ભારત સેમિફાઈનલમાં પણ 5 નબળાઈ ચિંતાજનક
ઈંગ્લેન્ડ સામેની હાઈવોલ્ટેજ મેચ પહેલા ટીમ ઈન્ડિયાએ સુધારવી પડશે આ ભૂલો

ભારત ઈંગ્લેન્ડ સેમિફાઈનલ T20

ભારત ઈંગ્લેન્ડ સેમિફાઈનલ T20
ભારતીય ક્રિકેટ ટીમે શાનદાર પ્રદર્શન કરતા ટી20 વર્લ્ડકપની સેમિફાઈનલમાં જગ્યા બનાવી લીધી છે. આગામી 5 માર્ચે મુંબઈના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે જંગ જામશે. આ મેચ પહેલા ક્રિકેટ જગતની નજર ભારત પર છે, પરંતુ આંકડા અને પ્રદર્શન પર નજર કરીએ તો ટીમ ઈન્ડિયામાં કેટલીક ગંભીર નબળાઈઓ દેખાઈ રહી છે. જો ભારતે ખિતાબ જીતવો હોય તો ઈંગ્લેન્ડ સામેના મુકાબલા પહેલા આ પાંચ ક્ષતિઓ દૂર કરવી અનિવાર્ય છે.
1. પાવરપ્લેમાં ટોપ ઓર્ડરનું પતન
ભારત માટે સૌથી મોટો માથાનો દુખાવો ઓપનિંગ જોડીનું વહેલું આઉટ થવું છે. શરૂઆતની 6 ઓવરમાં વિકેટો ગુમાવવાને કારણે મિડલ ઓર્ડર પર દબાણ વધી જાય છે. વેસ્ટ ઈન્ડિઝ સામેની મેચમાં અભિષેક શર્મા અને ઈશાન કિશન સસ્તામાં પેવેલિયન ભેગા થયા હતા. જોકે સંજુ સેમસનની ઈનિંગે ભારતને બચાવી લીધું હતું, પરંતુ ઈંગ્લેન્ડના ધારદાર બોલિંગ આક્રમણ સામે આવી ભૂલ ભારતને મોંઘી પડી શકે છે.
2. કેપ્ટન સૂર્યકુમાર યાદવનું કથળેલું ફોર્મ
ટીમની રણનીતિના મુખ્ય આધાર સ્તંભ એવા કેપ્ટન સૂર્યકુમાર યાદવ હાલમાં લયમાં જણાતા નથી. દક્ષિણ આફ્રિકા અને વેસ્ટ ઈન્ડિઝ જેવી મહત્વની મેચોમાં તે માત્ર 18-18 રન જ બનાવી શક્યો છે. સેમિફાઈનલ જેવી નોકઆઉટ મેચમાં જો સૂર્યાના બેટમાંથી મોટી ઈનિંગ નહીં નીકળે, તો ભારતીય ટીમ મોટો સ્કોર કરવામાં નિષ્ફળ રહી શકે છે.
3. બોલિંગમાં માત્ર બુમરાહ પર નિર્ભરતા
જસપ્રીત બુમરાહ અત્યારે વિશ્વનો સર્વશ્રેષ્ઠ બોલર સાબિત થઈ રહ્યો છે, પરંતુ એકલપંડે મેચ જીતાડવી મુશ્કેલ છે. અન્ય બોલરોમાં સાતત્યનો અભાવ દેખાઈ રહ્યો છે. અર્શદીપ સિંહ છેલ્લી ઓવરોમાં રન રોકવામાં નિષ્ફળ રહ્યો છે, જ્યારે સ્પિનર વરુણ ચક્રવર્તીએ પણ સુપર-8માં ઘણા રન આપ્યા છે. સેમિફાઈનલમાં સામુહિક બોલિંગ પ્રદર્શનની જરૂર રહેશે.
4. ફિલ્ડિંગમાં બેદરકારી: 13 કેચ ડ્રોપ
ભારતીય ટીમની ફિલ્ડિંગ આ વખતે ખૂબ જ નબળી રહી છે. આખા સુપર-8માં ભારતે સૌથી વધુ એટલે કે 13 કેચ છોડ્યા છે. વેસ્ટ ઈન્ડિઝ સામે પણ ત્રણ મહત્વના કેચ છૂટ્યા હતા. ક્રિકેટમાં કહેવાય છે કે 'કેચ વિન્સ મેચ', અને ઈંગ્લેન્ડ જેવી આક્રમક ટીમ સામે જો કેચ છોડવામાં આવશે તો મેચનું પરિણામ બદલાઈ શકે છે.
5. ઓપનિંગ બેટ્સમેન અભિષેક શર્માનું ફોર્મ
યુવા બેટ્સમેન અભિષેક શર્મા પાસેથી આક્રમક શરૂઆતની અપેક્ષા હતી, પરંતુ તે સતત નિષ્ફળ જઈ રહ્યો છે. વર્તમાન ટુર્નામેન્ટમાં તે ત્રણ વખત શૂન્ય પર આઉટ થયો છે. જો ભારતને વાનખેડેમાં મજબૂત પાયો નાખવો હોય, તો અભિષેકનું ફોર્મમાં પરત ફરવું ખૂબ જ જરૂરી છે.

કોલંબો ટેસ્ટમાં યશસ્વી જયસ્વાલ-અસિતા ફર્નાન્ડો વિવાદ બાદ હર્ષા ભોગલેને જયસ્વાલનો જવાબ, હવે ICC કાર્યવાહી પર નજર.

કોચે આપ્યો મોટો સંકેત

બીજી જ ટેસ્ટમાં સુથારે લીધા 10 વિકેટ, શ્રીલંકા 165 રને ધ્વસ્ત!