લખનઉના કોચિંગ ક્લાસમાં ભીષણ આગ
બે માળની ઇમારતમાં આગ લાગતાં 14 યુવાનોના મોત, જીવ બચાવવા બાળકો બાથરૂમમાં છુપાયા

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Lucknow Coaching Fire Tragedy: ઉત્તર પ્રદેશની રાજધાની લખનઉના અલીગંજ વિસ્તારમાં આવેલા પુરાનિયામાં સોમવારે બપોરે આશરે 2:15 વાગ્યે એક બે માળની ઇમારતમાં ભીષણ આગ લાગવાની હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. આ ગોઝારા અકસ્માતમાં અત્યાર સુધીમાં 14 લોકોના મોતની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી છે, જેમાં મોટાભાગના વિદ્યાર્થીઓ અને કામ કરતા યુવાનો સામેલ છે. મૃતકોની ઉંમર 20 થી 24 વર્ષની વચ્ચે હોવાનું જાણવા મળ્યું છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોક અને રોષની લાગણી વ્યાપી ગઈ છે. હાલમાં પણ વધુ 5 જેટલા બાળકો અંદર ફસાયેલા હોવાની આશંકા વચ્ચે યુદ્ધના ધોરણે બચાવ કામગીરી ચાલી રહી છે.
ગેમિંગ ઝોન અને પેટ શોપ ધરાવતી બિલ્ડિંગમાં પ્રસરી આગ
આગની ઘટના અંગે શરૂઆતમાં એવા અહેવાલો આવ્યા હતા કે આ બિલ્ડિંગમાં કોઈ કોચિંગ સેન્ટર કે લાઈબ્રેરી ચાલતી હતી. જોકે, પાછળથી વરિષ્ઠ પોલીસ અધિકારીઓએ સ્પષ્ટતા કરી હતી કે ઇમારતમાં સત્તાવાર રીતે કોઈ શૈક્ષણિક લાઇબ્રેરી નહોતી. બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર અને પ્રથમ માળે એક પાલતુ પ્રાણીઓની દુકાન અને ક્લિનિક કાર્યરત હતા. જ્યારે તેના ઉપરના એટલે કે બીજા માળે 'લર્નિંગ સ્પેસ' નામની જગ્યા અને 'હેડ હોપર સ્ટુડિયો' આવેલો હતો, જ્યાં કર્મચારીઓ ગેમિંગ સોફ્ટવેર, 3D આર્ટ પ્રોડક્શન અને ગેમ એસેટ આઉટસોર્સિંગના કામો કરતા હતા. બપોરના સમયે અચાનક લાગેલી આગે જોતજોતામાં આખી ઇમારતને પોતાની લપેટમાં લઈ લીધી હતી અને સમગ્ર બિલ્ડિંગ કાળા ધુમાડાથી ભરાઈ ગયું હતું.
જીવ બચાવવા માટે કોઈ બાથરૂમમાં છુપાયું, તો કોઈએ લગાવ્યો કૂદકો
ઇમારતમાં આગ લાગતાની સાથે જ અંદર હાજર યુવાનોમાં ભારે અફરાતફરી અને નાસભાગ મચી ગઈ હતી. બીજા માળ પર કામ કરતા કેટલાક વિદ્યાર્થીઓએ આગ અને ધુમાડાથી બચવા માટે પોતાની જાતને બાથરૂમમાં બંધ કરી લીધા હતા. પ્રારંભિક અહેવાલોમાં તેઓ ત્યાં ફસાયા હોવાની ચિંતા હતી, પરંતુ ફાયર ફાઈટરોએ પાછળથી તેમને બહાર કાઢ્યા હતા. બીજી તરફ, ભયાનક આગની જ્વાળાઓથી બચવા માટે કેટલાક યુવાનોએ બાલ્કનીમાંથી નીચે કૂદકો માર્યો હતો. એક બાળકે પ્રથમ માળ પરથી જીવ બચાવવા છલાંગ લગાવી હતી, પરંતુ તે નીચે લોખંડની ગ્રીલ પર પટકાતાં ગંભીર રીતે ઘાયલ થયો હતો, જેને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર, આગ એટલી ઝડપથી ફેલાઈ કે લોકોને બહાર નીકળવાની તક જ મળી નહોતી.
દીવાલ તોડીને મૃતદેહો બહાર કઢાયા, NDRF અને SDRF મેદાને
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની 10 જેટલી ગાડીઓ ઘટનાસ્થળે દોડી ગઈ હતી. આગની ગંભીરતાને જોતાં તાત્કાલિક NDRF અને SDRF ની ટીમોને પણ બચાવ કાર્યમાં વહેલી તકે જોતરવામાં આવી હતી. બિલ્ડિંગની અંદર જવા માટે પૂરતો રસ્તો ન હોવાથી ફાયર ફાઈટરોએ એક હાઇડ્રોલિક પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો હતો અને બાજુના ઘરની છત પરથી કોચિંગ સેન્ટરની પાછળની દીવાલ કટર વડે કાપી નાખી હતી. આ તોડેલી દીવાલના રસ્તેથી જ અંદર ફસાયેલા લોકો અને મૃતદેહોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં 10 લોકોને સુરક્ષિત રીતે બચાવીને ટ્રોમા સેન્ટરમાં સારવાર અર્થે ખસેડાયા છે.
ડેપ્યુટી સીએમ ભાવુક થયા, એમ્બ્યુલન્સ ઓછી પડતાં વધુ મંગાવાઈ
દુર્ઘટનાની માહિતી મળતા જ ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બ્રજેશ પાઠક અને ગૃહ વિભાગના મુખ્ય સચિવ સંજય પ્રસાદ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને રાહત કાર્યોનું જાતે નિરીક્ષણ કર્યું હતું. ઘટનાસ્થળની સ્થિતિ જોઈને ડેપ્યુટી સીએમ બ્રજેશ પાઠક અત્યંત ભાવુક થઈ ગયા હતા અને ભીની આંખે જણાવ્યું હતું કે, "મેં મારી પોતાની આંખોથી 14 માસૂમ બાળકોના મૃતદેહો જોયા છે, આ ઘટના અત્યંત દુઃખદ છે." આ દરમિયાન ઇજાગ્રસ્તોને હોસ્પિટલ પહોંચાડવા માટે ઘટનાસ્થળે હાજર 14 જેટલી એમ્બ્યુલન્સ ઓછી પડી રહી હતી. પરિસ્થિતિને ગંભીરતાથી લઈને ડેપ્યુટી સીએમે સ્વાસ્થ્ય વિભાગના જોઈન્ટ ડાયરેક્ટરને ફોન કરીને તાત્કાલિક વધુ એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે રવાના કરવા આદેશ આપ્યો હતો.
મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે પ્રવાસ અધવચ્ચે છોડ્યો, કડક તપાસના આદેશ
અકસ્માત સમયે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અલીગઢના પ્રવાસે હતા. ઘટનાની ગંભીરતા જાણીને તેમણે પોતાનો પ્રવાસ અધવચ્ચે જ છોડી દીધો હતો અને તાત્કાલિક લખનઉ પરત ફરવાનો નિર્ણય કર્યો હતો. મુખ્યમંત્રીએ અલીગઢમાં એક જાહેર સભા દરમિયાન જ આ અકસ્માત અંગે દુઃખ વ્યક્ત કરીને વહીવટીતંત્રને ઘાયલોની મફત અને યોગ્ય સારવાર સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી. મુખ્યમંત્રીએ પોલીસ મહાનિર્દેશક (DGP) રાજીવ કૃષ્ણ અને ગૃહ વિભાગના વરિષ્ઠ અધિકારીઓને ઘટનાસ્થળની મુલાકાત લઈ સમગ્ર અકસ્માતનો વિગતવાર રિપોર્ટ સોંપવા જણાવ્યું છે. સીએમ યોગી આદિત્યનાથે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આ ઘટના પાછળ જે પણ બેદરકારી હશે તેની તપાસ કરાશે અને ગુનેગારો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે. હાલમાં સમગ્ર વિસ્તારમાં પોલીસ કાફલો તૈનાત છે અને કુલિંગ ઓપરેશન સાથે તપાસ ચાલુ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?