મેક્સિકોની બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસેલા 150થી વધુ ગુજરાતી ઝડપાયા
મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનોઃ ગમે ત્યારે ડિપોર્ટ કરાય તેવી શક્યતા

Gujaratis who entered America from Mexico border were caught { Representational photo }

Gujaratis who entered America from Mexico border were caught { Representational photo }
મેક્સિકો બોર્ડર પરથી અમેરિકામાં ઘૂસેલા 150થી વધુ ગુજરાતીઓ ઝડપાયા છે. ગેરકાયદે અમેરિકામાં ઘૂસેલા મોટાભાગના ઉત્તર ગુજરાતના યુવાનો છે.
પકડાયેલા તમામ લોકોને ગમે ત્યારે ડિપોર્ટ કરવામાં આવે તેવી શક્યતા છે. ઝડપાયેલા યુવાનો એક મહિના પહેલાં વાયા યુરોપ થઈ ચાર્ટર્ડ પ્લેનમાં લેટિન અમેરિકાના કોઈ દેશમાં ઉતર્યા હતા.
ત્યાંથી ચાલતા-ચાલતા મેક્સિકો સુધી પહોંચી અઠવાડિયા અગાઉ મેક્સિકો બોર્ડરથી અમેરિકા પહોંચ્યા બાદ ઝડપાઈ ગયા હતા.
યુરોપમાંથી આવતા લોકોને કાયદેસર મેક્સિકોના ઓન અરાઇવલ વિઝા કે પરમિટ લેવાની હોય છે. પરંતુ ચાર્ટર્ડ પ્લેનમાં ગયેલા લોકોએ પરમિટ લીધી નહોતી. તેઓ ચાલતાં ચાલતાં મેક્સિકોમાં ઘૂસ્યા બાદ એજન્ટોએ પાસપોર્ટ પર મેક્સિકોનાં ડુપ્લિકેટ સ્ટિકર મારી દીધાં હોવાનુ જાણવા મળ્યુ છે.
પાસપોર્ટમાં મેક્સિકોનાં ડુપ્લિકેટ સ્ટિકર લગાવ્યાં બાદ દિલ્હીના એજન્ટોએ તમામ પાસેથી રૂપિયા લઈ લીધા હતા. ત્યારબાદ તમામને મેક્સિકો બોર્ડરથી અમેરિકાની બોર્ડર ક્રોસ કરાવી હતી. અમેરિકામાં ઘૂસતાં સમયે પકડાય તો ભારતીય લોકો દર વખતે સામાન્ય બહાના કાઢતા હોય છે.
કોઈ રાજકીય પાર્ટીથી ખતરો હોવા સહિતનાં કારણો અમેરિકાની ઓથોરિટીને જણાવતા હોય છે. અમેરિકાના કાયદા મુજબ આવા લોકોને રાજ્યાશ્રય આપે છે. પરંતુ આ વખતે સામાન્ય બહાના ચાલ્યા નથી. અમેરિકાની બોર્ડર પોલીસે પાસપોર્ટ ચેક કરતાં મેક્સિકોના સિક્કા ખોટા હોવાનું સામે આવ્યું હતું.
તેથી ઓથોરિટીએ રાજ્યાશ્રયનું કારણ ફગાવી વધુ પૂછપરછ કરી હતી. પાસપોર્ટમાં મેક્સિકોના સિક્કા ખોટા હોવા મુદ્દે જવાબ માગી ખોટું કરીને આવ્યા હોવાનું ઓથોરિટીએ જણાવ્યુ હતુ.
મેક્સિકો ઊતર્યા નહી હોવાનુ જણાવી અન્ય કન્ટ્રીમાંથી આવ્યા હોવા અંગે પૂછપરછ કરતાં તમામ લોકોએ સિક્કા ખોટા હોવાનો સ્વીકાર કર્યો હતો.
ઝડપાયેલા તમામ લોકોને અલગ અલગ જેલમાં રાખવામાં આવ્યા છે. જેમાં અલગ-અલગ દેશના લોકો સામેલ છે. ભારતીયોમાં 150થી વધુ ગુજરાતીઓ છે. આ કેસ રાજ્યાશ્રયના બદલે ડોક્યુમેન્ટ સાથે ચેડાં કર્યાં હોવાનો બનાવી તમામને ડિપોર્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.
અમેરિકામાં ડિપોર્ટ થઈને ભારત પહોંચ્યા બાદ તમામ લોકો સામે કાર્યવાહી કરવામાં આવે તેવી શક્યતા છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં સમાચાર વાયુવેગે પ્રસરતા સ્થાનિક એજન્ટોએ તમામ લોકો કયા ગામના છે અને કયા એજન્ટોએ લઈ ગયા હતા તેની પૂછપરછ શરૂ કરી છે.
અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણીનો પ્રચાર ચાલી રહ્યો છે. સર્વેમાં ડોનાલ્ડ ટ્રમ્પ રાષ્ટ્રપતિની રેસમાં આગળ છે. ટ્રમ્પ કહી ચૂક્યા છે કે જો તે ચૂંટાઈને આવશે તો શરણાર્થીઓ માટે બોર્ડર બંધ કરાવી દેશે.
તેથી નવેમ્બરમાં ચૂંટણી યોજાય તે પહેલા અમેરિકામાં ઘૂસવા માટે અલગ અલગ દેશોના લોકોનાં ટોળેટોળાં ઊમટી રહ્યાં છે.
જમૈકામાંથી પણ ગુજરાતી અને પંજાબી લોકો પકડાયા હતા :
3 મહિના પહેલાં પ્લેન ભાડે કરી ભારતીયોને અમેરિકામાં ઘુસાડવાનું ષડ્યંત્ર બહાર આવ્યું હતું. દુબઈથી ઉડાન ભરીને નીકળેલા પ્લેનને કેરેબિયન દેશ જમૈકામાં રોકી દેવામાં આવ્યું હતું.
પ્લેનમાં 253 મુસાફરો હતા. જેમાં 150 થી 175 ભારતીય લોકો હતા. જેમાંથી મોટાભાગના ગુજરાતી અને પંજાબી હતા.
તમામ પેસેન્જરને હોટલમાં નજરકેદ કરી પૂછપરછ કરતાં જમૈકામાં હોબાળો મચી ગયો હતો. હોબાળાના કારણે પાડોશી દેશોને જાણ થઈ હતી. અમેરિકાના ઓફિસરોને પણ જાણ થતાં ગેરકાયદે અમેરિકા મોકલતા એજન્ટોનો પ્લાન ફેઇલ થયો હતો અને ફ્લાઇટને દુબઈ પરત મોકલી આપી હતી.
ફ્રાન્સમાં પણ પ્લેન ઝડપાયું હતું :
8 મહિના પહેલાં ફ્રાન્સમાં ઘટના સામે આવી હતી. 303 ભારતીય મુસાફર સાથેનું પ્લેન રોકી દેવામાં આવ્યું હતું. પ્લેન દુબઈથી નિકારાગુઆ જઈ રહ્યું હતું. ફ્યૂઅલ ભરાવવા ફ્રાન્સમાં રોકાયું હતું. ફ્રાન્સ ઓથોરિટીને શંકા જતાં પ્લેન રોકી તપાસ કરતા માનવ તસ્કરી સામે આવી હતી.
તેથી મુસાફરોને રોકી પૂછપરછ કરી કોર્ટમાં રજૂ કર્યા હતા. કોર્ટમાં 303 મુસાફરોએ કહ્યું હતું કે તેઓએ પોતાની મરજીથી ફ્લાઈટ લીધી હતી. તેથી ફ્રાન્સે માનવ તસ્કરીના બદલે વાયોલેશન ઓફ ઇમિગ્રેશન રૂલ્સ સંદર્ભે કેસ નોંધી 303 માંથી 276 લોકોને નિકારાગુઆને બદલે ભારત પરત મોકલ્યા હતા. જ્યારે 25 લોકોએ ફ્રાન્સમાં આશ્રય માગ્યો હતો.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?