પુત્રવધૂ સાસુ-સસરાને ભરણપોષણ આપવા બંધાયેલી નથી.
નૈતિક જવાબદારી ભલે ગમે તેટલી હોય, પણ કાયદા વિના તેને ફરજિયાત લાગુ ન કરી શકાય.

પુત્રવધૂ વિરુદ્ધ સાસુ-સસરાનો કેસ: હાઈકોર્ટે અરજી ફગાવી

પુત્રવધૂ વિરુદ્ધ સાસુ-સસરાનો કેસ: હાઈકોર્ટે અરજી ફગાવી
અલ્હાબાદ હાઈકોર્ટે એક સીમાચિહ્નરૂપ ચુકાદો આપતા સ્પષ્ટ કર્યું છે કે, પુત્રના મૃત્યુ બાદ પુત્રવધૂ તેના સાસુ-સસરાને ભરણપોષણ આપવા માટે કાયદેસર રીતે બંધાયેલી નથી. કોર્ટે અવલોકન કર્યું કે નૈતિક જવાબદારી ગમે તેટલી પ્રબળ હોય, પરંતુ જ્યાં સુધી કાયદાકીય જોગવાઈ ન હોય ત્યાં સુધી તેને ફરજિયાત લાગુ કરી શકાય નહીં.
સમગ્ર મામલો:
ઉત્તર પ્રદેશ પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા એક યુવાનનું વર્ષ 2021માં અવસાન થયું હતું. તેના લગ્ન 2016માં થયા હતા અને તેની પત્ની પણ યુપી પોલીસમાં કોન્સ્ટેબલ છે. પુત્રના અવસાન બાદ વૃદ્ધ માતા-પિતાએ તેમની પુત્રવધૂ પાસે ભરણપોષણની માંગણી કરી હતી. અગાઉ ફેમિલી કોર્ટે તેમની અરજી ફગાવી દીધી હતી, જેની સામે તેઓએ હાઈકોર્ટના દ્વાર ખખડાવ્યા હતા.
વૃદ્ધ દંપતીની દલીલ હતી કે તેઓ અભણ અને વૃદ્ધ છે, અને તેમનું ગુજરાન ચલાવવા માટે કોઈ સાધન નથી. બીજી તરફ પુત્રવધૂ સરકારી નોકરીમાં છે અને તેને પુત્રના મૃત્યુ બાદ મળતા સર્વિસ બેનિફિટ્સ પણ મળ્યા છે. તેથી નૈતિક રીતે તેણે માતા-પિતા સમાન સાસુ-સસરાની સંભાળ રાખવી જોઈએ.
હાઈકોર્ટનું અવલોકન
જસ્ટિસ મદન પાલ સિંહની ખંડપીઠે આ મામલે સુનાવણી કરતા જણાવ્યું કે, અરજદારોએ 'ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા' (BNSS)ની કલમ 144 હેઠળ રાહત માંગી હતી. જોકે, આ કલમ હેઠળ માત્ર પત્ની, બાળકો અને માતા-પિતા જ ભરણપોષણનો દાવો કરી શકે છે. કાયદામાં ક્યાંય પણ સાસુ-સસરાનો સમાવેશ 'પુત્રવધૂ' પાસેથી ભરણપોષણ મેળવવા માટે કરવામાં આવ્યો નથી.
અદાલતે વધુમાં ઉમેર્યું કે, "ધારાસભાએ જાણીજોઈને સાસુ-સસરાને આ કાયદાના દાયરામાં રાખ્યા નથી. ભલે નૈતિક દૃષ્ટિએ આ દલીલ યોગ્ય લાગે, પરંતુ કાયદાકીય આદેશના અભાવે નૈતિકતાને કાયદેસરની ફરજમાં બદલી શકાય નહીં."
કોર્ટે એ પણ નોંધ્યું કે એવા કોઈ પુરાવા નથી કે પુત્રવધૂને નોકરી તેના પતિના અવસાન બાદ કરુણાત્મક ધોરણે મળી હોય. તે પહેલેથી જ સ્વતંત્ર રીતે નોકરી કરતી હતી. આથી, હાઈકોર્ટે ફેમિલી કોર્ટના આદેશને માન્ય રાખતા વૃદ્ધ દંપતીની અરજીને ફગાવી દીધી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?