જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો એક ચોંકાવનારો અને ભયાનક વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં આતંકવાદીઓ નિર્દયતાથી લોકોને ગોળી મારીને મોતને ઘાટ ઉતારતા સ્પષ્ટ દેખાઈ રહ્યા છે. હકીકતમાં, એક સહેલાણી તે સમયે ઝિપ લાઇનનો આનંદ માણી રહ્યો હતો અને પોતાના અનુભવને કેમેરામાં કંડારી રહ્યો હતો. અજાણતામાં જ તેનો કેમેરો આતંકવાદીઓના ઉપરથી પસાર થયો અને હુમલાની આખી ઘટના કેદ થઈ ગઈ.
સહેલાણીને શરૂઆતમાં ખ્યાલ પણ નહોતો કે તે આતંકવાદીઓની ઉપરથી પસાર થઈ રહ્યો છે. પરંતુ તેના કેમેરામાં આતંકવાદીઓનો હુમલો સ્પષ્ટ રીતે કેદ થયો છે. વીડિયોમાં લોકો જીવ બચાવવા માટે આમતેમ ભાગતા અને જમીન પર પડતા દેખાઈ રહ્યા છે. ગોળીબારના અવાજો અને લોકોની ચીસોથી વાતાવરણ અત્યંત ભયાનક બની ગયું હતું.
આ વીડિયો પહેલગામમાં થયેલી હિંસાની ભયાનકતાનો પુરાવો છે, જેમાં આતંકવાદીઓએ નિર્દોષ લોકો પર અંધાધૂન ગોળીબાર કર્યો હતો. આ ઘટનાએ સમગ્ર દેશને હચમચાવી નાખ્યો છે અને આતંકવાદ સામે વધુ કડક પગલાં લેવાની માંગણી ઉઠી છે. સહેલાણી દ્વારા અજાણતામાં રેકોર્ડ થયેલો આ વીડિયો હુમલાની સાક્ષી પૂરે છે અને પીડિતોના પરિવારો માટે એક કાળો અધ્યાય બની ગયો છે.