ચારધામ યાત્રા 2026: યુદ્ધના કારણે બુકિંગમાં ઘટાડો
વૈશ્વિક તણાવ અને મોંઘા ઈંધણની આશંકાએ શ્રદ્ધાળુઓમાં ઘટાડો, જાણો કેવી રીતે કરશો રજીસ્ટ્રેશન

ચારધામ યાત્રા 2026 રજીસ્ટ્રેશન

ચારધામ યાત્રા 2026 રજીસ્ટ્રેશન
ઉત્તરાખંડની આર્થિક વ્યવસ્થા માટે અત્યંત મહત્વની ગણાતી ચારધામ યાત્રા પર આ વર્ષે આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રવર્તી રહેલા તણાવની સીધી અસર જોવા મળી રહી છે. ઈરાન અને અમેરિકા વચ્ચે વધતા સંઘર્ષના સમાચારોએ યાત્રા શરૂ થાય તે પહેલા જ પર્યટન ઉદ્યોગના સમીકરણો બદલી નાખ્યા છે. ગયા વર્ષની સરખામણીએ આ વખતે શ્રદ્ધાળુઓના ઉત્સાહમાં ઓટ જોવા મળી રહી છે.
રજીસ્ટ્રેશનના આંકડામાં મોટો તફાવત :
ગત વર્ષે યાત્રાના પ્રારંભિક દિવસોમાં જ શ્રદ્ધાળુઓનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને રજીસ્ટ્રેશનનો આંકડો 17 લાખને વટાવી ગયો હતો. તેની સામે આ વર્ષે અત્યાર સુધીમાં માત્ર 11,07,841 શ્રદ્ધાળુઓએ જ પોતાનું રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ આંકડો પર્યટન વ્યવસાયીઓ માટે ચિંતાનો વિષય બન્યો છે.
ટ્રાવેલ ઓપરેટરો અને હોટલ ઉદ્યોગ મુશ્કેલીમાં :
વૈશ્વિક યુદ્ધની સ્થિતિને કારણે ઈંધણના ભાવમાં ગમે ત્યારે ઉછાળો આવવાની શક્યતા છે. આ જ કારણસર ઘણા ટ્રાવેલ ઓપરેટરો હાલમાં એડવાન્સ બુકિંગ લેવાનું ટાળી રહ્યા છે. જો અત્યારના ભાવે બુકિંગ લેવામાં આવે અને ભવિષ્યમાં ડીઝલ-પેટ્રોલ મોંઘા થાય, તો ટ્રાન્સપોર્ટરોને મોટું આર્થિક નુકસાન થઈ શકે છે. બીજી તરફ, હોટલ ઉદ્યોગમાં પણ નવા બુકિંગ અટકી ગયા છે અને જૂના બુકિંગ 'હોલ્ડ' પર મૂકવામાં આવ્યા છે.
કપાટ ખુલવાની તારીખો અને સમય :
આ વર્ષે ચારધામના કપાટ ખુલવાની વિગતો નીચે મુજબ છે:
ગંગોત્રી અને યમુનોત્રી ધામ: 19 એપ્રિલ, 2026 (અક્ષય તૃતીયાના પર્વ પર).
બદ્રીનાથ ધામ: 23 એપ્રિલ, 2026 ના રોજ સવારે 6:15 વાગ્યે.
નોંધનીય છે કે આ વખતે બદ્રીનાથ ધામના કપાટ ગયા વર્ષ કરતા 11 દિવસ વહેલા ખુલવા જઈ રહ્યા છે.
ચારધામ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરવાની 3 સરળ રીતો :
જો તમે આ વર્ષે યાત્રાએ જવા ઈચ્છતા હોવ, તો ઉત્તરાખંડ સરકાર દ્વારા ત્રણ માધ્યમોથી ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા આપવામાં આવી છે:
1. સત્તાવાર વેબસાઇટ દ્વારા
શ્રદ્ધાળુઓ registrationandtouristcare.uk.gov.in પોર્ટલ પર જઈને પોતાનું એકાઉન્ટ બનાવી શકે છે. અહીં યાત્રાની તારીખ અને પસંદગીના ધામની વિગતો ભરીને રજીસ્ટ્રેશન સ્લિપ મેળવી શકાય છે.
2. મોબાઇલ એપ્લિકેશન
સ્માર્ટફોન વપરાશકર્તાઓ Tourist Care Uttarakhand એપ ડાઉનલોડ કરીને તેમાં જરૂરી માહિતી ભરી યાત્રા પાસ જનરેટ કરી શકે છે.
3. વોટ્સએપ (WhatsApp) સેવા
સૌથી સરળ રીત વોટ્સએપ છે. શ્રદ્ધાળુઓએ 8394833833 નંબર પર “Yatra” લખીને મેસેજ કરવાનો રહેશે. ત્યારબાદ ચેટબોટ દ્વારા પૂછવામાં આવતી વિગતો આપીને રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરી શકાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?