હવેથી દરેક સ્માર્ટ ફોનમાં ઈન્સ્ટોલ રહેશે સરકારી એપ
કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય, યુઝર્સ એપ ડિલીટ નહીં કરી શકે, પ્રાઇવસી મુદ્દે શરૂ થયો વિવાદ

‘સંચાર સાથી’ એપ પ્રિલોડ કરવા ટેલિકોમ મંત્રાલયે આપી મોબાઈલ કંપનીઓને સૂચના

‘સંચાર સાથી’ એપ પ્રિલોડ કરવા ટેલિકોમ મંત્રાલયે આપી મોબાઈલ કંપનીઓને સૂચના
કેન્દ્ર સરકારે દેશના ટેલિકોમ અને ડિજિટલ સુરક્ષા ક્ષેત્રે મહત્વપૂર્ણ પરિવર્તન લાવવાનું નક્કી કર્યું છે. ટેલિકોમ મંત્રાલયે મોબાઇલ ઉત્પાદક કંપનીઓને ખાનગીમાં સૂચના આપી છે કે, નવા સ્માર્ટ ફોનમાં કેન્દ્ર સરકાર દ્વારા વિકસિત સાયબર સુરક્ષા એપ્લિકેશન ‘સંચાર સાથી’ પ્રિ-ઈન્સ્ટોલ કરવામાં આવે. યુઝર્સ આ એપને ડિલીટ કરી શકશે નહીં. સરકારના નિર્ણયની અસર લોકોની પ્રાઇવસી પર પડવાની શક્યતા છે. એપલ અને સેમસંગ જેવી વૈશ્વિક કંપનીઓ માટે પડકારો ઊભા થશે.
દેશમાં સાયબર ગુના અને હેકિંગનાં બનાવોમાં નોંધપાત્ર વધારો થયો છે. સાયબર ગુનાને અટકાવવાના બહાના હેઠળ કેન્દ્ર સરકાર મોટું પગલું ભરવા જઈ રહી છે. ચોરાયેલા ફોનના દુરુપયોગને અટકાવવા, નકલી IMEI નંબરોના ગેરકાયદે ઉપયોગને રોકવા અને નાગરિકોને વિશ્વસનીય સુરક્ષા સેવા પ્રદાન કરવાનો સરકારે દાવો કર્યો છે. રશિયામાં સરકારી મેસેન્જર એપ્લિકેશન્સને પ્રિ-ઈન્સ્ટોલ કરવાનો નિયમ ફરજિયાત કરાયો છે.
કેન્દ્ર સરકારની દલીલ છે કે 'સંચાર સાથી' એપ્લિકેશન સાયબર ગુના અને ટેલિકોમ છેતરપિંડી રોકવા માટે જરૂરી એપ છે. આ એપ કેન્દ્રીય ડેટાબેઝનો ઉપયોગ કરીને ચોરાયેલા અથવા ખોવાયેલા ફોનને તમામ નેટવર્ક પર બ્લૉક અને ટ્રેક કરવામાં મદદ કરે છે. જાન્યુઆરીમાં લોન્ચ થયા પછી એપને 7 લાખથી વધુ ફોનને પુનઃ પ્રાપ્ત કરવામાં અને 3 કરોડથી વધુ નકલી કનેક્શનો બંધ કરવામાં સફળતા મળી છે. આ એપ ‘IMEI નંબર’ની નકલ કરવાની ઘટનાઓને રોકવામાં મદદરૂપ થાય છે.
ટેલિકોમ મંત્રાલયે 28 નવેમ્બરના રોજ સ્માર્ટફોન ઉત્પાદક કંપનીઓને આ બાબતે સૂચના આપી છે. જેમાં તેમણે જણાવ્યું કે, આગામી ત્રણ મહિનામાં 'સંચાર સાથી' એપ તમામ નવા મોબાઇલ ફોનમાં પ્રિ-ઇન્સ્ટોલ કરી દેવાની રહેશે. જે ગ્રાહકો પાસે મોબાઈલ ઉપયોગમાં છે તે તમામ મોબાઈલમાં કંપનીઓએ સોફ્ટવેર અપડેટ્સ દ્વારા એપ પહોંચાડી દેવાની રહેશે. આ સૂચના સત્તાવાર રીતે જાહેર કરવામાં આવી નથી. પરંતુ સંબંધિત કંપનીઓને સૂચના આપી દેવામાં આવી હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.
નાગરિકોની પ્રાઇવસીના હિમાયતીઓ અને વ્યક્તિગત ડિજિટલ અધિકારની તરફેણ કરનારા કેન્દ્ર સરકારના પગલાંની ટીકા કરી રહ્યા છે. આ રીતે એપ ફરજિયાત રીતે ઇન્સ્ટોલ કરવી એ યુઝર્સની સંમતિ અને પસંદગીના અધિકારને નુકસાન પહોંચાડે છે. સાયબર ક્રાઇમ અટકાવવા કેન્દ્ર સરકાર દ્વારા લેવાયેલું પગલું યુઝર્સનો અંગત ડેટા ન મેળવી લે એની શું ગેરંટી? તેવા સવાલો ઉઠી રહ્યા છે.
કેન્દ્ર સરકારના આદેશથી ભારતીય બજારમાં કાર્યરત તમામ સ્માર્ટફોન બ્રાન્ડ્સ પ્રભાવિત થશે. એપલ, સેમસંગ, વિવો, ઓપ્પો અને શાઓમી જેવા મોબાઇલની દિગ્ગજ કંપનીઓ પર પણ નિયમ લાગુ પડશે. એપલ કંપનીની નીતિ કોઈપણ સરકારી કે થર્ડ પાર્ટી એપ્લિકેશનને તેના ડિવાઇસ પર ફરજિયાત રીતે પ્રિ-ઇન્સ્ટોલનો વિરોધ કરવાની રહી છે. તેથી કેન્દ્ર સરકારનો નિર્ણય એપલ માટે મોટો નીતિગત પડકાર ઊભો કરી શકે તેવી શક્યતા છે.
ટેક્નોલોજી ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે, એપલ જેવી કંપનીઓ આ નિયમનો કડક વિરોધ કરી શકે છે. જો કે, સરકારી માંગને સદંતર નકારી કાઢીને વ્યાવસાયિક જોખમ વહોરી લેવાના બદલે એપલ કંપની સમાધાનકારી માર્ગ અપનાવી શકે છે. ફરજિયાત પ્રિ-ઇન્સ્ટોલ કરવાના બદલે યુઝર્સને ફોનના સેટઅપ દરમિયાન એપ ઇન્સ્ટોલ કરવા માટે પ્રોત્સાહિત કરવાનો વિકલ્પ અપાય તવું સમાધાન થઈ શકે છે. આગામી સમયમાં સરકાર અને ટેક કંપનીઓ વચ્ચે આ મુદ્દે વાટાઘાટો શરૂ થાય તેવી પણ સંભાવના છે.
વિપક્ષે 'સંચાર સાથી' એપને બતાવ્યું પેગાસસ
વિપક્ષી પક્ષોએ કેન્દ્ર સરકારના પગલાની ટીકા કરી છે. કોંગ્રેસના મહાસચિવ કે.સી. વેણુગોપાલે એક પોસ્ટમાં આ પગલાને "સંપૂર્ણપણે ગેરબંધારણીય" ગણાવ્યું છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોસ્ટ કરી તેમણે કહ્યું કે, "બિગ બ્રધર આપણને જોઈ શકતા નથી. ડીઓટી દ્વારા આદેશ સંપૂર્ણપણે ગેરકાયદે છે. ગોપનીયતાનો અધિકાર બંધારણની કલમ 21 હેઠળ બાંયધરીકૃત જીવનના મૂળભૂત અધિકારનો આવશ્યક ભાગ છે."
તેમણે વધુમાં જણાવ્યું કે, પ્રિ-લોડેડ સરકારી એપ્લિકેશન જેને અનઇન્સ્ટોલ કરી શકાતી નથી. તે દરેક ભારતીય પર નજર રાખવા માટે ખતરનાક સાધન છે અને તે દરેક નાગરિકની ક્રિયાઓ, વાતચીત અને નિર્ણયો પર નજર રાખવાનો એક માર્ગ છે. તેમણે આદેશ પાછો ખેંચવાની માંગ કરી છે.
કોંગ્રેસના સાંસદ કાર્તિ ચિદમ્બરમે લખ્યું કે, "આ પેગાસસ પ્લસ પ્લસ છે." શિવસેના (UBT) સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ આદેશની તુલના "BIG BOSS સર્વેલન્સ મોમેન્ટ" સાથે કરી અને કહ્યું કે સરકાર અન્યાયી માધ્યમથી લોકોના ફોન ઍક્સેસ કરવાનો પ્રયાસ કરી રહી છે. તેમણે ચેતવણી આપી હતી કે, આવા પ્રયાસોનો સખત વિરોધ કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

કોલકાતાના ચોરબાગાનમાં દુર્ગા પૂજા પંડાલમાં ભારે ભીડ અને વરસાદ વચ્ચે નાસભાગ જેવી સ્થિતિ સર્જાઈ. ઘટનામાં 25 લોકો ઘાયલ થયા અને 35 લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા.

મળવાના બહાને બોલાવી, પછી 18 વર્ષની નિત્યા સાથે શું થયું? કેરળના ઇડુક્કીમાં પૂર્વ બોયફ્રેન્ડ પર યુવતીની હત્યાનો આરોપ છે.

સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રીમાં વિલંબથી રાજકીય ઘમાસાણ; ઓવૈસીએ ભાજપના રાષ્ટ્રવાદ પર ઉઠાવ્યા સવાલ