ગુજરાત સરકારનો વધુ એક હિતલક્ષી નિર્ણય લેવાયો છે. મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં સી.એમ.સેતુ યોજના અંતર્ગત એક મહત્વપૂર્ણ નિર્ણય કરવામાં આવ્યો છે. રાજ્યની જિલ્લા હોસ્પિટલ, પેટા હોસ્પિટલ અને સામૂહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા ખાનગી વિઝીટીંગ તજજ્ઞ ડોકટરોના માનદ વેતનમાં વધારો કરાયો છે. તેમજ સરકારી અને જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજોમાં વિઝીટીંગ સર્જિકલ-નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટના પ્રતિ દિન વેતનમાં પણ વધારો કરાયો છે.
ડોકટરોના વેતનમાં વધારો:
આ અંગે માહિતી આપતા પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યની જિલ્લા હોસ્પિટલો, પેટા જિલ્લા હોસ્પિટલો અને સામુહિક આરોગ્ય કેન્દ્રોમાં સેવા આપતા તમામ પ્રકારના ખાનગી વિઝીટીંગ તજજ્ઞ સ્પેશિયાલિસ્ટ ડોકટરોને સી.એમ.સેતુ યોજના અંતર્ગત રોજના લઘુત્તમ ૩ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 4,200 માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. આ અગાઉ પીડીયાટ્રીશીયન અને જનરલ ફીઝિશીયનને પ્રતિ દિન રૂ. 3 હજાર અને તે સિવાયના અન્ય તજજ્ઞ ડોક્ટર્સને પ્રતિ દિન રૂ. 2 હજાર માનદ વેતન આપવામાં આવતું હતું.
વધુમાં તેમણે જણાવ્યુ કે, રાજ્યની સરકારી મેડિકલ કોલેજો, જી.એમ.ઇ.આર.એસ. સંચાલિત મેડિકલ કોલેજો સંલગ્ન હોસ્પિટલોમાં ફરજ બજાવતા વિઝીટીંગ નોન સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટને 3 કલાકની ફરજિયાત સેવા બાદ રોજના રૂ. 8,5000 અને સર્જિકલ સુપર સ્પેશિયાલીસ્ટ તબીબોને રૂ. 2,700 આપવામાં આવતા હતા, જેમાં સુધારો કરીને સર્જિકલ અને નોન સર્જિકલ સુપર સ્પેશ્યાલિસ્ટને રોજના લઘુતમ ત્રણ કલાકની ફરજિયાત સેવા બાદ પ્રતિ દિન રૂ. 8,500 મુજબ માનદ વેતન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

આરોગ્યની વધુ સારી સેવાઓ:
ડોકટરોના વેતનદરમાં વધારા ઉપરાંત દવાઓ, સર્જિકલ આઇટમ, તબીબી સાધનો, ડિસ્પોઝેબલ વસ્તુઓ વિગેરેની ખરીદી તેમજ તબીબી સાધનો, એમ્બ્યુલન્સ વાહનોના રિપેરિંગ અને મેઇન્ટેનન્સ, હોસ્પિટલના સિવિલ અને ઇલેક્ટ્રીક માઇનર રિપેરિંગ અને મેઇન્ટેનન્સના કામો માટે નાણાકીય સત્તામાં વધારો કરવામાં આવ્યો છે તેમજ તેની ખરીદ સમિતિઓમાં પણ આવશ્યક ફેરફાર કરવામાં આવ્યા છે. આ મહત્વપૂર્ણ નિર્ણયથી આરોગ્ય સેવાઓ અંગેની ખરીદી અને જાળવણી અંગેની કામગીરી વધુ સુગમ તથા ઝડપી બનશે જેથી આરોગ્ય સેવાઓની કાર્યક્ષમતા અને અસરકારકતામાં વધારો થતા સમાજને વધુ સારી આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ થશે.