કેરળની રાજધાની તિરુવનંતપુરમમાં પદ્મનાભસ્વામી મંદિરમાં સ્માર્ટ ચશ્મા પહેરીને ઘુસવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાતીને મંદિર પ્રશાસને ઝડપી પાડ્યો હતો. તેમણે પોતાની ઓળખ સુરેન્દ્ર શાહ તરીકે આપી હતી. રવિવારે સાંજે મંદિર સુરક્ષા કર્મચારીઓએ સુરેન્દ્ર શાહને કસ્ટડીમાં લઈને તપાસ કરતાં ચશ્મામાં સિક્રેટ કેમેરો લાગેલો હોવાનું જાણવા મળ્યું હતું. તેથી મંદિર પ્રશાસને સુરેન્દ્ર શાહ વિરૂદ્ધ મંદિરના નિયમોના ઉલ્લંઘનનો ગુનો નોંધીને તપાસ માટે હાજર રહેવા નોટિસ આપી જવા દીધા હતા.
સ્થાનિક પોલીસના જણાવ્યા અનુસાર મંદિરમાં કેમેરા લાગેલા ચશ્મા જેવી ચીજો પર પ્રતિબંધ છે. તેમ છતાં સુરેન્દ્ર શાહ સ્માર્ટ ચશ્મા પહેરીને મંદિરમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મુખ્ય પ્રવેશદ્વારથી સુરેન્દ્ર શાહ મંદિરમાં પ્રવેશ્યા હતા. તેમના હાવભાવથી સુરક્ષા કર્મચારીઓને શંકા ગઈ હતી. તેઓએ પરત બોલાવી તપાસ કરતાં જાણવા મળ્યું કે તેમના ચશ્મામાં સિક્રેટ કેમેરો લગાવેલો હતો.
મંદિર પ્રશાસને સુરેન્દ્ર શાહ વિરુદ્ધ BNSની કલમ 223 (જાહેર સેવકોના કાયદેસરના આદેશોનું ઉલ્લંઘન) હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે જણાવ્યું હતું કે આ તબક્કે કોઈ ખોટું કામ થયું હોવાની શંકા નથી. પરંતુ વિગતવાર તપાસ ચાલી રહી છે. તેમણે કહ્યું કે શાહને પૂછપરછ માટે હાજર રહેવા માટે નોટિસ આપવામાં આવી છે.
તમને જણાવી દઈએ કે, પદ્મનાભસ્વામી મંદિર, ભારતના વૈષ્ણવ મંદિરોમાં ઐતિહાસિક મંદિર છે અને કેરળમાં પર્યટન અને ધાર્મિક આસ્થાનું કેન્દ્ર છે. મંદિરમાં અત્યંત કડક સુરક્ષા વ્યવસ્થાની સાથે ભક્તોના પ્રવેશ માટે નિયમો છે. પુરુષો ફક્ત ધોતી પહેરીને જ પ્રવેશ કરી શકે છે અને સ્ત્રીઓ માટે સાડી પહેરવી ફરજિયાત છે. અન્ય કોઈપણ પોશાકમાં પ્રવેશ પર પ્રતિબંધ છે.
મંદિરમાં એક સુવર્ણ સ્તંભ છે. જેની સુંદરતા જોવા લાયક છે. મંદિરનું સોનાથી જડિત ગોપુરમ સાત માળનું અને 35 મીટર ઊંચું છે. મંદિરમાં સુંદર કારીગરી જોવા જેવી છે. મંદિરના ગર્ભગૃહમાં ભગવાન વિષ્ણુની મોટી મૂર્તિ રાખવામાં આવી છે. ભગવાન વિષ્ણુ શેષનાગ પર સૂતેલી મુદ્રામાં છે. ભગવાન વિષ્ણુની આરામ કરવાની સ્થિતિને 'પદ્મનાભ' કહેવામાં આવે છે. તેથી મંદિરનું નામ પદ્મનાભસ્વામી રાખવામાં આવ્યું છે. ભગવાનના 'અનંત' નાગના નામ પરથી તિરૂવનંતપુરમ રાખવામાં આવ્યું છે.
ભગવાન વિષ્ણુને સમર્પિત પદ્મનાભસ્વામી મંદિર ત્રાવણકોરના રાજાઓ દ્વારા બનાવવામાં આવ્યું હતું. તેનો ઉલ્લેખ 9મી સદીના ગ્રંથોમાં મળે છે. મંદિરનું વર્તમાન સ્વરૂપ 18મી સદીમાં બનાવવામાં આવ્યું છે. આ સ્થળે ભગવાન વિષ્ણુની મૂર્તિ મળી આવી હતીય ત્યારબાદ રાજા માર્તંડે અહીં મંદિર બનાવ્યું હોવાની માન્યતા છે. 1750માં, મહારાજા માર્તંડે પોતાને પદ્મનાભ દાસ તરીકે ઓળખાવ્યા પછી ત્રાવણકોર રાજવી પરિવારે પોતાને ભગવાનને સમર્પિત કરી દીધા હતા.
તેના કારણે ત્રાવણકોરના રાજાઓએ બધી સંપત્તિ પદ્મનાભ મંદિરને સોંપી દીધી હતી. ત્રાવણકોરના રાજાઓએ 1947 સુધી શાસન કર્યું. સ્વતંત્રતા પછી તે ભારતમાં ભળી ગયું. પરંતુ સરકારે પદ્મનાભસ્વામી મંદિરનો કબજો લીધો નહીં. તેને ત્રાવણકોરના રાજવી પરિવાર પાસે રહેવા દેવામાં આવ્યું હતું. ત્યારથી મંદિરનું સંચાલન રાજવી પરિવાર હેઠળના ખાનગી ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે.
પદ્મનાભસ્વામી મંદિર ભારતનું સૌથી ધનિક મંદિર માનવામાં આવે છે. અહીં દર વર્ષે ભક્તો દ્વારા 500 કરોડ રૂપિયાથી વધુ કિંમતના દાન ચઢાવવામાં આવે છે. આ મંદિરની દેશભરમાં ત્યારે ચર્ચા થઈ કે, જ્યારે તેના 6 દરવાજા ખોલવામાં આવતાં તેમાંથી સોના, હીરા અને ચાંદીના કિંમતી ઝવેરાત મળી આવ્યા હતા. જેની કિંમત 20 અબજ ડોલર હોવાની અંદાજવામાં આવી છે. તે સમયે, મંદિરનો સાતમો દરવાજો ખોલવાની મંજૂરી સુપ્રીમ કોર્ટે નકારી દીધી હતી.
મંદિર નીચેથી સોનું, હીરા, રત્નો અને ઘણી કિંમતી મૂર્તિઓ મળી આવી છે. અહીંનું સૌથી ચર્ચિત વોલ્ટ હજુ સુધી ખોલવામાં આવ્યું નથી. જેની સાથે ઘણા રહસ્યો જોડાયેલા છે. મંદિરનો સાતમો દરવાજો સૌથી વધુ ખજાનાથી ભરેલો હોવાનું માનવામાં આવી રહ્યું છે. મંદિરનો સાતમો દરવાજો ક્યારેય ખોલવામાં આવ્યો નથી. તેના કારણે ખજાનાનું રહસ્ય જાણી શકાયું નથી. એવું માનવામાં આવે છે કે, જે કોઈ તેને ખોલવાનો પ્રયાસ કરશે તેને આફતનો સામનો કરવો પડશે અને પૃથ્વી પર પ્રલય આવી જશે.