ગુજરાત BJPની મોટી જીત છતાં ખાડીયા વોર્ડ કેમ હાર્યા
ભાજપના સાડા પાંચ દાયકાના ઈતિહાસમાં પ્રથમ વખત ખાડિયામાં કમળ ન ખીલ્યું, કોંગ્રેસની જીત

અમદાવાદના ખાડીયા વિસ્તારની તસવીર

અમદાવાદના ખાડીયા વિસ્તારની તસવીર
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે તમામ મહાનગરપાલિકાઓમાં કબજો કરીને મોટો વિજય મેળવ્યો છે. મહાનગરોનાં ભાજપનો વોટ શેર પણ વધ્યો છે. આ ઉપરાંત જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતો અને નગરપાલિકાઓમાં પણ ભાજપનો દેખાવ સારો રહ્યો છે. તેમ છતાં અમદાવાદ મહાનગરપાલિકા ચૂંટણીમાં ખાડિયા વોર્ડમાં ભાજપને મોટો ઝટકો લાગ્યો છે. વર્ષો સુધી ભાજપનો ગઢ ગણાતા ખાડીયા વોર્ડમાં પ્રથમ વખત કોંગ્રેસે સંપૂર્ણ પેનલ સાથે જીત મેળવી છે. ખાડીયાના પરિણામથી ગુજરાતની રાજનીતિના મોટા ફેરફારના સંકેતો મળી રહ્યાં છે.
ભાજપ માટે પ્રતિકાત્મક હાર
અમદાવાદ શહેરનો ખાડિયા એ વિસ્તાર છે જ્યાંથી ગુજરાતમાં ભાજપના ઉદયની શરૂઆત થઈ હતી. વર્ષો સુધી અહીં ભાજપનો અખંડ પ્રભાવ રહ્યો હતો. પરંતુ આ વખતે મતદાતાઓએ બદલાવનો નિર્ણય કર્યો છે. ભાજપ મહાનગરપાલિકામાં સત્તામાં પરત આવી હોવા છતાં ખાડિયામાં મળેલી હાર તેના માટે ચિંતાજનક માનવામાં આવી રહી છે.
મતદારોમાં અસંતોષનું કારણ
ખાડિયા વિસ્તારમાં પાણીની અછત, ગટરના પ્રશ્નો, ટ્રાફિક સમસ્યાઓ અને બિનવ્યવસ્થિત રસ્તાઓ જેવા મુદ્દાઓ લાંબા સમયથી લોકો માટે મુશ્કેલી સર્જી રહ્યા હતા. આ સમસ્યાઓનો યોગ્ય ઉકેલ ન આવતા મતદાતાઓમાં અસંતોષ વધ્યો હતો. જેની સીધી અસર મતદાન પર જોવા મળી છે.
મતદારોની સંખ્યામાં ઘટાડો
તાજેતરમાં રાજ્ય ચૂંટણી પંચે હાથ ધરેલી મતદાર યાદી સુધારણાની પ્રક્રિયામાં ખાડિયા વિસ્તારના આશરે 25 હજાર જેટલા મતદારો ઘટ્યા હતા. સ્થળાંતર અને જન સાંખ્યિક ફેરફારોને કારણે મતદાનના પરિણામો પર તેની અસર પડી હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સાડા પાંચ દાયકાથી ખાડિયા ભાજપનો ગઢ
ખાડિયા એટલે ભાજપનું ઉદ્દભવ સ્થાન. ખાડિયા ગોલવાડની એક ઇમારતમાં 1972માં જનસંઘ અને ત્યારબાદ 1980માં ભાજપનું પહેલું ગુજરાત પ્રદેશ કાર્યાલય કાર્યરત થયું હતું. ભાજપ પ્રદેશ કાર્યાલયનું સ્થળાંતર થતાં આ ઇમારત દાયકાઓ સુધી ખંડેર સ્થિતિમાં રહી હતી. તેને 'વસંત સ્મૃતિ' તરીકે જાળવી રાખવામાં આવી અને 2015માં તેનું ભાજપે રિનોવેશન કરાવ્યું.
1977માં તત્કાલીન વિદેશ મંત્રી અટલ બિહારી વાજપેયીએ દીપ પ્રગટાવી 'વસંત સ્મૃતિ'નું ઉદ્ઘાટન કર્યું. ત્રણ દાયકા સુધી ખાડિયા બેઠક પરથી ભાજપના અશોક ભટ્ટ સતત વિજેતા થતા રહ્યા. બાદમાં હરીન પાઠકે સંસદમાં બેઠકનું પ્રતિનિધિત્વ કર્યું.
ખાડિયામાં ભાજપે વર્ષ 2017માં વિધાનસભા બેઠક ગુમાવી હતી. ભાજપ માટે મોટો ઝટકો હતો. 42 વર્ષ બાદ ખાડિયા ભાજપના હાથમાંથી સરકીને કોંગ્રેસના હાથમાં ગયું હતું. કોંગ્રેસના ઉમેદવાર ઇમરાન ખેડાવાલા ખાડિયા બેઠક જીતી ધારાસભ્ય બન્યા. આ પહેલાં 1971માં કોંગ્રેસના ઉમેદવાર ડૉ. અજીત પટેલની જીત થઈ હતી. મનપામાં સાડા પાંચ દાયકાથી ભાજપની પેનલ ચૂંટાતી હતી. 54 વર્ષ પછી ખાડિયામાં કોંગ્રેસની પેનલ જીતી છે.
ભાજપે થાપ ક્યાં ખાધી?
છેલ્લા પાંચ વર્ષમાં સૌથી મોટી સમસ્યા પાણીની છે. દૂષિત પાણીથી લોકો પરેશાન થઈ ગયા હતા. ગટરો ઉભરાવવાની સમસ્યા છે. રસ્તા યોગ્ય રીતે કરવામાં આવતા નથી અને કોટ વિસ્તારમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની છે. વર્ષોથી ટ્રાફિકનો ઉકેલ આવ્યો નથી. ખાડિયા વોર્ડમાં નાની મોટી પોળો છે. જેમાં સવારે માંડ બે કલાક પાણી આવે છે. તેમાં પણ શરૂઆતની 30 મિનિટ દૂષિત પાણી મળે છે. પછી પાણીનું પ્રેશર ઓછું થઈ જાય. રોજેરોજની સમસ્યાથી લોકો હેરાન હતા. ભાજપના કોર્પોરેટરો પાણીની સમસ્યાના ઉકેલ માટેના વચનો આપતાં હતા. નિરાકરણ ન થયું એટલે મતદારોએ રસ્તો કરી નાખ્યો.
કોંગ્રેસ માટે નવો અવસર
આ જીત કોંગ્રેસ માટે મહત્વપૂર્ણ સાબિત થઈ છે. શહેરમાં કોંગ્રેસે કુલ 17 બેઠકો જીતતાં પોતાનો આધાર મજબૂત બનાવ્યો છે. દરિયાપુર, બહેરામપુરા, ખાડિયા અને દાણીલીમડા જેવા વિસ્તારોમાં કોંગ્રેસે સારું પ્રદર્શન કર્યું છે.
ચૂંટણી પ્રચારમાં પાકિસ્તાનનો મુદ્દો ચગ્યો હતો
અમદાવાદ મનપાના ચૂંટણી પ્રચારમાં ભાજપના નેતાઓ પાકિસ્તાનનો મુદ્દો લઈ આવ્યા હતા. તેના કારણે ખાડિયા વોર્ડ ફરી ચર્ચામાં આવ્યો હતો. ખાડિયા વોર્ડની ચૂંટણીમાં ભાજપે પાકિસ્તાનવાળી કરીને ચર્ચા જગાવી હોવા છતાં ભાજપના મતદારોએ કોંગ્રેસને સાથ આપ્યો છે. ભાજપના નેતાઓએ આ મુદ્દે ચિંતન કરવાની વાત કરી છે.
રાજકીય સંદેશ શું?
અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપે સ્પષ્ટ બહુમતી મેળવી છે. પરંતુ ખાડીયાનું પરિણામ દર્શાવે છે કે મતદારો હવે વિકાસ અને સ્થાનિક સમસ્યાઓને પ્રાથમિકતા આપી રહ્યા છે. લાંબા સમયથી એકતરફી પ્રભાવ ધરાવતા વિસ્તારોમાં પણ બદલાવની લહેર જોવા મળી રહી છે.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.