મોંઘવારીનો ડામ: ઉજ્જવલા યોજનામાં મોટો ફેરફાર
હવે વર્ષમાં મળશે માત્ર 4 સબસિડીવાળા સિલિન્ડર, પરિવારો પર આર્થિક બોજ વધશે

પ્રતિકાત્મક તસવીર

પ્રતિકાત્મક તસવીર
PM Ujjwala Yojna Rule Change: કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના (PMUY) ના નિયમોમાં એક મોટો ફેરફાર કરીને સબસિડીવાળા એલપીજી (LPG) સિલિન્ડરના વાર્ષિક ક્વોટામાં ભારે કાપ મૂક્યો છે. આ આકરા નિર્ણય હેઠળ, અગાઉના વર્ષમાં મળતા 9 સબસિડીવાળા સિલિન્ડરની સંખ્યા ઘટાડીને હવે વાર્ષિક માત્ર 4 સિલિન્ડર જ કરી દેવામાં આવી છે. સરકારના આ નિર્ણયથી દેશના કરોડો ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોને મોટો આર્થિક ફટકો પડ્યો છે. ઘરેલુ રાંધણ ગેસના ભાવમાં તાજેતરમાં થયેલા વધારા બાદ સરકારે સબસિડીના ક્વોટા પર આ કાતર ચલાવી છે.
12 થી 9 અને હવે માત્ર 4 સિલિન્ડર: ક્વોટામાં સતત બીજી વાર ઘટાડો
ગરીબ પરિવારોની પુખ્ત વયની મહિલાઓને ડિપોઝિટ વિના મફત એલપીજી કનેક્શન આપીને સ્વચ્છ બળતણ પૂરું પાડવાના ઉદ્દેશ્ય સાથે મે 2016માં પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજના શરૂ કરવામાં આવી હતી. આ યોજના શરૂ થઈ ત્યારે સરકાર દ્વારા લાભાર્થીઓને વર્ષમાં 12 સબસિડીવાળા (14.2 કિલોગ્રામના) સિલિન્ડર આપવામાં આવતા હતા. જોકે, ગત વર્ષે સરકારે આ ક્વોટા ઘટાડીને 9 સિલિન્ડરનો કર્યો હતો, અને હવે તેને વધુ ઓછો કરીને માત્ર 4 સિલિન્ડર સુધી મર્યાદિત કરી દેવામાં આવ્યો છે. આ સરકારી યોજના શરૂ થયા પછી, અત્યાર સુધીમાં ગરીબ પરિવારોની મહિલાઓને 10.5 કરોડથી વધુ મફત એલપીજી કનેક્શન આપવામાં આવ્યા છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલયના એડિશનલ સેક્રેટરી પ્રવીણ મલ ખનૂજાએ સ્પષ્ટતા કરી હતી કે, આ સુધારેલી મર્યાદા ઉજ્જવલા લાભાર્થીઓના વાર્ષિક સરેરાશ વપરાશના ડેટાને આધારે નક્કી કરવામાં આવી છે. મંત્રાલયના જણાવ્યા મુજબ, સરેરાશ એક સામાન્ય ઉજ્જવલા યોજના પરિવાર દર વર્ષે આશરે ચાર રિફિલનો જ વપરાશ કરે છે, જેથી નાણાકીય સહાયને વાસ્તવિક વપરાશના સ્તર સાથે સુસંગત કરવા આ પગલું લેવાયું છે.
લાભાર્થીઓને કેટલું નાણાકીય નુકસાન થશે?
જોકે સરકાર દ્વારા પ્રતિ રિફિલ મળતી સબસિડીની રકમમાં કોઈ ફેરફાર કરાયો નથી, પરંતુ સિલિન્ડરની સંખ્યા ઘટવાને કારણે પરિવારોને મોટું નુકસાન વેઠવું પડશે. અગાઉ ઉજ્જવલા લાભાર્થીઓને 300 રૂપિયાની સબસિડી સાથે 9 સિલિન્ડર માટે વાર્ષિક કુલ 2,700 રૂપિયાની આર્થિક સહાય મળતી હતી. હવે માત્ર 4 સિલિન્ડર પર સબસિડી મળવાને કારણે આ મહત્તમ વાર્ષિક સહાય ઘટીને માત્ર 1,200 રૂપિયા થઈ જશે. આમ, લાભાર્થી પરિવારોને વાર્ષિક ધોરણે સીધું 1,500 રૂપિયાનું નાણાકીય નુકસાન થશે અને 4 થી વધુ સિલિન્ડર ખરીદવા માટે તેમણે બજારની પૂરેપૂરી કિંમત ચૂકવવી પડશે.
ભાવવધારા અને સબસિડીનું વર્તમાન ગણિત
રસોઈ માટે સ્વચ્છ ઇંધણને પ્રોત્સાહન આપવા સરકારે મે 2022માં 200 રૂપિયાની સબસિડી શરૂ કરી હતી, જેને ઓક્ટોબર 2023માં વધારીને 300 રૂપિયા કરવામાં આવી હતી. આ સબસિડીના પૈસા સીધા ગ્રાહકના બેંક ખાતામાં જમા થાય છે. તાજેતરમાં 7 જૂનના રોજ રાંધણ ગેસના ભાવમાં પ્રતિ સિલિન્ડર 29 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો હતો, જેના કારણે દિલ્હીમાં 14.2 કિલોગ્રામના સિલિન્ડરની રિટેલ કિંમત 942 રૂપિયા પર પહોંચી ગઈ છે. છેલ્લા 3 મહિનામાં જ ભાવમાં બે વાર વધારો કરીને કુલ 89 રૂપિયા વધારવામાં આવ્યા છે. હાલમાં 300 રૂપિયાની સબસિડી બાદ કર્યા પછી, ઉજ્જવલા લાભાર્થીઓને આ સિલિન્ડર 642 રૂપિયામાં પડે છે, પરંતુ આ રાહત હવે વર્ષમાં માત્ર 4 સિલિન્ડર સુધી જ સીમિત રહેશે.
આંતરરાષ્ટ્રીય કટોકટી અને હોર્મુઝ સ્ટ્રેટનો અવરોધ
સરકારે સિલિન્ડરના ભાવવધારા અને સબસિડી કાપના આ નિર્ણયનો બચાવ કરતા વૈશ્વિક તેલ-ગેસ સંકટનો ઉલ્લેખ કર્યો છે. ફેબ્રુઆરીના અંતમાં પશ્ચિમ એશિયા (મિડલ ઈસ્ટ) માં શરૂ થયેલા તણાવ અને યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય કિંમતોમાં ભારે ઉછાળો આવ્યો છે. હોર્મુઝ સ્ટ્રેટના અવરોધોને કારણે ખાડી દેશોમાંથી સપ્લાય ખોરવાઈ છે, જેનાથી ભારતમાં એલપીજી આયાતનો ખર્ચ અને 'સાઉદી કોન્ટ્રેક્ટ પ્રાઇસ' (CP) ફેબ્રુઆરી પછી આશરે 46% વધી ગઈ છે. આ વૈશ્વિક કટોકટીને કારણે સ્થાનિક એલપીજી સિલિન્ડરની વાસ્તવિક પડતર કિંમત (સપ્લાય કોસ્ટ) વધીને 1,600 રૂપિયાથી વધુ થઈ ગઈ છે.
ઓઇલ કંપનીઓનું કરોડોનું નુકસાન
સરકારે વર્ષ 2022 થી અત્યાર સુધીમાં કુલ 52,000 કરોડ રૂપિયાની એલપીજી સબસિડી આપી છે. આટલા ભાવવધારા છતાં, સરકારી ઓઇલ માર્કેટિંગ કંપનીઓને (OMCs) દર 14.2 કિલોગ્રામના ઘરેલુ સિલિન્ડર પર આશરે 700 રૂપિયાનું મોટું નુકસાન (અંડર-રિકવરી) થઈ રહ્યું છે. આ ઉપરાંત કંપનીઓને પેટ્રોલ પર પ્રતિ લીટર 6 રૂપિયા અને ડીઝલ પર આશરે 30 રૂપિયાનું નુકસાન થઈ રહ્યું છે. ઓઇલ કંપનીઓને રોજનું કુલ 600 થી 700 કરોડ રૂપિયાનું નુકસાન થઈ રહ્યું હોવાથી સરકારે કિંમતો વધારવી પડી છે. આ નાણાકીય બોજને હળવો કરવા માટે જ ગયા મહિને પેટ્રોલ-ડીઝલના ભાવમાં પણ પ્રતિ લીટર આશરે 7.50 રૂપિયા અને સીએનજી (CNG) માં પ્રતિ કિલોગ્રામ 6 રૂપિયાનો વધારો ઝીંકવામાં આવ્યો હતો. સરકારે જણાવ્યું છે કે નવું સબસિડી માળખું સરકારી તિજોરી પરનો બોજ ઘટાડશે અને સાથે જ જરૂરિયાતમંદ પરિવારોને મર્યાદિત પ્રમાણમાં ટેકો આપવાનું ચાલુ રાખશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?