દિલ્હીના માલવિયા નગરની રેસ્ટોરન્ટમાં આગ લાગી
21 લોકોના મોત, બચાવ કામગીરી ચાલુ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Delhi Restaurant Fire: રાજધાની દિલ્હીના માલવિયા નગર વિસ્તારમાં બુધવારે સવારે એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. અહીં સ્થિત હૌજ રાની વિસ્તારની એક છ માળની ઇમારતમાં અચાનક ભીષણ આગ ભભૂકી ઉઠી હતી. આ ઇમારતમાં નીચે 'લેમન ગ્રીન રેસ્ટોરન્ટ' અને ઉપરના માળે રહેવાની વ્યવસ્થા ધરાવતી 'હોટેલ ફ્લોરિસ સ્ટે' આવેલી હતી. આગ એટલી ઝડપથી ફેલાઈ ગઈ કે થોડી જ વારમાં આખી ઇમારત ધુમાડાના ગોટા અને આગની જ્વાળાઓમાં ઘેરાઈ ગઈ હતી. આ ભયાનક અકસ્માતમાં અત્યાર સુધીમાં 21 લોકોના કમકમાટીભર્યા મોતની પુષ્ટિ થઈ ચૂકી છે, જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝી જવાથી ઘાયલ થયા છે. ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરી અને ભયનો માહોલ સર્જાયો હતો.
સવારે 9 વાગ્યાની આસપાસ સર્જાયો અકસ્માત
દિલ્હી ફાયર સર્વિસ (DFS) ના જણાવ્યા અનુસાર, કંટ્રોલ રૂમને સવારે 8:50 થી 9:00 વાગ્યાની આસપાસ માલવિયા નગરની ઇમારતમાં આગ લાગી હોવાનો કટોકટીનો કોલ મળ્યો હતો. સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા મુજબ, સવારે ગ્રાઉન્ડ ફ્લોર પર લાગેલી આગના કારણે જ્યારે ત્યાંના કાચ તૂટી ગયા, ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને તે ભોંયરા (બેઝમેન્ટ) તેમજ ઉપરના માળ તરફ ખૂબ જ ઝડપથી ફેલાઈ ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોતા તાત્કાલિક ધોરણે 2 વોટર ટેન્ડર, 2 વોટર બોઝર અને ક્વિક રિસ્પોન્સ વ્હીકલ સહિત ફાયર બ્રિગેડની 10 ગાડીઓને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.
View this post on Instagram
બચાવ કામગીરી અને હોસ્પિટલની સ્થિતિ
અગ્નિશામકો અને સ્થાનિક લોકોના ભગીરથ પ્રયાસોથી અત્યાર સુધીમાં ઇમારતમાંથી આશરે 37 થી 38 લોકોને સુરક્ષિત અથવા ઘાયલ અવસ્થામાં બહાર કાઢવામાં આવ્યા છે. ઇમારતના ભોંયરામાં ફસાયેલા ત્રણ લોકોને પણ ફાયર ફાઇટરોએ ભારે જહેમત બાદ રેસ્ક્યૂ કર્યા હતા. દિલ્હી પોલીસના સત્તાવાર અહેવાલ મુજબ, અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને તાત્કાલિક નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. હોસ્પિટલના તબીબો ઘાયલોની સ્થિતિ પર સતત નજર રાખી રહ્યા છે. જો કે, હજુ પણ કેટલાક લોકોની હાલત નાજુક હોવાથી અને ઇમારતની અંદર સર્ચ ઓપરેશન ચાલુ હોવાથી મૃત્યુઆંક હજુ વધવાની આશંકા સેવાઈ રહી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયા જીવ બચાવવાના ફિલ્મી દ્રશ્યો
આ કાળઝાળ અકસ્માતનો એક અત્યંત હચમચાવી દેનારો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. ઇમારતમાં આગ એટલી ભીષણ હતી કે અંદર હાજર લોકોને બહાર નીકળવાનો રસ્તો મળ્યો ન હતો. કાળો ધુમાડો શ્વાસમાં ભરાવાને કારણે ગૂંગળામણથી બચવા માટે લોકો હોટેલની બારીઓ અને રેલિંગ પર આવી ગયા હતા. પોતાનો જીવ બચાવવા માટે કેટલાક લોકોએ ઇમારતના ઉપરના માળેથી નીચે કૂદકો મારવાના મરણિયા પ્રયાસો કર્યા હતા. આ હોટેલમાં રહેવાની આધુનિક સુવિધા હોવાના કારણે કેટલાક વિદેશી પ્રવાસીઓ પણ ત્યાં રોકાયા હતા, જેઓ પણ આ ઘટનામાં ફસાયા હોવાની માહિતી મળી રહી છે.
રાજકીય પ્રતિક્રિયા અને વહીવટી તંત્રની કામગીરી
ઘટનાની જાણ થતાં જ સ્થાનિક ભાજપના ધારાસભ્ય સતીશ ઉપાધ્યાય અને એસડીએમ (SDM) જિતેન્દ્ર કુમાર સહિતના ઉચ્ચ અધિકારીઓ ડિઝાસ્ટર મેનેજમેન્ટની ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. ધારાસભ્ય સતીશ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, માહિતી મળતાની સાથે જ તમામ ડિઝાસ્ટર મેનેજમેન્ટ સિસ્ટમ્સ સક્રિય કરી દેવામાં આવી હતી. તેમણે સ્થાનિક યુવાનોની કામગીરીને બિરદાવતા કહ્યું કે સ્થાનિક લોકોએ વહીવટીતંત્રને બચાવ કાર્યમાં અભૂતપૂર્વ સહયોગ આપ્યો છે. એસડીએમ જિતેન્દ્ર કુમારે પણ પુષ્ટિ કરી છે કે કોલ મળતાની સાથે જ ડીડીએમએ (DDMA) સેલને સક્રિય કરીને રાહત સામગ્રી અને એમ્બ્યુલન્સની વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી હતી. પોલીસે બચાવ કાર્યમાં અવરોધ ન આવે તે માટે આસપાસના રસ્તાઓ બ્લોક કરીને સુરક્ષા કોર્ડન કરી લીધું હતું.
શોર્ટ સર્કિટની આશંકા: ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ
આટલી ભયાનક આગ લાગવાનું ચોક્કસ કારણ હજુ સુધી સત્તાવાર રીતે જાણી શકાયું નથી. જો કે, પ્રારંભિક તપાસ કરી રહેલા નિષ્ણાતો અને ફોરેન્સિક સાયન્સની ટીમોના મતે આ દુર્ઘટના ગ્રાઉન્ડ ફ્લોર અથવા બેઝમેન્ટમાં થયેલા શોર્ટ સર્કિટ કે અન્ય કોઈ ટેકનિકલ ખામીના કારણે સર્જાઈ હોઈ શકે છે. દિલ્હી વહીવટીતંત્રે આ સમગ્ર મામલે એક વિગતવાર ઉચ્ચ સ્તરીય તપાસના આદેશ જારી કર્યા છે. સત્તાવાળાઓએ ખાતરી આપી છે કે તપાસનો રિપોર્ટ આવ્યા બાદ જો આ ઇમારતમાં ફાયર સેફ્ટીના નિયમોનું ઉલ્લંઘન માલૂમ પડશે, તો હોટેલ અને રેસ્ટોરન્ટના માલિકો તેમજ જવાબદારો સામે કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?