IPL ટિકિટો પર હવે 40 ટકા GST લાગુ થશે
ક્રિકેટના ક્રેઝ પર મોંઘવારીનો ફટકો; આઈપીએલ ટિકિટને કસિનો અને સટ્ટાબાજી જેવી હાઈ-ટેક્સ

ક્રિકેટ મનોરંજન હવે 'લક્ઝરી'

ક્રિકેટ મનોરંજન હવે 'લક્ઝરી'
ક્રિકેટપ્રેમીઓ માટે આગામી આઈપીએલ સીઝન મોંઘી સાબિત થવાની છે. સરકાર દ્વારા આઈપીએલ ટિકિટોને લક્ઝરી શ્રેણીમાં ગણી તેના પરના ટેક્સ દરમાં ધરખમ વધારો કરવામાં આવ્યો છે, જેના કારણે સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાનું સપનું હવે સામાન્ય માણસના ખિસ્સા પર ભારે પડશે.
૨૬મી માર્ચથી શરૂ થઈ રહેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) ૨૦૨૬ માટે ચાહકોમાં અત્યારથી જ ભારે ઉત્સાહ છે, પરંતુ આ ઉત્સાહ પર ટેક્સના નવા નિયમોએ પાણી ફેરવ્યું છે. જીએસટી કાઉન્સિલ દ્વારા લેવાયેલા એક મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર, ૨૨ સપ્ટેમ્બર, ૨૦૨૫થી આઈપીએલ મેચોની ટિકિટો પરના જીએસટી દરમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. અગાઉ જે ટિકિટો પર ૨૮ ટકા જીએસટી વસૂલવામાં આવતો હતો, તે હવે વધારીને સીધો ૪૦ ટકા કરી દેવામાં આવ્યો છે.
આ ફેરફાર પાછળનું મુખ્ય કારણ એ છે કે સરકારે આઈપીએલને હવે 'લક્ઝરી અને પ્રીમિયમ ક્રિકેટ એન્ટરટેઈનમેન્ટ સર્વિસ' તરીકે વર્ગીકૃત કરી છે. આ પ્રીમિયમ સેવાઓને હવે કસિનો, સટ્ટાબાજી, જુગાર અને ઓનલાઇન ગેમિંગ જેવી હાઈ-પ્રોફાઈલ અને 'ડિમેરિટ' સેવાઓની હરોળમાં મૂકવામાં આવી છે.
ખિસ્સા પર કેવી અસર પડશે? (એક ગણિત)જીએસટી દરમાં થયેલો આ ૧૨ ટકાનો વધારો સામાન્ય લાગી શકે છે, પરંતુ ટિકિટની કિંમતમાં તે મોટો તફાવત લાવશે.
જો કોઈ ટિકિટની મૂળ કિંમત રૂ. ૩,૦૦૦ હોય, તો જૂના ૨૮% દર મુજબ તેની કિંમત આશરે રૂ. ૩,૮૪૦ થતી હતી.
હવે ૪૦% જીએસટી સાથે, એ જ ટિકિટ માટે ચાહકોએ રૂ. ૪,૨૦૦ ચૂકવવા પડશે. આમ, દરેક ટિકિટ પર ચાહકોએ સેંકડોથી લઈને હજારો રૂપિયાનો વધારાનો આર્થિક બોજ સહન કરવો પડશે.
આઈપીએલની ટિકિટનું વેચાણ સર્વિસ એકાઉન્ટિંગ કોડ (SAC) 9996 હેઠળ આવે છે. આ કેટેગરીમાં મનોરંજન, સાંસ્કૃતિક અને રમતગમતની સેવાઓનો સમાવેશ થાય છે. જીએસટી કાઉન્ટિલના નવા માળખા મુજબ, રમતગમતની ઈવેન્ટમાં પ્રવેશને એક ટેક્સેબલ સર્વિસ માનવામાં આવે છે. ૨૨ સપ્ટેમ્બર ૨૦૨૫થી અમલી બનેલા આ નવા દરો ખાસ કરીને એવી સેવાઓ માટે છે જે સમાજમાં 'લક્ઝરી' ગણાય છે. આ ટેક્સની રકમ ટિકિટિંગ પ્લેટફોર્મ (જેમ કે BookMyShow અથવા Insider) દ્વારા ગ્રાહકો પાસેથી વસૂલવામાં આવશે અને નિયમ મુજબ સરકારમાં જમા કરવામાં આવશે.
ભારતીય સ્પોર્ટ્સ માર્કેટ અને ક્રિકેટનો ક્રેઝભારતમાં સ્પોર્ટ્સ માર્કેટ દેશની જીડીપીમાં અંદાજે ૮ ટકા જેટલો નોંધપાત્ર ફાળો આપે છે. તેમાં પણ ક્રિકેટનો હિસ્સો સિંહફાળો ધરાવે છે. આર્થિક વિશ્લેષકોનું માનવું છે કે, ભારતીયોમાં ક્રિકેટ પ્રત્યે એટલો જબરદસ્ત ક્રેઝ છે કે ટિકિટના ભાવ વધવા છતાં સ્ટેડિયમ હાઉસફુલ જ રહેશે. જોકે, આ વધારાને કારણે ટિકિટોના કાળાબજાર (Black Marketing) વધવાની પણ ભીતિ સેવાઈ રહી છે.
ફ્રેન્ચાઈઝીઓ માટે કડક નિયમોસરકારે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ફ્રેન્ચાઈઝી કે ટિકિટિંગ વેબસાઈટ નવા જીએસટી દરો લાગુ કરવામાં કે સરકારને ટેક્સ ચૂકવવામાં બેદરકારી દાખવશે, તો તેમની સામે કડક દંડાત્મક કાર્યવાહી કરવામાં આવશે. આ વર્ષે સુરક્ષા અને ટેક્સ પાલન માટે વિશેષ ઓડિટ ટીમ પણ તૈનાત કરવામાં આવી શકે છે.
આઈપીએલ હવે માત્ર રમત રહી નથી, પરંતુ એક મોટું બિઝનેસ મોડલ બની ગયું છે. સરકાર દ્વારા તેને કસિનો અને જુગાર જેવી કેટેગરીમાં મૂકી ૪૦ ટકા ટેક્સ વસૂલવાનો નિર્ણય આવકના હેતુથી લેવાયો છે, પરંતુ તેની સીધી અસર સામાન્ય મધ્યમ વર્ગના ક્રિકેટ પ્રેમીઓ પર પડશે જેઓ વર્ષમાં એકવાર પોતાના મનપસંદ ખેલાડીઓને મેદાન પર જોવા માંગતા હોય છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

સુચિકા તારિયાલની સેમિફાઇનલમાં એવું શું થયું કે મેચ ડ્રો જાહેર થયા બાદ પણ તે ફાઇનલમાં ન પહોંચી?

ભારતીય મહિલા A ટીમે ઓસ્ટ્રેલિયા Aને 4 વિકેટે હરાવી ODI શ્રેણીમાં 1-0ની લીડ મેળવી. તેજલ હસબનીસે 81 અને અનુષ્કા શર્માએ 55 રન બનાવ્યા, જ્યારે બંને વચ્ચે 126 રનની ભાગીદારીએ ભારતની જીતનો પાયો નાખ્યો.

શ્રીલંકાને 3-0થી હરાવ્યા બાદ ઈંગ્લેન્ડે ભારતને પાછળ છોડી ICC T20I રેન્કિંગમાં નંબર-1 સ્થાન મેળવ્યું, બંને વચ્ચે માત્ર 0.04 પોઈન્ટનો તફાવત.