AAP નેતા ઈસુદાન ગઢવીની અટકાયતથી તણાવ
ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં AAP નેતાઓ-પોલીસ વચ્ચે ઘર્ષણ બાદ અટકાયતથી રાજકીય ગરમાવો

ઈસુદાન ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા ત્યારની તસવીર

ઈસુદાન ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશનમાં રજૂઆત કરવા ગયા ત્યારની તસવીર
આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે ખંભાળીયા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા. બિહારથી આવેલા આપના કાર્યકર દીપકકુમાર સિંગ પર થયેલી ફરિયાદ મામલે રજૂઆત કરવા જતાં મામલો બિચક્યો હતો. પોલીસ અને આપ કાર્યકરો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.
આપ કાર્યકર પર લૂંટની કલમ ખોટી રીતે ઉમેરવામાં આવી હોવાનો આરોપ ઈસુદાન ગઢવીએ લગાવીને પોલીસની કાર્યવાહી પર સવાલો ઉઠાવ્યા હતા. જ્યારે ઈસુદાન ગઢવીની ખંભાળીયા પી.આઈ. સાથે ચકમક થતાં વાતાવરણ ઉગ્ર બન્યું હતું.
દરમિયાન પોલીસ સ્ટેશનમાં મોબાઈલ કેમેરાથી વીડિયો ઉતારતા આપના કાર્યકરોને પોલીસે અટકાવતા કાર્યકરો રોષે ભરાયા હતાં અને હોબાળો મચાવ્યો હતો. આ પરિસ્થિતિને પગલે DYSP, LCB, SOG સહિતનો કાફલો પોલીસ સ્ટેશન ખાતે ધસી આવ્યો હતો અને સ્થિતિને થાળે પાડવાના પ્રયાસ હાથ ધર્યા હતા.
આમ આદમી પાર્ટી ગુજરાતના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. જેમાં જણાવાયુ છે કે, ગુજરાતમાં દારૂ, ડ્રગ્સ, ગુંડાઓની ફરિયાદ લેવાય કે ના લેવાય પણ કોઈ આમ જનતા માટે રજૂઆત કરવા જાય એની વાત પણ સાંભળવામાં આવતી નથી.
ગુજરાતમાં આમ આદમી પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને ખોટા કેસોમાં ફસાવવામાં આવી રહ્યા છે, તે બાબતે AAP ગુજરાત પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવી ખંભાળિયા પોલીસ સ્ટેશન ખાતે રજૂઆત કરવા ગયા હતા. આ બાબતે પોલીસે તેમની વાત સાંભળવાને બદલે અટકાયત કરી લીધી છે.
સુરેન્દ્રનગરમાં AAPના ચાર કાર્યકર્તાઓને ત્રીજી નોટિસ આપી
મહાનગરપાલિકા સામે વિરોધ નોંધાવી રહેલા આમ આદમી પાર્ટીના ચાર નેતાઓ સામે ફરજ રૂકાવટ અને જાનથી મારી નાખવાની ધમકીનો ગુનો સુરેન્દ્રનગર સીટી A ડિવિઝન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવ્યો છે. સુરેન્દ્રનગર શહેરના ગણપતિ ફાટસર વિસ્તારમાં રોડ રસ્તાઓ ન બનતા હોવા મુદ્દે અને સ્થાનિક પ્રશ્નોને લઈને આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા સુરેન્દ્રનગર ડેપ્યુટી કમિશનરની ઓફિસ ખાતે રજૂઆત કરવામાં આવી રહી હતી. પરંતુ ત્યાં મોબાઇલ ફોન ચાલુ રાખવામાં આવ્યો હતો.
ત્યારબાદ મામલો ઉગ્ર બની ગયો હતો. જેને લઇને ડેપ્યુટી કમિશનરના PA અને આમ આદમી પાર્ટીના નેતાઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. આ અંગે સુરેન્દ્રનગર સીટી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. જેમાં આમ આદમી પાર્ટીના શહેર પ્રમુખ કમલેશ કોટેચા, વઢવાણ વિધાનસભાના પ્રભારી દીપક ચિહ્નલા, અતુલ વેગડ અને કૃણાલ શાહ સામે ફરીયાદ નોંધાઈ હતી. ફરજ રૂકાવટ, જાનથી મારી નાખવાની ધમકી સહિતની કલમો લગાવીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
સુરેન્દ્રનગર પોલીસ વિભાગ દ્વારા આમ આદમી પાર્ટીના ચાર નેતાઓને ત્રીજી નોટિસ ફટકારીને 1 એપ્રિલ સુધીમાં હાજર થવા અંગેનું ફરમાન જારી કરવામાં આવ્યું છે. 1 એપ્રિલ સુધીમાં તે હાજર નહીં રહે તો તેમના ઉપર કાર્યવાહી કરવામાં આવશે તે પ્રકારના આદેશ પણ આપી દેવામાં આવ્યા છે.
ત્રણ મહિનામાં AAP પદાધિકારીઓ અને કાર્યકરો પર 45 FIR થયાનો આક્ષેપ
AAPના નેતા મનોજ સોરઠીયાએ ભાજપ સરકાર ઉપર આક્ષેપ કરતાં કહ્યું કે, પ્રજાના મુદ્દા ઉઠાવતા હોય એવા લોકો વિરુદ્ધ FIR કરી જેલમાં નાખવાની મોડસ ઓપરેન્ડી ભાજપે અપનાવી છે. કોંગ્રેસના નેતા પર કોઈ FIR થતી નથી. AAPના કાર્યકર્તા પર રોજ FIR થાય છે. ગુના રોકવાની જગ્યાએ ભાજપે પોલીસનો દુરૂપયોગ કરવાનું કામ કર્યું છે. દારૂના અડ્ડાઓ ખુલ્લેઆમ ચાલે છે, યુવાનોને ભાજપ બરબાદ કરી રહી છે. શું ભાજપ આ રીતે લોકોને હેરાન કરીને ચૂંટણી જીતવા માંગે છે? ગુજરાતનો સામાન્ય માણસ હવે ભાજપના અત્યાચારને સહન નહીં કરે. આવનારા દિવસોમાં બહેન દીકરીઓની ઈજ્જતને, યુવાનોને અને નોકરી ધંધા રોજગારને બચાવવા હોય તો ભાજપને જાકારો આપો.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.