દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો
મહિલા કુસ્તીબાજોના જાતીય શોષણ કેસમાં બ્રિજભૂષણ શરણ સિંહ નિર્દોષ જાહેર

ફાઇલ તસવીર

ફાઇલ તસવીર
Women Wrestlers Harassment: દેશના રમતગમત અને રાજકીય ક્ષેત્રે ભારે ચર્ચાસ્પદ બનેલા મહિલા કુસ્તીબાજોના જાતીય સતામણી કેસમાં દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) ના પૂર્વ પ્રમુખ અને ભારતીય જનતા પાર્ટી (BJP) ના પૂર્વ સાંસદ બ્રિજભૂષણ શરણ સિંહ તથા WFI ના પૂર્વ સહાયક સચિવ વિનોદ તોમરને કોર્ટે તમામ આરોપોમાંથી નિર્દોષ જાહેર કરી મુક્ત કર્યા છે. સ્પેશિયલ જજ અશ્વિની પનવરે ઇન-કેમેરા આ ચુકાદો સંભળાવ્યો હતો. કોર્ટે સ્પષ્ટ કર્યું કે ફરિયાદ પક્ષ દ્વારા રજૂ કરવામાં આવેલા પુરાવા અને સાક્ષીઓના નિવેદનો આરોપ સાબિત કરવામાં સંપૂર્ણપણે નિષ્ફળ રહ્યા છે.
જંતર-મંતર પર વિરોધ પ્રદર્શનથી શરૂ થયો હતો મામલો
આ કેસ જાન્યુઆરી 2023 માં દેશના ટોચના પહેલવાનો દ્વારા દિલ્હીના જંતર-મંતર પર કરવામાં આવેલા વિશાળ વિરોધ પ્રદર્શનથી શરૂ થયો હતો. લગભગ સાડા ત્રણ વર્ષ (1,133 દિવસ) સુધી ચાલેલી લાંબી કાનૂની લડાઈ અને 127 સુનાવણીઓ બાદ આખરે 3 ઓગસ્ટ 2026 ના રોજ આ વિવાદિત કેસનો અંત આવ્યો છે.
પુરાવાનો અભાવ અને નિવેદનોમાં વિરોધાભાસ
દિલ્હીની રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને નિર્દોષ જાહેર કરતી વખતે કેટલાક અત્યંત મહત્વપૂર્ણ પાસાં ધ્યાને લીધા હતા. કોર્ટના અવલોકન મુજબ, ફરિયાદ કરનાર મહિલા કુસ્તીબાજોના નિવેદનોમાં અનેક વિસંગતતાઓ અને પરસ્પર વિરોધાભાસ જોવા મળ્યા હતા. મહિલા કુસ્તીબાજો દ્વારા લગાવવામાં આવેલા આરોપો લગભગ 10 વર્ષ જૂના હતા. વધુમાં, જે ચોક્કસ સ્થળો પર કથિત જાતીય સતામણી થઈ હોવાનો દાવો કરવામાં આવ્યો હતો, તે સ્થળ અને સમયે પીડિતા તેમજ આરોપીના લોકેશન મેચ થતા નહોતા. કેસની શરૂઆતમાં એક સગીર મહિલા કુસ્તીબાજે પણ ગંભીર આરોપો લગાવ્યા હતા, પરંતુ પાછળથી તેણીએ પોતાની ફરિયાદ પાછી ખેંચી લીધી હતી. દિલ્હી પોલીસે આ મામલે પોક્સો હેઠળ ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો હતો, જેને પટિયાલા હાઉસ કોર્ટે મંજૂર કર્યો હતો. છમાંથી બે મહિલા કુસ્તીબાજોએ કોર્ટ સમક્ષ પોતાના અધિકૃત નિવેદનો નોંધાવ્યા જ નહોતા. કોર્ટે નોંધ્યું કે ફરિયાદ પક્ષે રજૂ કરેલા 32 સાક્ષીઓની તપાસ બાદ પણ બ્રિજભૂષણ સિંહ સામેનો ગુનો સાબિત થઈ શક્યો નથી.
નિર્દોષ છૂટ્યા બાદ બ્રિજભૂષણ સિંહની પ્રથમ પ્રતિક્રિયા
કોર્ટના નિર્દોષ છૂટકારાના આદેશ બાદ બ્રિજભૂષણ શરણ સિંહે અત્યંત ભાવુક અને આક્રમક અંદાજમાં પોતાની પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું, "18 જાન્યુઆરી 2023 ના રોજ મેં દેશ સમક્ષ કહ્યું હતું કે આ મારી સામેનું એક મોટું રાજકીય કાવતરું છે. મેં તે દિવસે પણ કહ્યું હતું કે જો મારા પરનો એક પણ આરોપ સાચો સાબિત થશે તો હું સ્વેચ્છાએ ફાંસીના માચડે લટકી જઈશ. આજે સાડા ત્રણ વર્ષ બાદ કોર્ટે મને અને વિનોદ તોમરને સન્માનપૂર્વક નિર્દોષ જાહેર કરીને મારા એ શબ્દો પર મહોર મારી દીધી છે." તેમણે વધુમાં ઉમેર્યું, "હું 15-16 વર્ષની ઉંમરથી સંઘર્ષો જોતો આવ્યો છું અને હંમેશા કમજોર લોકોના અધિકારો માટે લડ્યો છું. મને ન્યાયતંત્ર પર પૂર્ણ વિશ્વાસ હતો અને આજે સત્યનો વિજય થયો છે. મને ક્યારેય મારી જાત પર દોષિત હોવાનો અનુભવ થયો નહોતો. આજે મારા અને મારા કરોડો સમર્થકો માટે અત્યંત આનંદનો દિવસ છે. હવે આપણા ખેલાડીઓ સમગ્ર વિશ્વમાં ભારતનો તિરંગો લહેરાવશે." તે જ સમયે, તેમના કાનૂની વકીલ રાજીવ મોહને જણાવ્યું કે, "અમે શરૂઆતથી જ દલીલ કરી રહ્યા હતા કે ફરિયાદીઓના નિવેદનોમાં ગંભીર ખામીઓ હતી. કોર્ટે અમારી દલીલો ગ્રાહ્ય રાખી છે. વિગતવાર આદેશની નકલ મળ્યા બાદ અમે આગળની કાનૂની બાબતો પર ટિપ્પણી કરીશું."
હરિયાણા રેસલિંગ ફેડરેશનનો હુમલો: 'કુસ્તી પર કબજો જમાવવાનું હતું કાવતરું'
બ્રિજભૂષણ સિંહના સમર્થનમાં આવતા હરિયાણા રેસલિંગ ફેડરેશનના પ્રમુખ રમેશ બોહરાએ પણ કોર્ટના નિર્ણયકારક ચુકાદાનું સ્વાગત કર્યું હતું. તેમણે આક્ષેપ કર્યો હતો કે આ સમગ્ર વિવાદ રમત કે રમતવીરોના હિત માટે નહીં, પરંતુ ભારતીય કુસ્તી મહાસંઘ (WFI) પર કબ્જો જમાવવાના હેતુથી રચવામાં આવ્યો હતો. બોહરાએ જણાવ્યું કે, "આ કેસમાં કેટલાક કુસ્તીબાજોને પૈસાની લાલચ આપવામાં આવી હતી તો કેટલાકને ગેરમાર્ગે દોરીને ફસાવવામાં આવ્યા હતા. આ સમગ્ર ષડયંત્રનો પર્દાફાશ થઈ ગયો છે અને સાબિત થયું છે કે જુઠ્ઠાણું ગમે તેટલું શક્તિશાળી હોય, તે સત્ય સામે ટકી શકતું નથી. કાવતરાખોરો નિષ્ફળ ગયા છે. હવે તમામ ખેલાડીઓએ તમામ વિવાદો પાછળ છોડીને પોતાની રમત પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ."
જંતર-મંતરથી કોર્ટના કટઘરા સુધી: સમગ્ર ઘટનાક્રમની સંપૂર્ણ સમયરેખા
મહિલા કુસ્તીબાજોના આ આંદોલને આખા દેશનું ધ્યાન ખેંચ્યું હતું. જાન્યુઆરી 2023 થી શરૂ થયેલી આ કાનૂની અને રાજકીય લડાઈની સંપૂર્ણ સમયરેખા નીચે મુજબ છે:
18 જાન્યુઆરી 2023: બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને વિનેશ ફોગાટ સહિતના દેશના અગ્રણી કુસ્તીબાજોએ દિલ્હીના જંતર-મંતર ખાતે બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ જાતીય સતામણીના આરોપો સાથે ધરણાં શરૂ કર્યા.
19 જાન્યુઆરી 2023: ભાજપ નેતા અને પૂર્વ કુસ્તીબાજ બબીતા ફોગાટે વિરોધ સ્થળે પહોંચી મધ્યસ્થી કરી. કુસ્તીબાજોએ તત્કાલીન રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે મુલાકાત કરી.
20 જાન્યુઆરી 2023: વિનેશ ફોગાટે ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA), વડાપ્રધાન કાર્યાલય (PMO), અનુરાગ ઠાકુર અને ગૃહમંત્રી અમિત શાહને પત્ર લખીને સત્તાવાર ફરિયાદ કરી.
21 જાન્યુઆરી 2023: રમતગમત મંત્રી સાથે લાંબી ચર્ચા બાદ કુસ્તીબાજોએ તેમનો પ્રથમ તબક્કાનો વિરોધ સ્થગિત કર્યો.
23 જાન્યુઆરી 2023: રમતગમત મંત્રાલયે આ આરોપોની નિષ્પક્ષ તપાસ માટે મેરી કોમની અધ્યક્ષતામાં એક ઓવરરાઇટ/ઓવરસાઇટ દેખરેખ સમિતિની રચના કરી.
એપ્રિલ 2023: દેખરેખ સમિતિએ પોતાનો તપાસ અહેવાલ ભારતીય ઓલિમ્પિક સંઘને સુપ્રત કર્યો.
21 એપ્રિલ 2023: સમિતિના અહેવાલથી અસંતુષ્ટ છ મહિલા કુસ્તીબાજોએ કનોટ પ્લેસ પોલીસ સ્ટેશનમાં બ્રિજભૂષણ સામે લેખિત ફરિયાદ નોંધાવી.
23 એપ્રિલ 2023: કુસ્તીબાજોએ ન્યાયની માંગ સાથે જંતર-મંતર પર ફરીથી અનિશ્ચિત મુદતના ધરણાં પુનઃશરૂ કર્યા.
25 એપ્રિલ 2023: FIR દાખલ ન થતાં કુસ્તીબાજોએ દેશની સર્વોચ્ચ અદાલતના દરવાજા ખટખટાવ્યા.
28 એપ્રિલ 2023: દિલ્હી પોલીસે સુપ્રીમ કોર્ટને ખાતરી આપી કે તે જ દિવસે એફઆઈઆર નોંધાશે. પોલીસે છ મહિલાઓની ફરિયાદ પર FIR No. 78/2023 અને સગીરાની ફરિયાદ પર POCSO હેઠળ FIR No. 77/2023 નોંધી.
04 મે 2023: એફઆઈઆર નોંધાઈ ગઈ હોવાથી સુપ્રીમ કોર્ટે કુસ્તીબાજોની અરજીનો નિકાલ કર્યો.
28 મે 2023: નવી સંસદ ભવન તરફ માર્ચ કરી રહેલા વિરોધ પ્રદર્શનકારી કુસ્તીબાજોની દિલ્હી પોલીસે અટકાયત કરી અને જંતર-મંતર પરથી તેમના ટેન્ટ હટાવી દીધા.
30 મે 2023: ભારે નિરાશામાં કુસ્તીબાજો પોતાના ઓલિમ્પિક અને વર્લ્ડ ચેમ્પિયનશિપના મેડલ ગંગા નદીમાં વહાવવા હરિદ્વાર પહોંચ્યા, જ્યાં ખેડૂત નેતાઓની સમજાવટથી રોકાયા.
03 જૂન 2023: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે મોડી રાત્રે આંદોલનકારી પહેલવાનો સાથે બેઠક કરી.
07 જૂન 2023: રમતગમત મંત્રી અનુરાગ ઠાકુર સાથે 6 કલાક ચાલેલી વાટાઘાટો બાદ કુસ્તીબાજોએ 15 જૂન સુધી આંદોલન સ્થગિત કરવાની જાહેરાત કરી.
15 જૂન 2023: દિલ્હી પોલીસે બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમર વિરુદ્ધ રાઉઝ એવન્યુ કોર્ટમાં 1,500 પાનાની ચાર્જશીટ રજૂ કરી. સાથે જ સગીરાના પોક્સો કેસમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કર્યો.
07 જુલાઈ 2023: કોર્ટે દિલ્હી પોલીસની ચાર્જશીટની નોંધ લીધી અને આરોપીઓને સમન્સ પાઠવ્યા.
20 જુલાઈ 2023: રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને નિયમિત જામીન મંજૂર કર્યા.
10 મે 2024: કોર્ટે બ્રિજભૂષણ વિરુદ્ધ આઈપીસીની કલમ 354, 354A અને 506 હેઠળ આરોપો ઘડવાનો પ્રથમદર્શી ઓર્ડર આપ્યો.
21 મે 2024: કોર્ટમાં ઔપચારિક આરોપો ઘડાયા. બંને આરોપીઓએ ગુનો સ્વીકારવાનો ઇનકાર કરી ટ્રાયલનો સામનો કરવાનો નિર્ણય લીધો.
26 જુલાઈ 2024: કોર્ટમાં ફરિયાદ પક્ષના સાક્ષીઓની જુબાની અને સરતપાસ શરુ થઈ.
26 મે 2025: પટિયાલા હાઉસ કોર્ટના એડિશનલ સેશન્સ જજ ગોમતી મનોચાએ સગીર કુસ્તીબાજના કેસમાં દિલ્હી પોલીસના ક્લોઝર રિપોર્ટને આખરી મંજૂરી આપી.
25 મે 2026: કેસમાં તમામ 32 સાક્ષીઓની તપાસ પૂર્ણ થઈ. ફરિયાદ પક્ષે પોતાના 9 સાક્ષીઓને પડતા મૂક્યા.
08 જૂન 2026: સીઆરપીસીની કલમ 313 હેઠળ બંને આરોપીઓના સત્તાવાર નિવેદનો નોંધવામાં આવ્યા.
09 જૂન 2026: બંને પક્ષો વચ્ચે અંતિમ દલીલોનો પ્રારંભ થયો.
02 જુલાઈ 2026: 1,133 દિવસની કાર્યવાહી બાદ તમામ દલીલો પૂર્ણ થઈ અને કોર્ટે પોતાનો ચુકાદો અનામત રાખ્યો.
03 ઓગસ્ટ 2026: રાઉઝ એવન્યુ કોર્ટે બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને તમામ આરોપોમાંથી ક્લીન ચિટ આપી નિર્દોષ જાહેર કર્યા.
પોલીસ ચાર્જશીટ અને કાનૂની જોગવાઈઓનું ગણિત
દિલ્હી પોલીસે જૂન 2023 માં રજૂ કરેલી ચાર્જશીટમાં બ્રિજભૂષણ શરણ સિંહ પર ભારતીય દંડ સંહિતા (IPC) ની અત્યંત ગંભીર કલમો હેઠળ ગુનો નોંધ્યો હતો. આ ઉપરાંત, WFI ના ભૂતપૂર્વ સહાયક સચિવ વિનોદ તોમર પર પણ આઈપીસીની કલમ 109 (ગુના માટે ઉશ્કેરણી કરવી) અને કલમ 506 હેઠળ આરોપો ઘડવામાં આવ્યા હતા. પોલીસે લગભગ 108 સાક્ષીઓના નિવેદનો લીધા હતા જેમાંથી 32 મહત્વના સાક્ષીઓની કોર્ટમાં ઉલટતપાસ કરવામાં આવી હતી. જોકે, ટ્રાયલ દરમિયાન બચાવ પક્ષના વકીલોએ સાબિત કરી દીધું કે આ આરોપો માત્ર મૌખિક દાવાઓ પર આધારિત હતા અને તેને સમર્થન આપે તેવા કોઈ ચોક્કસ વૈજ્ઞાનિક કે ડિજિટલ પુરાવા ઉપલબ્ધ નહોતા.
સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીની કાર્યવાહી અને WFI માં વહાવટ બદલાવ
જાન્યુઆરી 2023 માં જ્યારે આ આરોપો જાહેર થયા, ત્યારે ભારત સરકારના રમતગમત મંત્રાલયે તાત્કાલિક પગલાં ભર્યા હતા. મંત્રાલયે રેસલિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા પાસેથી 72 કલાકમાં સ્પષ્ટતા માંગી હતી. વિવાદ વધતાં બ્રિજભૂષણ શરણ સિંહને સંઘના તમામ દૈનિક કાર્યોથી અલિપ્ત રહેવાની અને રાજીનામું આપવાની ફરજ પડી હતી. એટલું જ નહીં, રમતગમત મંત્રાલયના આદેશથી WFI નું વહીવટી કાર્યાલય, જે વર્ષોથી બ્રિજભૂષણ સિંહના દિલ્હી સ્થિત સરકારી નિવાસસ્થાનથી ચાલતું હતું, તેને પણ ત્યાંથી તાત્કાલિક અસરથી અન્યત્ર ખસેડવામાં આવ્યું હતું. આ વિવાદને કારણે WFI ની દૈનિક પ્રવૃત્તિઓ પર દેખરેખ રાખવા માટે એડ-હોક કમિટી બનાવવી પડી હતી, જેના કારણે ભારતીય કુસ્તી ક્ષેત્રે લાંબા સમય સુધી અસ્થિરતાનો માહોલ સર્જાયો હતો.
રાજકીય અને રમતગમત ક્ષેત્રે ચુકાદાની અસરો
દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટના આ ઐતિહાસિક નિર્ણાયક ચુકાદાથી બ્રિજભૂષણ શરણ સિંહ માટે મોટી રાહત સર્જાઈ છે. સાડા ત્રણ વર્ષ ચાલેલા આ વિવાદે ભારતીય રમતગમત જગત, ખાસ કરીને કુસ્તી ક્ષેત્રે ભારે વટોળ ઊભો કર્યો હતો. એક તરફ જ્યાં દેશના નામાંકિત ખેલાડીઓએ પોતાના મેડલ અને કારકિર્દી દાવ પર લગાવી દીધા હતા, તો બીજી તરફ બ્રિજભૂષણ સિંહે પોતાની રાજકીય અને સામાજિક પ્રતિષ્ઠા ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે જ્યારે દેશની અદાલતે તમામ પુરાવાઓ, સાક્ષીઓ અને કાનૂની પાસાઓની ગહન તપાસ બાદ બ્રિજભૂષણ શરણ સિંહ અને વિનોદ તોમરને નિર્દોષ જાહેર કર્યા છે, ત્યારે આ ચુકાદો આગામી સમયમાં ભારતીય કુસ્તી અને તેના વહીવટ પર ઊંડી અસરો છોડશે. બ્રિજભૂષણ સિંહના સમર્થકો આ નિર્ણયને સત્યની જીત ગણાવી રહ્યા છે, જ્યારે રમતગમત જગતના નિષ્ણાતો આશા વ્યક્ત કરી રહ્યા છે કે આ વિવાદના અંત સાથે હવે ભારતીય પહેલવાનોનું સમગ્ર ધ્યાન ફરી એકવાર આંતરરાષ્ટ્રીય મંચ પર દેશ માટે ગોલ્ડ મેડલ જીતવા તરફ કેન્દ્રિત થશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વર્ષોની મહેનત બાદ પરીક્ષા પ્રક્રિયા અંગે ઉઠેલા સવાલો વિદ્યાર્થીઓના ભવિષ્યને કેવી રીતે અસર કરી શકે છે? પુણેમાં થનારા વિરોધથી લઈને ઉમેદવારોની તમામ માગણીઓ સુધી જાણો સમગ્ર મામલો...

શ્રીનગર એરપોર્ટ પર ઈન્ડિગોની ફ્લાઈટ 6E 225 સાથે બનેલી ઘટનાએ સૌનું ધ્યાન ખેંચ્યું છે. જાણો ઘટના કેવી રીતે બની અને તપાસમાં કયા પાસાં પર ધ્યાન અપાઈ રહ્યું છે.

અભિનંદન વર્તમાન IAFમાંથી નિવૃત્તિ બાદ FLY91માં જોડાયા, હવે કોમર્શિયલ પાયલટ બનશે.