સોશિયલ મીડિયા કંપનીઓ પર કેન્દ્રની કડક લગામ આવશે
IT નિયમોમાં ફેરફારનો નવો મુસદ્દો જાહેર, હવે કન્ટેન્ટ માટે પ્લેટફોર્મ પોતે જવાબદાર રહેશે

નવા IT નિયમો 2021 ફેરફાર

નવા IT નિયમો 2021 ફેરફાર
કેન્દ્ર સરકાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સ અને ડિજિટલ મીડિયા કંપનીઓ માટે નિયમોને વધુ કડક બનાવવા જઈ રહી છે. IT નિયમન-2021માં સુધારાનો નવો મુસદ્દો જાહેર કરવામાં આવ્યો છે, જે અંતર્ગત હવે ફેસબુક, એક્સ (ટ્વિટર) અને ઇન્સ્ટાગ્રામ જેવા પ્લેટફોર્મ્સ સરકારી નિર્દેશો કે એડવાઇઝરીની અવગણના કરી શકશે નહીં. જો આ કંપનીઓ સરકારની ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે, તો તેમને સીધી રીતે કાનૂની રીતે જવાબદાર ઠેરવવામાં આવશે.
સેફ હાર્બર સુરક્ષા કવચનો અંત :
નવા નિયમોમાં સૌથી મોટો ફેરફાર 'સેફ હાર્બર' કલમને લઈને છે. અત્યાર સુધી આ કંપનીઓને એક કાનૂની સુરક્ષા કવચ મળતું હતું, જેના કારણે યુઝર દ્વારા પોસ્ટ કરવામાં આવેલા વાંધાજનક કન્ટેન્ટ માટે કંપનીને દોષિત માનવામાં આવતી નહોતી. પરંતુ હવે જો સરકારના આદેશ છતાં કન્ટેન્ટ દૂર કરવામાં નહીં આવે, તો આ કાનૂની ઢાલ સમાપ્ત કરી દેવામાં આવશે. આનો અર્થ એ છે કે પ્લેટફોર્મ પર મુકાયેલી દરેક પોસ્ટ માટે હવે કંપની પોતે જવાબદાર ગણાશે. સરકારે આ મુસદ્દા પર 14 એપ્રિલ સુધી સામાન્ય જનતા પાસેથી સૂચનો અને વાંધાઓ મંગાવ્યા છે.
ડેટા સુરક્ષા અને ન્યૂઝ પબ્લિશર્સ માટે નવા નિયમો :
નવા સુધારા મુજબ, જો કોઈ કાયદાકીય તપાસ, નાણાકીય વ્યવહારો કે ટેક્સ સંબંધિત બાબતો માટે ડેટા સુરક્ષિત રાખવો જરૂરી હશે, તો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તેને ડિલીટ કરી શકશે નહીં. વધુમાં, અત્યાર સુધી ડિજિટલ મીડિયા એથિક્સ કોડ માત્ર મોટા ન્યૂઝ પબ્લિશર્સ પર લાગુ થતો હતો, પરંતુ હવે સોશિયલ મીડિયા પર સમાચાર કે વર્તમાન ઘટનાઓ શેર કરતા વ્યક્તિગત યુઝર્સ પણ આ નિયમોના દાયરામાં આવશે. સરકાર કોઈપણ વિવાદાસ્પદ કન્ટેન્ટને સીધી સમીક્ષા કમિટી પાસે મોકલી શકશે, જેના માટે કોઈની વ્યક્તિગત ફરિયાદની રાહ જોવી પડશે નહીં.
શું છે સેફ હાર્બર અને તેની અસરો ?
સરળ શબ્દોમાં કહીએ તો, સેફ હાર્બર એ સોશિયલ મીડિયા કંપનીઓ માટેનું રક્ષણ છે. તે માને છે કે પ્લેટફોર્મ માત્ર એક માધ્યમ છે, તેથી યુઝરની ભૂલની સજા કંપનીને ન મળવી જોઈએ. જોકે, આ સુરક્ષા શરતી છે. જો કંપની સરકારના આદેશના 3 કલાકમાં વાંધાજનક પોસ્ટ નથી હટાવતી, તો પોલીસ કંપની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરી શકે છે.
સેન્સરશીપના આક્ષેપો અને વિરોધ :
નવા નિયમોના મુસદ્દા સામે વિરોધના સૂર પણ ઉઠ્યા છે. ઇન્ટરનેટ ફ્રીડમ ફાઉન્ડેશન જેવા સંગઠનોનું માનવું છે કે સરકાર આ પગલા દ્વારા ઓનલાઈન કન્ટેન્ટ પર સેન્સરશીપ લાદવા માંગે છે. તેમના મતે, સરકાર પર કટાક્ષ કરતા કે મજાક ઉડાવતા કન્ટેન્ટ પર અંકુશ મેળવવા માટે આ ફેરફારો કરવામાં આવી રહ્યા છે, જે સામાન્ય યુઝર્સની અભિવ્યક્તિની આઝાદી પર તરાપ સમાન છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?