું હતું. આ બોનસની ચૂકવણીથી તહેવારોના સમયગાળામાં સ્થાનિક વપરાશને પણ વેગ મળવાની અપેક્ષા છે.
મહત્વપૂર્ણ સ્થળો માટે રેલવે સેવાઓમાં સુધારો
આ વર્ષે GSTમાં ઘટાડાનો લાભ અને બોનસની લહાણી બન્ને મળીને અર્થતંત્રમાં સ્થાનિક બજારને બુસ્ટ આપી શકે છે. બોનસની જાહેરાત ઉપરાંત, મોદી કેબિનેટે બિહારમાં બખ્તિયારપુર-રાજગીર-તિલૈયા સુધી રેલવેના ડબલ લેનને પણ મંજૂરી આપી છે, જેમાં 2,192 કરોડનો ખર્ચ થશે. આ 104 કિમીની નવી ડબલ લાઈન બિહારના 4 જિલ્લાઓને આવરી લેશે, જેનાથી રાજગીર, નાલંદા અને પાવાપુરી જેવા મહત્વપૂર્ણ સ્થળો માટે રેલવે સેવાઓમાં સુધારો થશે. કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે, આ પગલાથી રેલવેની ક્ષમતા વધશે અને મુસાફરી વધુ સરળ બનશે.
આ પણ વાંચો: એવોર્ડ મેળવવા પહેલા સેફટી પ્લેટ કાઢી, પોલીસે ફરિયાદી રેલવે કર્મચારીઓને જ ષડયંત્ર માટે દબોચ્યા
લઘુત્તમ પગાર 18,000 મુજબ કરાય
જોકે, રેલવે કર્મચારી સંગઠનો આ બોનસની ગણતરીની પદ્ધતિથી નારાજ છે. ભારતીય રેલવે કર્મચારી ફેડરેશન (IREF) અને ઓલ ઈન્ડિયા રેલવે કર્મચારી ફેડરેશન (AIRF) એ માંગ કરી છે કે, બોનસની ગણતરી છઠ્ઠા પગાર પંચના લઘુત્તમ પગાર 7,000 ને બદલે સાતમા પગાર પંચના લઘુત્તમ પગાર 18,000 મુજબ કરવામાં આવે.
કર્મચારીઓમાં નારાજગી જોવા મળી
IREFના રાષ્ટ્રીય મહાસચિવ સર્વજીત સિંહે આ પદ્ધતિને 'અત્યંત અન્યાયી' ગણાવી છે. સંગઠનોએ આઠમા પગાર પંચની સ્થાપના માટે પણ ગેઝેટ નોટિફિકેશન બહાર પાડવાની માંગણી કરી છે. આમ, બોનસની જાહેરાત એક તરફ ખુશી લાવી છે, તો બીજી તરફ પગાર પંચ અને બોનસની ગણતરી પદ્ધતિને લઈને કર્મચારીઓમાં નારાજગી પણ જોવા મળી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ChatGPT, હોસ્ટેલના પંખા અને 18 માંગણીઓ... IIT Bombayમાં આખરે એવું શું બન્યું?

જન્મ પ્રમાણપત્ર (Birth Certificate) બનાવવામાં વિલંબ થયો છે? જાણો 30 દિવસ, 1 વર્ષથી વધુ જૂના કેસમાં Delayed Birth Registrationના નિયમો, જરૂરી મંજૂરી અને મુરાદાબાદમાં પેન્ડિંગ 700 અરજીઓની સંપૂર્ણ માહિતી.

રાજ ઠાકરેની એક રીલ પર એવું શું થયું કે MNS કાર્યકરો મહેશ મોટે સુધી પહોંચી ગયા?