ઇમેજ સર્ચ ટૂલ્સથી આરોપીને ઝડપવામાં CBIને મળી સફળતા
સીબીઆઈએ ₹ 8 કરોડની બેંક છેતરપિંડી કેસમાં ઈન્દોરથી આરોપીની ધરપકડ કરી

બેંગાલુરૂના રહેવાસી પતિ-પત્નીએ SBI અને ઓવરસીઝ બેંક સાથે કરી હતી છેતરપિંડી

બેંગાલુરૂના રહેવાસી પતિ-પત્નીએ SBI અને ઓવરસીઝ બેંક સાથે કરી હતી છેતરપિંડી
સીબીઆઈએ રૂપિયા 8 કરોડની બેંક છેતરપિંડીના કેસમાં બે દાયકાથી ફરાર મહિલા આરોપી શ્રીમતી મણિ એમ. શેખરને સફળતાપૂર્વક શોધી કાઢ્યા છે અને તેમની ધરપકડ કરી છે. ઇમેજ સર્ચ ટૂલ્સથી ફરાર મહિલા આરોપીને પકડી પાડવામાં સીબીઆઈને સફળતા મળી છે. બેંગાલુરૂના રહેવાસી પતિ-પત્ની SBI અને ઓવરસીઝ બેંક સાથે છેતરપિંડીના કેસમાં ફરાર થઈ નામ બદલીને ઈન્દોરમાં રહેતા હતા.
1 ઓગષ્ટ 2006 ના રોજ સીબીઆઈ બીએસએફબી બેંગલુરુ ખાતે રામાનુજમ મુથુરામલિંગમ શેખર ઉર્ફે આર.એમ. શેખર, એમડી, મેસર્સ ઈન્ડો માર્ક્સ પ્રા.લિ. અને શ્રીમતી મણિ એમ. શેખર, ડિરેક્ટર, મેસર્સ ઈન્ડો માર્ક્સ અને બીટીસી હોમ પ્રોડક્ટ્સ પ્રા. લિ. સહિત આરોપીઓ સામે છેતરપિંડીનો કેસ નોંધાયો હતો. વર્ષ 2002 થી 2005 ના સમયગાળા દરમિયાન ગુનાહિત કાવતરું ઘડવા બદલ અને મેસર્સ ઈન્ડો માર્ક્સ પ્રાઈવેટ લિમિટેડ અને તેની સંલગ્ન કંપનીઓએ બિન-ભંડોળ-આધારિત મર્યાદાના દુરુપયોગ દ્વારા સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, ઓવરસીઝ બ્રાન્ચ, બેંગલુરુ સાથે રૂપિયા 8 કરોડની છેતરપિંડી કરી હતી.
સીબીઆઈએ તપાસ પૂર્ણ કરી 10.12.2007 ના રોજ ચાર્જશીટ દાખલ કરી હતી. આર.એમ. શેખર (પતિ) અને શ્રીમતી મણિ એમ.શેખર (પત્ની) કોર્ટની સુનાવણીમાં હાજર રહ્યા નહોતા. તેઓએ સમન્સ/વોરંટનો જવાબ પણ નહોતો આપ્યો. તેથી 27.02.2009 ના રોજ કોર્ટે પતિ-પત્નીને વોન્ટેડ જાહેર કર્યા હતા.
વર્ષો સુધી બંને આરોપીઓને પકડવામાં સીબીઆઈ નિષ્ફળ રહેતાં બંને આરોપીઓને શોધી લાવનાર બાતમીદારો માટે રૂપિયા 50 હજારનું ઈનામ જાહેર કર્યુ હતું. અન્ય સહ-આરોપીઓ પર કેસ ચલાવીને દોષિત ઠેરવવામાં આવ્યા હતા. બંને ફરાર પતિ-પત્ની સામે ટ્રાયલ બાકી રહી હતી.
આરોપી પતિ-પત્નીએ ઓળખ બદલીને ઓળખના જૂના દસ્તાવેજો એટલે કે KYC વિગતોનો ઉપયોગ કર્યો ન હતો. આર.એમ.શેખરે પોતાનું નામ બદલીને કૃષ્ણકુમાર ગુપ્તા (પતિ) અને મણિ શેખરે ગીતા કૃષ્ણકુમાર ગુપ્તા (પત્ની) રાખી મોબાઇલ નંબર, ઇમેઇલ, પાન નંબર અને અન્ય માહિતી છુપાવી રાખી હતી. ચાર્જશીટ દાખલ કરાય તે પહેલાં ઓળખના જૂના દસ્તાવેજો બદલી નાખ્યા હતા.
સીબીઆઈએ બંને ભાગેડુ પતિ-પત્નીને ઝડપવા માટે ડિજિટલ ફૂટપ્રિન્ટ્સને ટ્રેક કરવા માટે ઇમેજ સર્ચની અદ્યતન ટેકનોલોજીનો ઉપયોગ કર્યો હતો. ઇમેજ સરખામણી અને વિશ્લેષણ સાધનોથી મધ્યપ્રદેશના ઇન્દોરમાં નામ બદલીને નવી ઓળખ સાથે રહેતા બંને આરોપી પતિ-પત્નીની ઓળખ થઈ હતી. બંનેના ફોટા મેચ થતાં સીબીઆઈની એક ટીમે ફિલ્ડ વેરિફિકેશન કર્યા પછી આરોપીઓને ઇન્દોરમાંથી શોધી કાઢ્યા હતા. જ્યાં તેઓ ધારી ઓળખ સાથે રહેતા હતા.
સર્ચ ઓપરેશન દરમિયાન એવું બહાર આવ્યું હતું કે આરોપી રામાનુજમ મુથુરામલિંગમ શેખર ઉર્ફે આર.એમ. શેખર વર્ષ 2008માં મૃત્યુ પામ્યો હતો. જ્યારે તેની પત્ની મણિ એમ. શેખર 12 જુલાઈ 2025ના રોજ ઝડપાઈ ગઈ હતી. સીબીઆઈએ મણિ શેખરને બેંગાલુરુની કોર્ટમાં રજૂ કરી વધુ ટ્રાયલ કાર્યવાહી માટે જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપી છે. બે દાયકાથી ફરાર રહ્યા બાદ મહિલા આરોપી મણિ શેખરની કોર્ટમાં સુનાવણી શરૂ થઈ છે.
90 ટકાથી વધુના ફોટો મેચિંગ સ્તર સાથે, ઇમેજ સર્ચ ટૂલ્સે તેમની ધારેલી ઓળખ હોવા છતાં સચોટ ઓળખ સક્ષમ બનાવી છે. ટેકનોલોજીના ઉપયોગ અને અધિકારીઓના પ્રયાસના કારણે લાંબા સમયથી ફરાર આરોપીને પકડવામાં સીબીઆઈને સફળતા મળતાં આ કેસ એક ઉત્તમ ઉદાહરણ બન્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

EAC-PMના રિપોર્ટમાં સામે આવેલા આંકડા અને બદલાતી વસ્તી નીતિ પાછળની આખી કહાની

ભારે વરસાદ બાદ નાળામાં પાણીનો પ્રવાહ એટલો તેજ બન્યો કે દર્શન માટે આવેલી કાર જ પાણીમાં તણાઈ ગઈ.

મધ્યપ્રદેશથી મુંબઈ સુધી આખરે શું છે આખો મામલો? જાણો ગ્રાહકો પર શું પડી શકે અસર...