UPના ગોંડામાં શ્રદ્ધાળુઓને કાળ નડ્યો
ગાડીમાંથી બહાર આવવા તડપતાં રહ્યા લોકો, બહાર નીકળી શક્યા નહીં
બોલેરો નહેરમાં ખાબકી, 11નાં મોત
બોલેરો નહેરમાં ખાબકી, 11નાં મોત
ઉત્તર પ્રદેશના ગોંડા જિલ્લામાં એક અત્યંત કરુણ ઘટના બની છે. પૃથ્વીનાથ મંદિરમાં જળ ચઢાવવા જઈ રહેલા શ્રદ્ધાળુઓથી ભરેલી એક બોલેરો ગાડી કાબુ ગુમાવીને સરયૂ નહેરમાં ખાબકી હતી. આ ભયાનક અકસ્માતમાં 11 લોકોના મોત થયા છે, જેમાં મોટાભાગના સભ્યો એક જ પરિવારના હતા. બોલેરોમાં કુલ 15 લોકો સવાર હતા
અકસ્માત અને બચાવ કામગીરી
અકસ્માત સર્જાતા જ આસપાસના ગ્રામજનો ચીસો સાંભળીને ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. લગભગ 10 મિનિટમાં પોલીસ પણ ત્યાં પહોંચી ગઈ હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. જોકે, કારના દરવાજા ખુલી રહ્યા ન હોવાથી અંદર ફસાયેલા લોકો તડપી રહ્યા હતા. ગ્રામજનો અને પોલીસના સહિયારા પ્રયાસોથી જેમતેમ કરીને કારના કાચ તોડીને બધાને બહાર કાઢવામાં આવ્યા. બહાર કાઢ્યા બાદ તમામને CPR આપવામાં આવ્યું, પરંતુ 8 લોકો ભાનમાં આવ્યા નહીં અને તેમનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું. જ્યારે 4 લોકોને ભાનમાં આવ્યા બાદ તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.
હાલમાં પણ બોલેરો નહેરમાં ફસાયેલી છે અને ત્રણ પોલીસ સ્ટેશનના લગભગ 100 પોલીસકર્મીઓ બચાવ કામગીરીમાં રોકાયેલા છે.
મૃતકોની ઓળખ અને બચી ગયેલા કિશોરની જુબાનીઆ ગોઝારા અકસ્માતમાં મૃત્યુ પામેલાઓની ઓળખ બીના (35), કાજલ (22), મહેક (12), દુર્ગેશ, નંદિની, અંકિત, શુભ, સંજુ વર્મા, અંજુ, અનસૂયા અને સૌમ્યા તરીકે થઈ છે.
અકસ્માતમાં બચી ગયેલા એક કિશોરે પોતાની આપવીતી વર્ણવતા જણાવ્યું કે, "અકસ્માત થયો ત્યારે અમે બધા મંદિરમાં પૂજા કરવા જઈ રહ્યા હતા. અમે ભજન ગાઈ રહ્યા હતા, પણ અચાનક અમારી ગાડી સરકી ગઈ અને નહેરમાં ખાબકી હતી. મને યાદ નથી કે તે પછી શું થયું."
વહીવટી તંત્રની સહાય અને પ્રતિક્રિયાવડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આ દુર્ઘટના પર ગહન દુઃખ વ્યક્ત કર્યું છે. તેમણે મૃતકોના પરિવારજનોને ₹2 લાખ અને ઘાયલોને ₹50 હજારની આર્થિક સહાયની જાહેરાત કરી છે. પીએમ મોદીએ ખાતરી આપી છે કે આ મુશ્કેલ સમયમાં સરકાર પીડિત પરિવારોની સાથે ઊભી છે અને શક્ય તમામ મદદ પૂરી પાડવામાં આવશે.
આ પહેલા, ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શ્રી યોગી આદિત્યનાથે પણ અકસ્માતની નોંધ લીધી હતી. તેમણે અધિકારીઓને તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચીને રાહત કાર્ય ઝડપી બનાવવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ મૃતકોના પરિવારજનોને ₹5 લાખની આર્થિક સહાય આપવાની પણ જાહેરાત કરી છે.
એસપી વિનીત જયસ્વાલે જણાવ્યું કે, "પોલીસને બોલેરો નહેરમાં ખાબક્યાની માહિતી મળી હતી. 11 લોકોના મોત થયા છે. પોલીસે ગ્રામજનોની મદદથી લોકોને બહાર કાઢ્યા. મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલવામાં આવ્યા છે અને ચાર લોકોને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા છે."
નજરે જોનાર રાહુલ વર્માએ જણાવ્યું કે, "વરસાદને કારણે રસ્તો લપસણો હતો. ડ્રાઈવરે બ્રેક મારતાની સાથે જ કાર સરકી ગઈ અને નહેરમાં પડી ગઈ. આ પછી અમે ગામલોકોને બોલાવ્યા અને બધાને બહાર કાઢવામાં આવ્યા." આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

અલ્હાબાદ હાઈકોર્ટે પ્રયાગરાજની ટાગોર પબ્લિક સ્કૂલની મુસ્લિમ વિદ્યાર્થીનીની યુનિફોર્મ સાથે હિજાબ પહેરવાની અરજી ફગાવી. જાણો હાઈકોર્ટનો સંપૂર્ણ નિર્ણય.

Hospital Fire: અમરાવતી, છિંદવાડા, નાગપુર, કટક અને મુઝફ્ફરપુરની ICU-NICU આગની ઘટનાઓએ Hospital Fire Safety, Electrical Safety અને Emergency Response પર સવાલ ઊભા કર્યા.

મહારાષ્ટ્રના અમરાવતીની સરકારી મહિલા હોસ્પિટલના NICUમાં ભીષણ આગ લાગતા 3 નવજાત શિશુઓનાં મોત થયા, જ્યારે 36 બાળકોને સુરક્ષિત બચાવવામાં આવ્યા. હોસ્પિટલની ફાયર સેફ્ટી પર પણ ગંભીર સવાલો ઉઠ્યા છે.