જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં શુક્રવારે ફરી એકવાર આકાશમાંથી આફત તૂટી પડી. સેરી રામબનના ઉપરના વિસ્તારોમાં વાદળ ફાટવાના કારણે અચાનક જ ભયંકર પૂર આવ્યું. આ ઘટનાના પગલે રામબન જિલ્લામાં ચંબા સેરી નજીક રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH 44) પર મોટો ભૂસ્ખલન થયો છે. જેના કારણે રાષ્ટ્રીય ધોરીમાર્ગને તાત્કાલિક અસરથી વાહન વ્યવહાર માટે બંધ કરી દેવામાં આવ્યો છે. પોલીસ અધિકારીઓએ માહિતી આપતા જણાવ્યું કે, વાદળ ફાટવાની આ ઘટનામાં કોઈ જાનહાનિ કે કોઈ વ્યક્તિ ઘાયલ થયાના સમાચાર નથી.
વાહનોની અવરજવર સંપૂર્ણપણે ઠપ્પ...
જિલ્લાના ચંબા સેરી વિસ્તારમાં ભૂસ્ખલનના કારણે શુક્રવારે બપોરે જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર બંને તરફથી વાહન વ્યવહાર અટકાવી દેવામાં આવ્યો છે. અચાનક થયેલા આ ભૂસ્ખલનના લીધે વાહનોની અવરજવર સંપૂર્ણપણે બંધ થઈ ગઈ છે. હાલમાં રસ્તાને સાફ કરવાની કામગીરી ચાલી રહી છે.
ભારે વરસાદ અને આંધી-તોફાનનું એલર્ટ...
સ્થાનિક હવામાન વિભાગે આગાહી કરી છે કે, શુક્રવારે સાંજે ડલ ઝીલ અને તેની આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડવાની સંભાવના છે. આ દરમિયાન ચેતવણી પણ જાહેર કરવામાં આવી છે કે ડલ ઝીલ, વુલર ઝીલ અને અન્ય તળાવોમાં શિકારાની સવારી કે હોડી વિહાર ન કરવા. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર શુક્રવારે સાંજનું વાતાવરણ યોગ્ય રહેશે નહીં. ભારે આંધી-તોફાન અને વરસાદનું એલર્ટ આપવામાં આવ્યું છે.
20 એપ્રિલે રામબન જિલ્લામાં ફાટ્યું હતું વાદળ...
ઉલ્લેખનીય છે કે, આ પહેલાં પણ જમ્મુ-કાશ્મીરના રામબન જિલ્લામાં 20 એપ્રિલ, 2025 ના રોજ વહેલી સવારે વાદળ ફાટવાની દુર્ઘટના બની હતી. તે ઘટનામાં વાદળ ફાટવાના કારણે ભારે તારાજી સર્જાઈ હતી. અચાનક આવેલા પૂર અને ભૂસ્ખલનના કારણે 3 લોકોએ જીવ ગુમાવ્યા હતા. ઘણા મકાનો, દુકાનો અને વાહનોને મોટું નુકસાન થયું હતું. જો કે, 100 થી વધુ લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા.
સેનાએ હાથ ધર્યું રાહત અને બચાવ કાર્ય...
તે વખતે વાદળ ફાટ્યા બાદ જમ્મુ-શ્રીનગર નેશનલ હાઈવે પણ ભૂસ્ખલનના કારણે બંધ થઈ ગયો હતો, જેના લીધે વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો. સ્થાનિક વહીવટી તંત્ર અને સેનાએ મળીને તાત્કાલિક રાહત અને બચાવ કાર્ય શરૂ કર્યું હતું.