ભારતીય મહિલા ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ આયર્લેન્ડ સામેની ત્રીજી વનડેમાં ઇતિહાસ રચ્યો છે. રાજકોટમાં રમાઈ રહેલી ત્રીજી ODI મેચમાં સ્મૃતિ મંધાનાએ 70 બોલમાં સદી ફટકારી હતી. આ સદી સાથે તેણે ઘણા રેકોર્ડ પોતાના નામે કર્યા છે. સ્મૃતિ મંધાના વનડેમાં સદી ફટકારનારી સૌથી ઝડપી ભારતીય મહિલા બેટ્સમેન બની છે.
રાજકોટના નિરંજન શાહ સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી આયર્લેન્ડ સામેની ત્રીજી અને અંતિમ વનડેમાં સ્મૃતિએ 70 બોલમાં પોતાની 10મી વનડે સદી પૂરી કરી હતી. આ દરમિયાન, તેણીએ હરમનપ્રીત કૌરનો ઓલટાઇમ રેકોર્ડ તોડ્યો, જેણે ગયા વર્ષે દક્ષિણ આફ્રિકા સામે 87 બોલમાં સદી ફટકારી હતી.
સ્મૃતિ મંધાનાએ 70 બોલમાં તોફાની સદી ફટકારી અને એક નવો રેકોર્ડ બનાવ્યો. ભારતીય ટીમની ઓપનર સ્મૃતિ મંધાનાએ પ્રતિકા રાવલ સાથે મળીને શાનદાર શરૂઆત કરી હતી. બંને વચ્ચે પહેલી વિકેટ માટે 233 રનની રેકોર્ડ ભાગીદારી થઈ. મંધાનાએ મેદાન પર પોતાના બેટથી ચોગ્ગા અને છગ્ગાનો વરસાદ કર્યો હતો.
તેણે માત્ર 39 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી અને પછીના પચાસ રન માત્ર 31 બોલમાં પૂરા કર્યા. તેના સાથી રાવલ પણ શાનદાર ફોર્મમાં હતી અને સમગ્ર ઇનિંગ દરમિયાન સ્મૃતિ મંધાના પર કોઈ દબાણ નહોતું. આ ઉપરાંત, ભારતીય ઓપનરોના આક્રમણ સામે આઇરિશ બોલરો પણ સંપૂર્ણપણે લાચાર દેખાતા હતા અને સ્મૃતિએ 24મી ઓવરમાં પોતાની 10મી ODI સદી પૂરી કરી હતી. મંધાના વનડેમાં 10 સદી ફટકારનારી પ્રથમ એશિયન મહિલા બેટ્સમેન બની છે.