ડેન્ગ્યુ સામે લડવામાં ભારતને મળી મોટી સફળતા
DCGIએ QDENGA રસીને આપી મંજૂરી,4થી 60 વર્ષના લોકો માટે નવી આશા

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
India's first dengue vaccine : ભારતમાં દર વર્ષે ચોમાસા દરમિયાન ડેન્ગ્યુના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. મચ્છરજન્ય આ ગંભીર બીમારીને કારણે હજારો લોકો હોસ્પિટલમાં દાખલ થાય છે અને અનેક પરિવારો મુશ્કેલીમાં મુકાય છે. આવી સ્થિતિમાં દેશ માટે એક મહત્વપૂર્ણ અને ઐતિહાસિક સમાચાર સામે આવ્યા છે. ભારતના ડ્રગ્સ કંટ્રોલર જનરલ (DCGI) દ્વારા વૈશ્વિક ફાર્માસ્યુટિકલ કંપની તાકેડાની ડેન્ગ્યુ વિરોધી રસી QDENGAને મંજૂરી આપવામાં આવી છે. આ મંજૂરી બાદ ભારતમાં પ્રથમ વખત 4થી 60 વર્ષની વયના લોકો માટે ડેન્ગ્યુ સામે રક્ષણ આપતી રસી ઉપલબ્ધ થવાનો માર્ગ ખુલ્યો છે.આ નિર્ણયને જાહેર આરોગ્ય ક્ષેત્રમાં મહત્વપૂર્ણ સિદ્ધિ તરીકે જોવામાં આવી રહ્યો છે. ડેન્ગ્યુ સામે લડવામાં માત્ર મચ્છર નિયંત્રણ જ નહીં પરંતુ રસીકરણ પણ હવે એક મહત્વપૂર્ણ હથિયાર બની શકે છે.
શું છે QDENGA રસી?
QDENGA (ક્યુડેંગા) એ ડેન્ગ્યુ સામે રક્ષણ આપવા માટે વિકસાવવામાં આવેલી રસી છે. આ રસી ચારેય પ્રકારના ડેન્ગ્યુ વાયરસ (DENV-1, DENV-2, DENV-3 અને DENV-4) સામે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વિકસાવવામાં મદદ કરે છે.ડેન્ગ્યુ વાયરસના ચાર અલગ-અલગ પ્રકાર હોવાથી એક વખત ડેન્ગ્યુ થયા બાદ પણ વ્યક્તિને ફરીથી અન્ય પ્રકારના વાયરસથી ચેપ લાગી શકે છે. બીજી વખતનો ચેપ ઘણીવાર વધુ ગંભીર સાબિત થઈ શકે છે. QDENGAનો મુખ્ય હેતુ ચારેય પ્રકાર સામે સુરક્ષા પ્રદાન કરવાનો છે.
ડેન્ગ્યુ નિવારણમાં એક મહત્વપૂર્ણ પગલું
ટાકેડા ખાતે ઇન્ટરકોન્ટિનેન્ટલ માર્કેટ્સના વડા મહેન્દ્ર નાયકે જણાવ્યું હતું કે,2022 માં તેની શરૂઆત થઈ ત્યારથી, QDENGA ને વિશ્વના 43 દેશોમાં મંજૂરી મળી છે. જેમાં વિશ્વભરમાં 32 મિલિયનથી વધુ ડોઝનું વિતરણ કરવામાં આવ્યું છે. આ મંજૂરી ભારતમાં ડેન્ગ્યુ નિવારણને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે.તેમણે ઉમેર્યું હતું કે, છેલ્લા સાત વર્ષના ડેટા સૂચવે છે કે QDENGA સતત ડેન્ગ્યુ ચેપ અને હોસ્પિટલમાં દાખલ થવા સામે રક્ષણ આપે છે. આ રક્ષણ ડેન્ગ્યુ વાયરસના ચારેય સેરોટાઇપ્સ સુધી વિસ્તરે છે, જે સમુદાયો અને આરોગ્યસંભાળ પ્રણાલીઓ માટે એક મહત્વપૂર્ણ સિદ્ધિ દર્શાવે છે.
28,000થી વધુ લોકો પર કરાયા 19 ક્લિનિકલ ટ્રાયલ
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, ભારતમાં મંજૂરી ટેકેડાના વૈશ્વિક ક્લિનિકલ વિકાસ કાર્યક્રમના પરિણામો પર આધારિત છે. આ કાર્યક્રમ હેઠળ, ડેન્ગ્યુના વ્યાપના વિવિધ સ્તરો ધરાવતા વિસ્તારોમાં 28,000 થી વધુ સહભાગીઓ સાથે, એકથી ત્રણ તબક્કામાં 19 ક્લિનિકલ ટ્રાયલ હાથ ધરવામાં આવ્યા હતા.કંપનીએ એવો પણ દાવો કર્યો છે કે, રસી ભારતીય વસ્તી પર હાથ ધરવામાં આવેલા ફેઝ 3 ક્લિનિકલ ટ્રાયલ (DEN-302) ના ડેટા દ્વારા સમર્થિત છે. આ ટ્રાયલમાં 4 થી 60 વર્ષની વયના વ્યક્તિઓમાં રસીની સલામતી અને રોગપ્રતિકારક શક્તિ (રોગપ્રતિકારક પ્રતિભાવ ઉત્પન્ન કરવાની તેની ક્ષમતા)નું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
DCGIની મંજૂરીનું મહત્વ
ભારતમાં કોઈપણ નવી દવા અથવા રસી બજારમાં ઉપલબ્ધ થાય તે પહેલાં તેની સલામતી, અસરકારકતા અને ગુણવત્તાનું મૂલ્યાંકન કરવામાં આવે છે. આ પ્રક્રિયા બાદ જ DCGI મંજૂરી આપે છે.QDENGAને મળેલી મંજૂરીનો અર્થ એ છે કે ઉપલબ્ધ વૈજ્ઞાનિક માહિતીના આધારે તેને ભારતમાં ઉપયોગ માટે યોગ્ય માનવામાં આવી છે. આ મંજૂરી બાદ હવે કંપની ભારતમાં રસી ઉપલબ્ધ કરાવવાની પ્રક્રિયા આગળ વધારી શકશે.
બે ડોઝ વચ્ચે ત્રણ મહિનાનો સમય જરૂરી
આ રસી 0.5 મિલીના બે ડોઝમાં ત્વચાની નીચે આપવામાં આવે છે, પહેલો ડોઝ લીધા બાદ બીજો ડોઝ લેતા પૂર્વે ઓછામાં ઓછા ત્રણ મહિનાનો સમય થવો જરૂરી છે.કંપનીએ જણાવ્યું હતું કે, વિશ્વ આરોગ્ય સંગઠન (WHO) એ ડેંગ્યુ-સ્થાનિક વિસ્તારોમાં ઉપયોગ માટે QDENGA રસીની ભલામણ કરી છે. વધુમાં, WHO એ ઉચ્ચ ભારણવાળા વિસ્તારોમાં લક્ષિત જાહેર રસીકરણ કાર્યક્રમો દ્વારા રસી આપવાનું સલાહ આપી છે, જે રસીકરણ પહેલા સ્ક્રીનીંગની જરૂરિયાતને દૂર કરે છે.
કોના માટે ઉપલબ્ધ રહેશે?
મંજૂરી અનુસાર આ રસી 4 વર્ષથી 60 વર્ષની વય ધરાવતા લોકો માટે ઉપયોગી રહેશે.આ વયજૂથમાં આવતાં લોકો ડોક્ટરની સલાહ મુજબ રસી લઈ શકશે. ખાસ કરીને એવા વિસ્તારોમાં રહેતા લોકો માટે આ રસી વધુ ઉપયોગી બની શકે છે જ્યાં દર વર્ષે ડેન્ગ્યુના કેસો વધુ નોંધાય છે.QDENGA સામાન્ય રીતે બે ડોઝમાં આપવામાં આવે છે,પ્રથમ ડોઝત્યારબાદ નિર્ધારિત સમયાંતરે બીજો ડોઝરસીકરણનું ચોક્કસ શેડ્યૂલ તબીબી માર્ગદર્શિકા અને આરોગ્ય સત્તાધિકારીઓની ભલામણ મુજબ રહેશે.
ભારત માટે આ મંજૂરી કેમ મહત્વપૂર્ણ છે?
વિશ્વમાં ડેન્ગ્યુના સૌથી વધુ કેસો ધરાવતા દેશોમાં ભારત (India) મોખરે છે. એક અંદાજ મુજબ, વિશ્વના કુલ ડેન્ગ્યુ કેસોમાંથી લગભગ એક-તૃતીયાંશ બોજ એકલા ભારત પર છે. ફાર્મા કંપનીના આંકડા અનુસાર, છેલ્લા 20 વર્ષોમાં ભારતમાં ડેન્ગ્યુના નોંધાયેલા કેસોમાં લગભગ 11 ગણો વધારો જોવા મળ્યો છે. વર્ષ 2025 માં દેશભરમાં 1.13 લાખથી વધુ કેસો સત્તાવાર ચોપડે નોંધાયા હતા, જોકે નિષ્ણાતોના મતે વાસ્તવિક આંકડો આનાથી પણ ઘણો વધારે હોઈ શકે છે. આવી સ્થિતિમાં આ રસી આરોગ્ય ક્ષેત્રે ક્રાંતિકારી સાબિત થશે.
125 દેશમાં ડેન્ગ્યુની અસર
ડેન્ગ્યુ એ જીવલેણની સાથે ખતરનાક મચ્છરજન્ય વાયરલ રોગ છે અને ખાસ કરીને વિકાસશીલ દેશોમાં એક મુખ્ય જાહેર આરોગ્ય પડકાર છે. તે 125 થી વધુ દેશોમાં ફેલાયેલ છે. કંપનીના જણાવ્યા અનુસાર, કુલ વૈશ્વિક ડેન્ગ્યુ કેસોમાં ભારતનો હિસ્સો લગભગ એક તૃતીયાંશ છે. કંપનીએ જણાવ્યું હતું કે રોગના મોટા પાયે ફેલાવા, ઝડપી શહેરીકરણ અને હવામાન-સંબંધિત પરિબળો જે મચ્છરોની વસ્તીમાં વધારો કરે છે તેના કારણે દર વર્ષે લાખો ભારતીયો જોખમમાં છે.
ભારતમાં ડેન્ગ્યુનું વધતું જોખમ
ભારતના મોટા ભાગના રાજ્યોમાં દર વર્ષે ડેન્ગ્યુના હજારો કેસ નોંધાય છે.ગુજરાત, મહારાષ્ટ્ર, કર્ણાટક, તમિલનાડુ, કેરળ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ સહિત અનેક રાજ્યોમાં ચોમાસા દરમિયાન ડેન્ગ્યુનો પ્રકોપ વધી જાય છે.શહેરી વિસ્તારોમાં પાણી ભરાવા, સ્વચ્છતાનો અભાવ અને મચ્છરોના પ્રજનનને કારણે ચેપ ઝડપથી ફેલાય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ઇઝરાયેલી મહિલાના લોહીમાં મળેલા દુર્લભ એન્ટિબોડીના અભ્યાસથી JAMA નામની 49મી માનવ બ્લડ ગ્રુપ સિસ્ટમની શોધ થઈ.

નવી Nature Studyમાં ઊંઘ અને Biological Aging વચ્ચે U-shaped સંબંધ સામે આવ્યો છે. જાણો કેટલી ઊંઘ લેવી જોઈએ અને ઓછી કે વધુ ઊંઘ શરીર પર કેવી અસર કરી શકે છે.

શરીરના અંદર છુપાયેલા જોખમને ઓળખવા માટે આ 4 ટેસ્ટ ખૂબ મહત્વના બની શકે છે...