અંતે સુરજ આથમણો ઉગ્યો ખરો, કરપડાએ કર્યા કેસરીયા
‘સૂરજ આથમણે ઉગશે તો ભાજપમાં જઈશ’ કરપડાનો વીડિયો વાયરલ; પ્રવીણ રામે લગાવ્યા ગંભીર આક્ષેપ

ભાજપમાંથી લડી શકે છે સ્થાનિક ચૂંટણી

ભાજપમાંથી લડી શકે છે સ્થાનિક ચૂંટણી
ગુજરાતના રાજકારણમાં પક્ષપલટાની મોસમ ફરી એકવાર પૂરબહારમાં ખીલી છે. આમ આદમી પાર્ટી (AAP) ના ફાયરબ્રાન્ડ યુવા નેતા અને ખેડૂતોનો અવાજ ગણાતા રાજુ કરપડાએ તમામ અટકળોનો અંત આણી વિધિવત રીતે ભારતીય જનતા પાર્ટી (BJP) નો કેસરીયો ખેસ ધારણ કરી લીધો છે. ગાંધીનગર સ્થિત ભાજપ પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ' ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં વરિષ્ઠ નેતાઓની હાજરીમાં તેઓ ભાજપમાં જોડાયા હતા. જોકે, તેમના આ પ્રવેશની સાથે જ સોશિયલ મીડિયા પર તેમના જૂના નિવેદનોએ વિવાદ મધપૂડો છંછેડ્યો છે.
જૂનો વીડિયો અને વિવાદાસ્પદ ડંફાસ
રાજુ કરપડા જ્યારે આમ આદમી પાર્ટીમાં સક્રિય હતા, ત્યારે તેઓ ભાજપ સરકાર સામે આકરા પ્રહારો કરવા માટે જાણીતા હતા. તે સમયે તેમણે એક જાહેર મંચ પરથી ડંફાસ મારતા કહ્યું હતું કે, "જો સૂરજ દાદા આથમણા (પશ્ચિમમાં) ઉગશે, ત્યારે જ હું ભાજપનો ખેસ પહેરીશ." આજે જ્યારે તેઓ ખરેખર ભાજપમાં જોડાઈ ગયા છે, ત્યારે વિરોધ પક્ષો અને સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા તેમનો આ જૂનો વીડિયો જોરશોરથી વાયરલ કરવામાં આવી રહ્યો છે. લોકો પૂછી રહ્યા છે કે, "શું આજે સૂરજ આથમણે ઉગ્યો છે?"
પ્રવીણ રામના ગંભીર આક્ષેપોરાજુ કરપડાના ભાજપ પ્રવેશથી માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પરંતુ તેમના જૂના સાથીદારોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. તેમની સાથે જેલમાં રહી ચૂકેલા 'આપ' નેતા પ્રવીણ રામે ફેસબુક પર આકરા પ્રહારો કરતા જણાવ્યું હતું કે, જ્યારે અમે જેલમાં હતા ત્યારે જ ખેડૂત આંદોલનનો સોદો થઈ ગયો હતો. તેમણે આક્ષેપ કર્યો કે રાજુ કરપડાએ ખેડૂતોના હિતને નેવે મૂકીને પોતાની રાજકીય મહત્વકાંક્ષા માટે સત્તાધારી પક્ષનો હાથ પકડ્યો છે.
રાજુ કરપડાનો બચાવ: "સત્તા વગર હિત અશક્ય"ભાજપમાં જોડાયા બાદ રાજુ કરપડાએ પોતાનો પક્ષ રજૂ કરતા ભાવુક નિવેદન આપ્યું હતું. તેમણે જણાવ્યું કે, "૨૦૧૭થી મેં ખેડૂતો માટે અનેક આંદોલનો કર્યા અને જેલ પણ વેઠી. પરંતુ મને અનુભવ થયો કે માત્ર રસ્તા પર ઉતરીને વિરોધ કરવાથી નેતાનો ચહેરો ચમકે છે, ખેડૂતોનું ભલું થતું નથી. ખેડૂતોની સ્થિતિ ખરેખર સુધારવી હોય તો સરકારના સાથ અને સત્તાની જરૂર છે." તેમણે વધુમાં ઉમેર્યું કે જેલમાં હતા ત્યારે સરકારે જાહેર કરેલા રાહત પેકેજથી તેમને ખાતરી થઈ હતી કે ભાજપ સરકાર ખેડૂતો માટે કામ કરી રહી છે.
સંગઠનમાં ગાબડું: અન્ય નેતાઓ પણ જોડાયારાજુ કરપડાની સાથે અન્ય અગ્રણીઓ જેવા કે અમૃત મકવાણા, નીતિન પટેલ, કે. ડી. ઝાલા અને રાજેન્દ્ર સિંહ રાઠોડ પણ ભાજપમાં જોડાયા છે. સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા વિસ્તારમાં રાજુ કરપડાનું સારું પ્રભુત્વ હોવાથી આગામી પેટાચૂંટણીમાં ભાજપ તેમને ચોટીલા બેઠક પરથી મેદાને ઉતારે તેવી પ્રબળ શક્યતા છે.
ચૂંટણીનો માહોલ અને અનોખો વિરોધએક તરફ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે 'આપ' એ ઉમેદવારોની આઠમી યાદી જાહેર કરી દીધી છે, તો બીજી તરફ રાજકોટમાં ‘દેશી દારૂની પોટલી અહીંયા મળે છે’ તેવા વિવાદાસ્પદ બેનરો લાગતા રાજકારણ ગરમાયું છે. સુરતમાં પણ ભાજપ અને 'આપ' ના કાર્યાલયો સામસામે ખુલતા આગામી દિવસોમાં રસાકસીભર્યો જંગ જોવા મળી શકે છે.
ચોટીલાના પૂર્વ ખેડૂત નેતા હવે કેસરીયા રંગમાં રંગાઈને જનતા વચ્ચે જશે, ત્યારે જનતા તેમના જૂના નિવેદનો અને વર્તમાન નિર્ણયને કેવી રીતે સ્વીકારે છે તે જોવું રહ્યું.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ધાનેરાથી જૂનાગઢ સુધી ક્યાં કોની જીત અને ક્યાં કોને મોટો ફટકો? જાણો સમગ્ર APMC ચૂંટણી પરિણામોની કહાની…

તેલંગાણામાં KTRએ રેવંત રેડ્ડી સરકાર સામે એવા સવાલો ઉઠાવ્યા કે રાજકીય ગરમાવો વધી ગયો. જમીન કોને મળી? CMના ભાઈ સાથે કંપનીનું કનેક્શન શું છે? અને KTRએ શા માટે ED, IT અને CBI તપાસની માંગ કરી?

BJPમાં નીતિન નબીનની નવી ટીમ બાદ હવે વધુ એક મોટો સંગઠનાત્મક નિર્ણય! યુવા, મહિલા, SC, OBC, કિસાન, ST અને લઘુમતી… ભાજપના 7 મોરચાની કમાન હવે કોના હાથમાં