સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીઃ ઉમેદવારોનું ભાવિ થશે સીલ
મનપા, નગરપાલિકા અને જિલ્લા-તાલુકા પંચાયતોમાં 1 વાગ્યા સુધી સરેરાશ 30થી વધુ ટકા મતદાન

મતદાન મથક, મતદાન કરતાં મતદારોની તસવીર

મતદાન મથક, મતદાન કરતાં મતદારોની તસવીર
ગુજરાતમાં 15 મહાનગરપાલિકા, 84 નગરપાલિકા, 34 જિલ્લા પંચાયત અને 260 તાલુકા પંચાયતની ચૂંટણી અંતર્ગત આજે મતદાન થયુ છે. સ્થાનિક સ્વરાજ્યની 9,992 બેઠકો માટે મતદાન થઈ રહ્યુ છે. જ્યારે 11 નગરપાલિકાની 13 બેઠકોની પેટા ચૂંટણી માટે મતદાન થયું છે. લાખો મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી હજારો ઉમેદવારોનું રાજકીય ભાવિ ઈવીએમમાં કેદ કરશે.
બપોરે 1 વાગ્યા સુધીમાં મનપાનું 31.32 ટકા મતદાન
રાજ્યની 15 મહાનગરપાલિકા મોરબી, નવસારી, વાપી, નડિયાદ, કરમસદ-આણંદ, મહેસાણા, સુરત, સુરેન્દ્રનગર, ભાવનગર, વડોદરા, રાજકોટ, જામનગર, અમદાવાદ, ગાંધીધામ અને પોરબંદર મહાનગરપાલિકામાં બપોરે 1 વાગ્યા સુધીમાં સરેરાશ 31.32 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં સૌથી વધુ મતદાન મોરબી મહાનગરપાલિકામાં 39.80 ટકા અને સૌથી ઓછું મતદાન પોરબંદર મનપામાં 24.37 ટકા મતદાન નોંધાયુ હતું.
34 જિલ્લા પંચાયતમાં 1 વાગ્યા સુધી 42.48 ટકા મતદાન
રાજ્યની 34 જિલ્લા પંચાયતોની સામાન્ય ચૂંટણી અંતર્ગત આજે મતદાન થઈ રહ્યું છે. જેમાં નવ રચિત વાવ-થરાદ જિલ્લા પંચાયતની પણ ચૂંટણી યોજાઈ રહી છે. બપોરે 1 વાગ્યા સુધીમાં 42.48 ટકા મતદાન થયુ હતું.
260 તાલુકા પંચાયતોમાં 43.09 ટકા મતદાન
રાજ્યની 34 જિલ્લા પંચાયતોની સાથે 260 તાલુકા પંચાયતોની પણ સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 43,09 ટકા મતદાન નોંધાયું છે.
84 નગરપાલિકામાં 38.12 ટકા મતદાન
રાજ્યની 84 નગરપાલિકાની સામાન્ય અને 11 નગરપાલિકાના 13 બેઠકોની પેટા ચૂંટણી યોજાઈ રહી છે. જેમાં બપોરે 1 વાગ્યા સુધીમાં 38.12 ટકા મતદાન નોંધાયું છે.
નવી 9 મનપામાં પ્રથમ વખત ચૂંટણી
વર્ષ 2025માં 9 નગરપાલિકાઓને મહાનગરપાલિકાઓમાં રૂપાંતરિત કરવામાં આવી હતી. નવસારી, ગાંધીધામ, મોરબી, સુરેન્દ્રનગર, મહેસાણા, વાપી, આણંદ, પોરબંદર અને નડિયાદને મહાનગરપાલિકાનો દરજ્જો અપાયો હતો. આ મનપામાં પ્રથમ ચૂંટણી યોજાઈ રહી છે. વર્ષ 2002માં જૂનાગઢ અને ત્યારબાદ છેલ્લે 2010માં ગાંધીનગર મહાનગરપાલિકાની રચના કરવામાં આવી હતી. નવી 9 મનપાની સાથે 6 જૂની અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, જામનગર અને ભાવનગર મનપા સાથે 15 મનપાની ચૂંટણી યોજાઈ રહી છે.
મનપાની કેટલી બેઠકો બિનહરિફ જાહેર થઇ?
15 મહાનગરપાલિકાઓની 43 બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. જેના કારણે બાકીની 1001 બેઠકો પર ત્રિપાંખિય જંગ છે. મનપા વિસ્તારના 1.10 કરોડથી વધુ મતદારો 3145 ઉમેદવારોનું રાજકીય ભવિષ્ય ઈવીએમમાં કેદ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો 28 એપ્રિલે જાહેર થશે.
કયા પક્ષના કેટલા ઉમેદવારો?
આ વખતે મનપા, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, નગરપાલિકાની 700 કરતાં વધુ બેઠકો બિનહરિફ થઇ છે. મોટાભાગની બેઠકો ઉપર ત્રિપાંખિયો જંગ જોવા મળી રહ્યો છે. ભાજપના 9596, કોંગ્રેસના 8443 ઉમેદવારો જ્યારે આમ આદમી પાર્ટીના 5261 ઉમેદવારો વચ્ચે સીધી ટક્કર જોવા મળી રહી છે. જ્યારે અપક્ષ ઉમેદવારો પણ ચૂંટણી મેદાને ઉતર્યા છે. કુલ 4.02 કરોડ મતદારો પૈકી શહેરી મતદારો 1.40 કરોડ જેટલા નોંધાયા છે.
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મોટા શહેરોથી લઈને ગામડાં સુધી લોકશાહીના મહાપર્વનો માહોલ જોવા મળી રહ્યો છે. વહીવટી તંત્ર અને ચૂંટણી પંચે સંપૂર્ણ તૈયારીઓ કરી છે અને મતદારોને નિર્ભયતાપૂર્વક મતદાન કરવા અપીલ કરવામાં આવી છે.
ગોધરામાં મતદાન મથકમાં આગ
ગોધરાના બામરોલી રોડ પર શારદા મંદિર સ્કૂલના મતદાન મથકમાં અચાનક આગ લાગી હતી. સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા શરૂ થાય તે પૂર્વે મતદાન મથકમાં આગ ફાટી નીકળતા દોડધામ થઈ હતી. ગોધરા ફાયર બ્રિગેડની ટીમ અને પોલીસ કાફલો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લીધી હતી. મતદાન મથકમાં એસી (AC) માં શોર્ટ સર્કિટ થવાના કારણે આગ લાગી હોવાનું પ્રાથમિક રીતે જાણવા મળ્યું હતું.
મતદાનના પ્રારંભિક આંકડા
રાજ્યમાં સવારના 9 વાગ્યા સુધીમાં સરેરાશ 5 ટકા જેટલું ધીમું મતદાન નોંધાયું હતું. 15 મનપામાં 4 ટકા, 84 નગરપાલિકાઓમાં 6.50 ટકા, 34 જિલ્લા પંચાયતોમાં 4 ટકા અને 260 તાલુકા પંચાયતોમાં 5 ટકા સરેરાશ મતદાન થયું હતું.
ભાજપની સભામાં સવાલ કરનાર મતદારને ફટકાર્યો
વાંકાનેરના ઓળ ગામમાં ભાજપની એક સભામાં રાજ્યસભા સાંસદ કેસરીદેવસિંહ ઝાલાની હાજરીમાં જાગૃત નાગરિકે સવાલ કરવાની હિંમત બતાવતા નેતાના સમર્થક અને કાર્યકરો ઉશ્કેરાઈ ગયા હતા. સામાન્ય દલીલબાજી વચ્ચે મારામારી પર ઉતરી આવ્યા હતા.
આણંદમાં વોર્ડ નંબર-13ના કોંગ્રેસના ઉમેદવાર પર હુમલો
કરમસદ–આણંદ મહાનગરપાલિકાના વોર્ડ નંબર-13ના કોંગ્રેસના ઉમેદવાર હર્ષિલ દવે પર મોડી રાત્રે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. ભાજપના ઉમેદવારના સમર્થકો પર હુમલાનો આરોપ લાગ્યો છે. ગંભીર રીતે ઘવાયેલા હર્ષિલ દવેને સારવાર માટે ખસેડાયા છે. આ ઘટનાને લીધે સ્થાનિક રાજકીય માહોલ તંગ બન્યો છે અને કાયદો-વ્યવસ્થાની સ્થિતિ સામે ગંભીર સવાલો ઊભા થયા છે.
રાજકોટમાં વોર્ડ નંબર-15ના કોંગ્રેસી ઉમેદવાર સહિત 20ની અટકાયત
રાજકોટમાં ચાલુ મતદાન વચ્ચે કોંગ્રેસ ઉમેદવાર મકબુલ દાવદાણી સહિત 20 લોકોની અટકાયત કરવામાં આવી હતી. આ લોકો પર આરોપ હતો કે તેઓ ચાલુ મતદાન વચ્ચે મતદાન બુથથી 100 મીટરની અંદર પ્રચાર કરી રહ્યા હતા. સમગ્ર મામલો થોરાળા પોલીસ સ્ટેશને પહોંચ્યો છે.
અમદાવાદના ખોખરામાં 2 બૂથના સ્થળ બદલી નાખાતા હોબાળો
અમદાવાદના ખોખરામાં મતદારો જ્યારે મતદાન કરવા પહોંચ્યા તો તેમને ખબર પડી કે તેમના મતદાન મથક બદલી નખાયા છે. જેના કારણે ઘણા લોકો મતદાન કર્યા વિના રહી ગયા હતા. મતદારોને આ વિશે જાણકારી ન આપવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. મતદાન મથક બદલાવવાને લઈને જાગૃત મતદારોએ ફરિયાદ પણ કરી છે.
ચૈતર વસાવાએ મતદાન બહિષ્કાર સમેટાયો
નર્મદા જિલ્લાના ડેડિયાપાડા તાલુકાના ફુલસર-દૂથર ગામે રસ્તાના પ્રશ્ને ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર કર્યો હતો. જો કે, AAP ધારાસભ્ય ચૈતર વસાવાએ મધ્યસ્થી કરતાં ગ્રામજનોએ ચૂંટણી બહિષ્કાર પરત ખેંચી લીધો હતો. ફુલસરથી દૂથર સુધીનો મંજૂર થયેલો ડામર રોડ વન વિભાગ દ્વારા વાઇલ્ડ લાઇફ ક્લિયરન્સના અભાવે અટકાવી દેવાતા રોષે ભરાયેલા ગ્રામજનોએ મતદાન ન કરવાનો નિર્ણય લીધો હતો.
ઘટનાની જાણ થતાં ધારાસભ્ય ચૈતર વસાવા સ્થળ પર પહોંચ્યા હતા અને વહીવટી તંત્રના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. માર્ગ અને મકાન વિભાગ તેમજ વન વિભાગના અધિકારીઓએ લેખિતમાં બાંહેધરી આપી હતી કે, જરૂરી મંજૂરીઓ મેળવી એક મહિનામાં રસ્તાની કામગીરી પૂર્ણ કરાશે. તંત્ર તરફથી લેખિત ખાતરી મળતા ગ્રામજનોએ મતદાન શરૂ કર્યું હતું.

અનામતના મુદ્દે ભાજપ સામે નવો રાજકીય પડકાર ઊભો થયો છે. ઉચ્ચ જાતિના સંગઠનો અનામત સુધારણાની માંગ કરી રહ્યા છે, જ્યારે વિપક્ષ OBC, દલિત અને સામાજિક ન્યાયના મુદ્દે BJPને ઘેરી રહ્યો છે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.