સુનેત્રા પવારે મહારાષ્ટ્રના Dy. CM તરીરકે શપથ લીધા
અજીત પવારના નિધન બાદ સુનેત્રા પવારે મહારાષ્ટ્રના પ્રથમ મહિલા Dy. CM તરીકે પદભાર સંભાળ્યો

સુનેત્રા પવાર

સુનેત્રા પવાર
મહારાષ્ટ્રના રાજકારણમાં શનિવારનો દિવસ ઐતિહાસિક રહ્યો છે, કારણ કે દિવંગત નેતા અજીત પવારના પત્ની સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા છે. મુંબઈ સ્થિત લોક ભવન ખાતે આયોજિત એક ગરિમાપૂર્ણ સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે તેમને પદ અને ગુપ્તતાના શપથ લેવડાવ્યા હતા. આ સાથે જ 62 વર્ષીય સુનેત્રા પવાર મહારાષ્ટ્રના ઈતિહાસમાં પ્રથમ મહિલા ઉપમુખ્યમંત્રી બનવાનું બહુમાન મેળવ્યું છે.
NCPના વિધાયક દળના નેતા તરીકે પસંદગી
આ પ્રસંગે CM દેવેન્દ્ર ફડણવીસ, ડેપ્યુટી સીએમ એકનાથ શિંદે, પ્રફુલ પટેલ અને સુનેત્રા પવારના નાના પુત્ર જય પવાર સહિત મંત્રીમંડળના સભ્યો હાજર રહ્યા હતા. શપથ ગ્રહણ પૂર્વે તેમણે રાજ્યસભાના સભ્યપદેથી રાજીનામું આપ્યું હતું અને NCPના વિધાયક દળના નેતા તરીકે તેમની પસંદગી કરવામાં આવી હતી.
'અજીતદાદા અમર રહે' ના નારા લાગ્યા
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ અવસરે સુનેત્રા પવારને અભિનંદન પાઠવતા વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે, સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે જવાબદારી સંભાળીને રાજ્યના લોકોના કલ્યાણ માટે અથાક પ્રયાસો કરશે અને સ્વર્ગસ્થ અજીતદાદા પવારના વિઝનને પૂર્ણ કરશે. શપથ ગ્રહણ સમારોહ દરમિયાન સમગ્ર વાતાવરણ ભાવનાત્મક બની ગયું હતું અને હોલમાં 'અજીતદાદા અમર રહે' ના નારા લાગ્યા હતા.
પક્ષના અધ્યક્ષ પદની જવાબદારી પણ સોંપી
NCPના વિધાયક દળની બેઠક એ જ રૂમમાં યોજાઈ હતી જ્યાં અજીત પવાર બેસતા હતા અને તેમની તસવીર પર પુષ્પાંજલિ અર્પણ કરતી વખતે અનેક ધારાસભ્યોની આંખો ભીની થઈ ગઈ હતી. આ બેઠકમાં સુનેત્રા પવારને પક્ષના અધ્યક્ષ પદની જવાબદારી પણ સોંપવામાં આવી છે, જેનો અર્થ છે કે હવે પક્ષના તમામ સર્વોચ્ચ અધિકારો તેમની પાસે રહેશે.
મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લીધા
બીજી તરફ, શરદ પવારે આ નિમણૂક અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, તેમને આ બાબતની જાણકારી માત્ર સમાચારપત્રો દ્વારા જ મળી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે, તેમની અને સુનેત્રા પવારની પાર્ટીઓ અલગ છે, તેથી આ તેમનો આંતરિક નિર્ણય છે. જોકે, શરદ પવારે એ વાતનો સ્વીકાર કર્યો હતો કે છેલ્લા ચાર મહિનાથી બન્ને પાર્ટીઓના વિલય અંગે વાટાઘાટો ચાલી રહી હતી અને અજીત પવાર પણ ઈચ્છતા હતા કે પાર્ટી ફરી એક થઈ જાય. સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ તરીકે શપથ લેતા હવે વિલયની પ્રક્રિયા અટકી ગઈ હોય તેવું જણાય છે.
CMએ પણ NCPના આ નિર્ણયને સમર્થન આપ્યું
અજીત પવારના અચાનક નિધનથી ખાલી પડેલી જગ્યા પૂરવા માટે સીએમ ફડણવીસે પણ એનસીપીના આ નિર્ણયને સમર્થન આપ્યું હતું. હવે અજીત પવારની રાજકીય વિરાસત સુનેત્રા પવારના હાથમાં છે. સુનેત્રા પવારે મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ બનતા પહેલા દાયકાઓ સુધી સામાજિક ક્ષેત્રે નોંધપાત્ર કામગીરી કરી છે. 1963માં જન્મેલા સુનેત્રા પવારના પિતા બાજીરાવ પાટીલ અને ભાઈ પદ્મસિંહ પાટીલ રાજકારણમાં સક્રિય હતા.
15,000થી વધુ લોકોને રોજગારી આપી
1985માં અજીત પવાર સાથે લગ્ન કર્યા બાદ તેમણે બારામતીના કાટેવાડી ગામને 'મોડેલ ઈકો વિલેજ' બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. 2005માં તેમણે ગામના દરેક ઘરમાં શૌચાલય બનાવીને ગામને 'નિર્મલ ગ્રામ' નો દરજ્જો અપાવ્યો હતો. આ ઉપરાંત, બારામતી હાઈ-ટેક ટેક્સટાઈલ પાર્ક દ્વારા તેમણે 15,000થી વધુ લોકોને રોજગારી આપી છે, જેમાં મોટાભાગની મહિલાઓ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

એક તરફ વિકાસના દાવા, તો બીજી તરફ ખેડૂતો પર દેવાનો મોટો બોજ! અહેવાલ મુજબ, ગુજરાતના ખેડૂતો પર રૂ.1,05,097 કરોડની પાક લોન અને રૂ.63,363 કરોડની ટર્મ લોન બાકી છે.

અંબાજીથી નર્મદા સુધીના આદિવાસી પટ્ટામાં સરકારની અચાનક સક્રિયતા પાછળ શું છે? વર્ષોથી પડતર પ્રશ્નો, આંદોલનો અને સાગબારાના જંગલ વિવાદ વચ્ચે હવે શું થશે?

અંકિતા ભંડારીના માતા-પિતા વહેલી સવારે અટકાયત બાદ મલ્લિકાર્જુન ખડગેનો મોદી સરકાર પર આકરો પ્રહાર... તો બીજી તરફ દુષ્યંત ગૌતમની સિક્કિમ રાજ્યપાલ તરીકેની નિમણૂક પર કોંગ્રેસના સવાલો!