દિલ્હી બોર્ડર પરથી લશ્કર આતંકી લોનની ધરપકડ
બાંગ્લાદેશથી ઓપરેટ થતું હતું નેટવર્ક: દિલ્હી બોર્ડર પરથી લશ્કરનો આતંકી શબ્બીર લોન ઝડપાયો

દિલ્હી આતંકી ધરપકડ સમાચાર

દિલ્હી આતંકી ધરપકડ સમાચાર
ભારતીય સુરક્ષા એજન્સીઓએ સોમવારે એક મોટી સફળતા મેળવતા દિલ્હી બોર્ડર પરથી લશ્કર-એ-તૈયબા (LeT) સાથે સંકળાયેલા ખતરનાક આતંકવાદી શબ્બીર અહેમદ લોનની ધરપકડ કરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે શબ્બીર બાંગ્લાદેશમાં બેસીને ભારત વિરોધી ગતિવિધિઓનું સંચાલન કરી રહ્યો હતો. આ સમગ્ર નેટવર્ક પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના સીધા માર્ગદર્શન હેઠળ કાર્યરત હતું.
ભરતી અને આતંકી ષડયંત્રનો ખુલાસો :
શબ્બીર અહેમદ લોન દિલ્હી, કોલકાતા અને તમિલનાડુ જેવા ભારતના મુખ્ય રાજ્યોમાં આતંકવાદી પ્રવૃત્તિઓ માટે સ્થાનિક યુવાનોની ભરતી કરવાની પેરવીમાં હતો. વર્ષ 2007માં પણ તે આતંકવાદના આરોપમાં ઝડપાયો હતો, પરંતુ 2019માં જામીન મળ્યા બાદ તે છળકપટથી બાંગ્લાદેશ ભાગી ગયો હતો. સુરક્ષા એજન્સીઓ છેલ્લા બે મહિનાથી તેની હિલચાલ પર ઝીણવટભરી નજર રાખી રહી હતી.
મેટ્રો સ્ટેશનના પોસ્ટરોએ ખોલ્યો ભેદ :
આ આખા મોડ્યુલનો પર્દાફાશ 7 ફેબ્રુઆરીના રોજ દિલ્હી મેટ્રો અને કાશ્મીરી ગેટ બસ સ્ટેન્ડ પાસે લાગેલા દેશ વિરોધી પોસ્ટરોથી થયો હતો. 'ફ્રી કાશ્મીર' લખેલા આ પોસ્ટરો જોઈને CISF ના જવાનોએ પોલીસને જાણ કરી હતી. તપાસ દરમિયાન મેટ્રો પોલીસે બે શંકાસ્પદ વ્યક્તિઓના રૂટ ટ્રેસ કર્યા જેઓ પોસ્ટર લગાવીને કોલકાતા ભાગી ગયા હતા.
સ્પેશિયલ સેલની ટીમે કોલકાતા પહોંચીને ઉમર ફારૂક અને રબી-ઉલ-ઇસ્લામની ધરપકડ કરી હતી. પૂછપરછમાં આ બંનેએ કબૂલ્યું કે તેઓ બાંગ્લાદેશમાં બેઠેલા શબ્બીર અહેમદ લોનના આદેશ પર કામ કરી રહ્યા હતા.
દેશવ્યાપી દરોડા અને ધરપકડ :
આ કડીના આધારે સુરક્ષા એજન્સીઓએ કોલકાતા અને તમિલનાડુમાં સઘન સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું. છેલ્લા 9 દિવસમાં એક બાંગ્લાદેશી નાગરિક સહિત કુલ 8 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે. તેમની પાસેથી 12 મોબાઈલ ફોન અને 16 સિમ કાર્ડ મળી આવ્યા છે. તમિલનાડુમાંથી પકડાયેલા 6 શંકાસ્પદ લોકો શહેરોની રેકી (નજર રાખવી) કરી રહ્યા હોવાનું બહાર આવ્યું છે.
કાશ્મીરમાં પણ તપાસનો દોર :
કાઉન્ટર ઇન્ટેલિજન્સ કાશ્મીર (CIK) દ્વારા 26 માર્ચે શબ્બીરના સંપર્કમાં રહેલા લોકોના ઠેકાણાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા. શ્રીનગર, શોપિયાં અને ગાંદરબલ સહિતના 10 સ્થળોએ તપાસ હાથ ધરવામાં આવી હતી. તપાસમાં એ પણ સ્પષ્ટ થયું છે કે આ મોડ્યુલને બાંગ્લાદેશ અને પાકિસ્તાનમાં બેઠેલા લશ્કરના હેન્ડલર્સ તરફથી નાણાકીય સહાય અને સૂચનાઓ મળી રહી હતી.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?