ભોપાલ, મધ્યપ્રદેશ: મધ્યપ્રદેશના સિઓની જિલ્લામાં એક ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે, જ્યાં સાપ કરડવાથી 29 વખત મૃત્યુ પામેલી એક મહિલા અને 28 વખત મૃત્યુ પામેલા એક પુરુષના નામે લાખો રૂપિયાની સરકારી સહાય ઉઠાવી લેવામાં આવી છે. આ કુદરતી આફત રાહત ભંડોળમાં 11.26 કરોડ રૂપિયાનો મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ કૌભાંડમાં કુલ 47 લોકોના નામે 280 વખત મૃત્યુ દર્શાવી, 4-4 લાખ રૂપિયાની સહાય ટ્રાન્સફર કરવામાં આવી હતી.
કેવી રીતે થયું આ કૌભાંડ?
કોષ અને લેખા વિભાગના તપાસ અધિકારી રોહિત સિંહ કૌશલે જણાવ્યું કે, સિઓનીની કેવલારી તહસીલમાં કુદરતી આફત હેઠળ અપાતી રાહત રાશિના કેસોની તપાસ કરવામાં આવી હતી. સાપ કરડવા અને પાણીમાં ડૂબવા જેવા કિસ્સાઓમાં સરકાર તરફથી 4 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. તપાસમાં જાણવા મળ્યું કે 11 કરોડ 26 લાખ રૂપિયાનો ગેરકાયદેસર ઉપાડ થયો છે. આ રકમ 47 લોકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવી હતી.
ખાસ કરીને, રાણી બાઈ નામની એક મહિલાને સાપ કરડવાથી 29 વખત મૃત બતાવવામાં આવી અને તેના નામે 1 કરોડ 16 લાખ રૂપિયાનું વળતર અપાયું. તેવી જ રીતે, રાજુ નામના એક વ્યક્તિને 28 વખત મૃત બતાવીને દર વખતે 4 લાખ રૂપિયાની રાહત રાશિ આપવામાં આવી. જેના લોગિન પાસવર્ડથી આ ગેરકાયદેસર ઉપાડ થયો, તેમના નામ પણ કાર્યવાહી માટે પ્રસ્તાવિત કરવામાં આવ્યા છે.
બોગસ દસ્તાવેજો અને તપાસમાં અવરોધ...
તપાસ દરમિયાન, પોસ્ટમોર્ટમ રિપોર્ટ અને મૃત્યુ પ્રમાણપત્રો વારંવાર માંગવામાં આવ્યા છતાં ઉપલબ્ધ કરાવાયા ન હતા, જેનાથી સ્પષ્ટ થયું કે ફર્જી દસ્તાવેજો તૈયાર કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું. આ સંપૂર્ણ મામલો 2019 થી 2022 વચ્ચેનો છે, જેનો ખુલાસો નવેમ્બર 2022 માં મહેસૂલ વિભાગના ઓડિટમાં થયો હતો. કેવલારી તહસીલ કાર્યાલયના ક્લાર્ક સચિન દહાયતે 279 લોકોને સાપ કરડવાથી, પાણીમાં ડૂબવાથી અને આકાશી વીજળીથી મૃત બતાવીને પ્રત્યેકના નામે 4-4 લાખ રૂપિયાની રાહત રાશિ મંજૂર કરાવી હતી અને પોતાના સંબંધીઓ તથા પરિચિતોના બેંક ખાતામાં આ રકમ જમા કરાવી હતી. મહેસૂલ વિભાગના પોર્ટલ પર અપલોડ કરાયેલા આદેશ પત્રો, લેટર પેડ, સીલ અને હસ્તાક્ષર બધા જ બોગસ જણાયા હતા.
કાર્યવાહી અને રાજકીય ઘમાસાણ...
કેવલારી પોલીસે આ મામલે 37 લોકોને આરોપી બનાવ્યા હતા, જેમાંથી મુખ્ય આરોપી ક્લાર્ક સચિન દહાયત સહિત 21 લોકોની ધરપકડ થઈ ચૂકી છે. કલેક્ટર સંસ્કૃતિ જૈને જણાવ્યું કે, સચિન દહાયતને વિભાગીય તપાસ બાદ બરતરફ કરવામાં આવ્યા છે અને નાણા વિભાગે તપાસ રિપોર્ટ સોંપી દીધો છે. આ રિપોર્ટમાં તત્કાલીન SDM અમિત સિંહ બમ્હરોલિયા સહિત 2019 થી 2022 દરમિયાન કેવલારીમાં તૈનાત ચાર તહસીલદારો વિરુદ્ધ કાનૂની કાર્યવાહીની ભલામણ કરવામાં આવી છે.
તપાસ રિપોર્ટ સામે આવ્યા બાદ કોંગ્રેસે પ્રદેશ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ જીતુ પટવારીએ આ કૌભાંડને 'આસ્તીનના સાપ' દ્વારા આચરવામાં આવેલો ભ્રષ્ટાચાર ગણાવ્યો છે અને સમગ્ર રાજ્યમાં આવા કૌભાંડોની આશંકા વ્યક્ત કરી છે. જોકે, સૌથી મોટો સવાલ એ છે કે, જે અધિકારીઓના લોગિન પાસવર્ડનો દુરુપયોગ કરીને આ કૌભાંડ આચરવામાં આવ્યું, તેમના પર ક્યારે કાર્યવાહી થશે.