લોર્ડ્સ ખાતે રમાઈ રહેલી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે ભારતીય ટીમના વિકેટકીપર-બેટર રિષભ પંતના રન આઉટ થવાની ઘટનાએ ચાહકોમાં ચર્ચાનો વિષય બની રહ્યો છે. ભારતની પહેલી ઇનિંગમાં સદી ફટકારનાર ઓપનર કે.એલ. રાહુલે આ ઘટના અંગે પ્રેસ કોન્ફરન્સમાં મોટો ઘટસ્ફોટ કર્યો છે. રાહુલે જણાવ્યું કે, તેમની લાલચના કારણે પંતની વિકેટ ગુમાવવી પડી, જેના કારણે મેચની દિશા બદલાઈ ગઈ.
રાહુલે પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું, “મેં અને પંતે સદી ફટકારવા અંગે ચર્ચા કરી હતી. હું લંચ પહેલા મારી સદી પૂર્ણ કરવા માંગતો હતો. શોએબ બશીરની છેલ્લી ઓવરમાં મને લાગ્યું કે મારી પાસે સદી ફટકારવાની સારી તક છે. પરંતુ, કમનસીબે મારો શોટ સીધો ફિલ્ડરના હાથમાં ગયો. તે બોલ પર હું ચોગ્ગો મારી શકતો હતો.”
આ ઘટના ભારતની પહેલી ઇનિંગની 66મી ઓવરમાં બની, જ્યારે ઇંગ્લેન્ડના સ્પિનર શોએબ બશીર બોલિંગ કરી રહ્યા હતા. ઓવરના ત્રીજા બોલ પર પંતે કવર પોઈન્ટ તરફ શોટ રમીને સિંગલ લેવાનો પ્રયાસ કર્યો. આ સમયે રાહુલ, જે સદીની નજીક હતા, તેમણે નોન-સ્ટ્રાઈક એન્ડથી દોડવાનું શરૂ કર્યું. પંતે પણ બે પગલાં દોડીને થોડીવાર રોકાવું પડ્યું, પરંતુ ત્યારબાદ તેમણે રન પૂર્ણ કરવાનો નિર્ણય લીધો. આ દરમિયાન ઇંગ્લેન્ડના કેપ્ટન બેન સ્ટોક્સે ઝડપથી નોન-સ્ટ્રાઈક એન્ડ પર ચોક્કસ થ્રો ફેંક્યો, જે સીધો સ્ટમ્પ પર વાગ્યો. પરિણામે, 74 રનની શાનદાર ઇનિંગ રમી રહેલા રિષભ પંત રન આઉટ થયા.
રાહુલે આ ઘટના પર નિરાશા વ્યક્ત કરતાં કહ્યું, “પંત ઇચ્છતો હતો કે હું સ્ટ્રાઈક રોટેટ કરું, પરંતુ તેના રન આઉટ થવાથી મેચનો મોરચો બદલાઈ ગયો. આ અમારા બંને માટે નિરાશાજનક હતું. કોઈ પણ ખેલાડી આ રીતે પોતાની વિકેટ ગુમાવવા નથી માંગતો.”
આ ઘટનાએ ભારતીય ટીમની બેટિંગ લાઇન-અપ પર નોંધપાત્ર અસર કરી, અને ચાહકોમાં પણ આ રન આઉટની ચર્ચા ચાલી રહી છે. રાહુલની સદી અને પંતની આક્રમક બેટિંગ ભારતને મજબૂત સ્થિતિમાં લઈ જઈ રહી હતી, પરંતુ આ રન આઉટે ટીમની રણનીતિને અસર કરી. હવે ચાહકો અને નિષ્ણાતો એ જોવા માટે આતુર છે કે ભારતીય ટીમ આ નુકસાનમાંથી કેવી રીતે બહાર નીકળે છે અને મેચમાં પોતાનું વર્ચસ્વ જાળવી રાખે છે.