મહારાષ્ટ્રના કોલ્હાપુર જિલ્લાના ધનગઢ ગામનો યુવાન પ્રથમ પ્રયાસે UPSC ક્રેક કરીને IPS બની ગયો છે. સામાન્ય પરિવારમાંથી આવતાં બિરૂદેવ સિદ્ધપ્પા ધોણે નામનો યુવાન ઘેટાં-બકરાં ચરાવીને ગુજરાન ચલાવતો હતો. દિલ્હીમાં કેમ્પ કરી માત્ર રૂપિયા 10 થી 12 હજારમાં ગુજરાન ચલાવીને UPSCમાં ઉત્તિર્ણ બની 551 મો રેન્ક મેળવ્યો છે. ખભા પર કાંબળો માથા પર ગાંધી ટોપી અને હાથમાં લાકડી અને પગમાં મોટા મોટા ધનગઢી ચપ્પલ પહેરીને ધોમધખતા તાપમાં બિરૂદેવ ઘેટાં-બકરાં ચરાવતો હતો.
અભણ માતા-પિતા એટલું સમજ્યા કે મારો દીકરો સાહેબ બની ગયો
UPSCમાં પાસ થયા બાદ તેનો એક મિત્ર જોર જોરથી બૂમો પાડતા મોસાળના ગામમાં આવીને બિરૂદેવને કહ્યું કે, 'બિરૂદેવ, તું UPSC પરીક્ષામાં પાસ થઈ ગયો છે. ત્યારે તેના અભણ માતા-પિતા એટલું જ સમજ્યા હતાં કે મારો દીકરો સાહેબ બની ગયો છે. ત્યારબાદ બિરૂદેવ તેના માતાપિતા અને સંબંધીઓ સાથે ખૂબ ખુશ થઈને નાચવા લાગ્યા હતા. બિરૂદેવ UPSC પરીક્ષા પાસ કરનાર કોલ્હાપુર જિલ્લાના કાગલ તાલુકાનો પ્રથમ વિદ્યાર્થી છે. બિરૂદેવે વર્ષ 2024માં UPSCની પરીક્ષા આપી હતી. 27 વર્ષની ઉંમરે બિરૂદેવે પ્રથમ પ્રયાસમાં 551ના રેન્ક સાથે સફળતા મેળવી છે.
કેવી રીતે બિરૂદેવમાં જુસ્સો પેદા થયો
એકવાર બિરૂદેવનો મોબાઇલ ખોવાઈ ગયો હતો. મોબાઈલ ખોવાયા બાદ ફરિયાદ કરવા પોલીસ સ્ટેશનમાં ગયો હતો. તે સમયે પોલીસે તેની કોઈ મદદ કરી ન હતી. તેથી બિરૂદેવે નક્કી કર્યું કે, તે એક દિવસ IPS અધિકારી બનશે. ત્યારબાદ બિરૂદેવે દરરોજ 22 કલાક અભ્યાસ કરી સખત મહેનત કરી હતી. તેણે UPSCનો અભ્યાસ કરવા દિલ્હીમાં કેમ્પ કર્યો હતો. બિરૂદેવે કાગલ તાલુકાના મુરગુડ સેન્ટરમાંથી SSC અને HSCની પરીક્ષા સારા માર્કસ સાથે પાસ કરી હતી. ત્યારબાદ પૂણેની SIOP એન્જિનિયરિંગ કૉલેજમાં અભ્યાસ કર્યો હતો.
બિરૂદેવના પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી
બિરૂદેવના પિતા સિદ્ધાપા ધોણેએ ધોરણ 12 સુધી અભ્યાસ કર્યો છે. તે પછી તેમણે પોતાનું જીવન બકરાં ચરાવવાના પરંપરાગત વ્યવસાયમાં પસાર કર્યુ હતુ. બિરૂદેવે મોટા અધિકારી બનવાનું સ્વપ્ન જોયું હતુ. બિરૂદેવ UPSCની તૈયારી માટે દિલ્હી જતો ત્યારે તેના પિતા ખૂબ જ મુશ્કેલીથી 10 થી 12 હજાર રૂપિયા મોકલતા હતા. આટલી રકમમાં બિરૂદેવ ગુજરાન ચલાવી લેતો હતો. બિરૂદેવે કહ્યું કે તેના પિતા ઘણી વખત પાર્ટ ટાઈમ નોકરી કરવાની સલાહ આપતા હતા. પરંતુ બિરૂદેવ UPSC ક્રેક કરવા માટે મક્કમ રહ્યો હતો અને આખરે તેણે IPS અધિકારી બનીને રહ્યો હતો.