Rajkot Lodhika Sangh Election: રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીને લઈને રાજકોટના સહકારી રાજકારણમાં ગરમાવો આવ્યો છે. 8 સપ્ટેમ્બરે સંઘની 5 બેઠકો માટે મતદાન યોજાવાનું છે, ત્યારે મતદાનના એક દિવસ પહેલા ભાજપે પોતાના સત્તાવાર ઉમેદવારોને જીતાડવા માટે વ્હિપ જાહેર કર્યો છે. જોકે, ભાજપના મેન્ડેટ છતાં પક્ષ સાથે સંકળાયેલા બળવાખોર ઉમેદવારો મેદાનમાં હોવાથી હવે રાજકોટ લોધિકા સંઘની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપની સીધી ટક્કર જોવા મળી રહી છે.
રાજકોટ લોધિકા સંઘની 5 બેઠકો પર ભાજપના ઉમેદવારો
ભાજપે સંઘની પાંચ બેઠકો માટે પોતાના સમર્થિત ઉમેદવારોના નામ જાહેર કર્યા છે. કુવાડવા જૂથ બેઠક પરથી અરવિંદ રૈયાણી, માધાપર જૂથ બેઠક પરથી પૃથ્વીસિંહ જાડેજા ઉર્ફે ઘોઘુભા જાડેજા, ખોખડદડ જૂથ બેઠક પરથી બાબુ નસીત, ત્રંબા જૂથ બેઠક પરથી નીતિન રૈયાણી અને હલેન્ડા જૂથ બેઠક પરથી મહેશ આસોદરિયાને ભાજપનું સમર્થન જાહેર કરવામાં આવ્યું છે.
ભાજપની વ્હિપ છતાં બળવાખોર ઉમેદવારો મેદાનમાં
ભાજપ દ્વારા સત્તાવાર ઉમેદવારોને મત આપવા માટે વ્હિપ જાહેર કરવામાં આવ્યો છે. તેમ છતાં પાંચેય બેઠકો પર અન્ય ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે. જેના કારણે આ ચૂંટણીમાં ભાજપ વિરુદ્ધ અન્ય રાજકીય પક્ષો નહીં, પરંતુ ભાજપના જ બે જૂથો વચ્ચેની વર્ચસ્વની લડાઈ જોવા મળી રહી છે. પક્ષના મેન્ડેટ બાદ પણ બળવો યથાવત રહેતા ભાજપ સંગઠન માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની છે. હવે સંગઠન સામે સત્તાવાર ઉમેદવારોને જીતાડવાની સાથે બળવાખોર ઉમેદવારોના પડકારને રોકવાનો પડકાર છે.
જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટ જૂથ આમને-સામને
રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘની ચૂંટણીમાં પૂર્વ મંત્રી જયેશ રાદડિયા અને પ્રશાંત કોરાટના જૂથો વચ્ચેની ખેંચતાણ મહત્વની બની છે. પ્રદેશ સ્તરે સમાધાનના પ્રયાસો છતાં પાંચ બેઠકો પર સામસામે ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. બંને જૂથો પોતાના સમર્થક ડિરેક્ટરોને જીતાડીને સંઘમાં વર્ચસ્વ સ્થાપિત કરવા માટે પ્રયાસ કરી રહ્યા છે.
કઈ 5 બેઠકો પર થશે સીધી ટક્કર?
કુવાડવા જૂથ બેઠક પર અરવિંદ રૈયાણી સામે નીતિન ચોવટિયા, માધાપર જૂથ બેઠક પર વિજય સખીયા સામે પૃથ્વીસિંહ જાડેજા, ખોખડદડ જૂથ બેઠક પર બાબુ નસીત સામે હરજીભાઈ પીપળીયા, ત્રંબા જૂથ બેઠક પર અનિરુદ્ધસિંહ જાડેજા સામે નીતિન રૈયાણી અને હલેન્ડા જૂથ બેઠક પર મહેશ આસોદરિયા સામે ધીરુભાઈ રોકડ વચ્ચે મુકાબલો છે. આ પાંચ બેઠકો પર કુલ 10 ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા હોવાથી એક-એક મત પણ નિર્ણાયક બની શકે છે.
વિજય સખીયાએ પોલીસ સુરક્ષા માગી
ચૂંટણી વચ્ચે ઉમેદવાર વિજય સખીયાએ સુરક્ષાની માગ કરી છે. તેમણે ચૂંટણી પ્રક્રિયા નિષ્પક્ષ, પારદર્શક અને કોઈપણ વિઘ્ન વિના યોજાય તે માટે પોતાના સ્વખર્ચે પોલીસ પ્રોટેક્શન આપવા રાજકોટ પોલીસ કમિશનરને લેખિત રજૂઆત કરી છે.
8 સપ્ટેમ્બરે મતદાન, 9 સપ્ટેમ્બરે પરિણામ
ચૂંટણી કાર્યક્રમ મુજબ 8 સપ્ટેમ્બરે સવારે 9 થી બપોરે 2 વાગ્યા સુધી મતદાન થશે. 9 સપ્ટેમ્બરે સવારે 9 વાગ્યાથી મતગણતરી શરૂ થશે અને ત્યારબાદ પરિણામ જાહેર કરવામાં આવશે. સંઘની 10 બેઠકો બિનહરીફ થયા બાદ હવે માત્ર 5 બેઠકો પર ચૂંટણી યોજાઈ રહી છે. તેથી આ પાંચ બેઠકોના પરિણામ પર સૌની નજર છે. પરિણામથી રાજકોટ લોધિકા ખરીદ-વેચાણ સંઘમાં કયા જૂથનું વર્ચસ્વ મજબૂત બને છે અને ભાજપના આંતરિક રાજકારણમાં આગામી સમીકરણો કેવું વળાંક લે છે તે સ્પષ્ટ થશે.