મનરેગામાં ફેરફાર મુદ્દે કોંગ્રેસનો ઉગ્ર વિરોધ
યોજનામાંથી ગાંધીજીનું નામ હટાવવા અને રેશિયો બદલવા સામે આક્રોશ; દેશભરમાં આંદોલનની ચીમકી

ભાજપની ગરીબોના અધિકાર પર તરાપ

ભાજપની ગરીબોના અધિકાર પર તરાપ
કેન્દ્ર સરકાર દ્વારા મનરેગા યોજનામાં કરવામાં આવેલા ફેરફારો અને નવી નીતિઓના વિરોધમાં કોંગ્રેસ પક્ષે આક્રમક વલણ અખત્યાર કર્યું છે. કોંગ્રેસનો આરોપ છે કે ભાજપ સરકાર ગરીબોના રોજગારના અધિકાર પર તરાપ મારી રહી છે અને ઐતિહાસિક યોજનાનું સ્વરૂપ બદલીને ગ્રામીણ અર્થતંત્રને નુકસાન પહોંચાડી રહી છે.
વર્ષ 2005માં તત્કાલીન યુપીએ (UPA) સરકારે દેશના ગ્રામીણ વિસ્તારોમાં ગરીબી દૂર કરવા અને દરેક હાથને કામ આપવાના ઉમદા હેતુથી 'મનરેગા' (મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર ગેરંટી અધિનિયમ) ની શરૂઆત કરી હતી. આ માત્ર એક સરકારી યોજના નથી, પરંતુ એક કાયદો છે જે જરૂરિયાતમંદ નાગરિકને વર્ષમાં ઓછામાં ઓછા ૧૦૦ દિવસની રોજગારી મેળવવાનો કાયદેસરનો હક આપે છે.
આ કાયદાની સૌથી મોટી વિશેષતા એ છે કે જો કોઈ વ્યક્તિ કામની માંગ કરે અને તંત્ર તેને ૧૫ દિવસમાં રોજગારી ન આપી શકે, તો સરકાર તેને 'રોજગારી ભથ્થું' આપવા માટે કાયદેસર રીતે બંધાયેલી છે. વિશ્વમાં સૌથી મોટા રોજગારી આપતા કાર્યક્રમ તરીકે ઓળખાતી આ યોજનાએ દેશના લાખો પરિવારોને આર્થિક ટેકો આપ્યો છે.
કોંગ્રેસના આક્ષેપો: ભાજપ સરકાર પર પ્રહારોકોંગ્રેસ પક્ષના નેતાઓએ વિરોધ પ્રદર્શન દરમિયાન જણાવ્યું હતું કે, ૨૦૧૪માં સત્તા પર આવતા પહેલા ભાજપે દર વર્ષે ૨ કરોડ યુવાનોને રોજગારી આપવાના મોટા વાયદા કર્યા હતા. પરંતુ વાસ્તવિકતા એ છે કે નવી રોજગારી આપવાને બદલે જે કાયદો અસ્તિત્વમાં છે, તેને પણ નબળો પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે.
કોંગ્રેસના મુખ્ય વિરોધના મુદ્દાઓ નીચે મુજબ છે: ૧. નામ બદલવાની રાજનીતિ: યોજનામાંથી મહાત્મા ગાંધીનું નામ હટાવીને ભાજપ સરકાર ગાંધીજીના વિચારો અને તેમના ગ્રામીણ ઉત્થાનના અભિગમને ખતમ કરવાનો પ્રયાસ કરી રહી છે. ૨. આર્થિક રેશિયોમાં ફેરફાર: અત્યાર સુધી આ યોજનામાં ૯૦% હિસ્સો કેન્દ્ર સરકાર અને ૧૦% હિસ્સો રાજ્ય સરકાર આપતી હતી. કોંગ્રેસનો આરોપ છે કે રાજ્યો સાથે ચર્ચા કર્યા વગર આ રેશિયો બદલીને ૬૦:૪૦ કરી દેવામાં આવ્યો છે, જેનાથી રાજ્યો પર આર્થિક બોજ વધશે અને યોજના નબળી પડશે. ૩. ખેતીની સિઝન પર પ્રતિબંધ: ખેતીની સિઝન દરમિયાન ૬૦ દિવસ કામ માંગી ન શકાય તેવી જોગવાઈ કરીને શ્રમિકોને તેમના હકથી વંચિત રાખવાનો ખતરનાક ખેલ ખેલાઈ રહ્યો છે. ૪. પંચાયતોના અધિકારો: આ યોજના મૂળભૂત રીતે પંચાયતો દ્વારા સંચાલિત હતી, પરંતુ નવા ફેરફારો દ્વારા પંચાયતોના અધિકારો છીનવીને સત્તાનું કેન્દ્રીયકરણ કરવામાં આવી રહ્યું છે.
મનરેગાની સફળતાના આંકડાકોંગ્રેસે આંકડાકીય વિગતો આપતા જણાવ્યું હતું કે, વર્ષ ૨૦૨૦-૨૧ ના કપરા સમયમાં આ યોજના હેઠળ દેશના ૭૨ લાખ પરિવારોને રોજગારી મળી હતી. અભ્યાસો મુજબ, આ યોજનાને કારણે ગ્રામીણ પરિવારોની આવકમાં ૧૪% નો વધારો થયો છે અને અંદાજે ૨૬% લોકો ગરીબી રેખામાંથી બહાર આવવામાં સફળ રહ્યા છે. આમ છતાં, ભાજપ સરકાર ૧૨૫ દિવસની રોજગારીની મોટી વાતો કરીને ૧૦૦ દિવસની રોજગારી આપવામાં પણ નિષ્ફળ સાબિત થઈ રહી છે.
કોંગ્રેસની માંગ અને ભવિષ્યની રણનીતિકોંગ્રેસ પક્ષે માંગ કરી છે કે ગામડાઓના અધિકારોનું રક્ષણ કરવામાં આવે અને મનરેગા કાયદાને તેની જૂની અને મૂળભૂત શરતો સાથે પુનઃ સ્થાપિત કરવામાં આવે. લોકોની માંગ પર આધારિત આ કાયદામાં જે કાપ મૂકવામાં આવ્યો છે તે પરત ખેંચવો જોઈએ.
વિરોધ પ્રદર્શનના અંતે કોંગ્રેસે ચીમકી આપી છે કે જો સરકાર આ ફેરફારો પાછા નહીં ખેંચે, તો આગામી દિવસોમાં દેશભરમાં મનરેગા બચાવવા માટે ઉગ્ર આંદોલન અને જનજાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. ગરીબોના હક અને ગાંધીજીના વારસાને બચાવવા માટે કોંગ્રેસ શેરીથી સંસદ સુધી લડત આપશે.

સુરતના નાનપુરા-લક્કડકોટમાં ₹3.90 કરોડની નવી ફિશ માર્કેટના નામકરણને લઈને વિવાદ થયો છે. ‘નરેન્દ્ર મોદી હોલસેલ ફિશ માર્કેટ’ના બોર્ડ સામે સ્થાનિક વિરોધ, મનપાની મંજૂરી અને વેપારી એસોસિએશનના દાવા વચ્ચે ચર્ચા તેજ બની છે.

તમિલનાડુમાં હિન્દી વિરોધી આંદોલનનો ઇતિહાસ જાણો. 1937, 1965 અને 1986ના આંદોલનથી DMK, તમિલ અસ્મિતા અને NEP 2020 સુધીની સંપૂર્ણ કહાની.

મહારાષ્ટ્રમાં મરાઠી ભાષા વિવાદ ફરી ગરમાયો છે. 1960થી 2026 સુધી મરાઠી અસ્મિતા, શિવસેના, MNS, સ્થાનિક રોજગાર, પરપ્રાંતીયો અને હિન્દી વિરોધની સંપૂર્ણ રાજકીય કહાની જાણો.