અયોધ્યાના રામમંદિરમાં દાન ચોરીનો મામલો
ખિસ્સા અને પગરખામાં નોટો છુપાવતા જોવા મળ્યા કર્મચારીઓ, SITના રિપોર્ટમાં થયો મોટો ખુલાસો

ફાઇલ ફોટો

ફાઇલ ફોટો
Ayodhya Ram Mandir Donation Theft Case: અયોધ્યાના શ્રી રામમંદિરમાં ભક્તો દ્વારા આપવામાં આવતા દાનના સંચાલનને લઈને ગંભીર સવાલો ઊભા થયા છે. મંદિરના દાનની ગણતરી દરમિયાન થયેલી ગેરરીતિઓનો મોટો ખુલાસો થયો છે.વિશેષ તપાસ ટીમ (SIT) દ્વારા તૈયાર કરાયેલા અહેવાલ મુજબ દાનની ગણતરી દરમિયાન કેટલીક વ્યક્તિઓ નોટોના બંડલો પોતાના ખિસ્સા અને બૂટમાં સંતાડતા CCTV કેમેરામાં કેદ થયા હોવાનું સામે આવ્યું છે.આ સમગ્ર ઘટના મંદિરની દાન વ્યવસ્થામાં પારદર્શકતા, સુરક્ષા અને જવાબદારી અંગે ગંભીર ચર્ચાનો વિષય બની છે. SITના રિપોર્ટમાં મંદિર ટ્રસ્ટના સભ્ય અનિલ મિશ્રાની બેદરકારીનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે.
માર્ચ 2025થી કથિત ચોરીની શરૂઆત
તપાસ દરમિયાન સામે આવેલી માહિતી મુજબ, માર્ચ 2025માં મંદિર ટ્રસ્ટ સાથે જોડાયા બાદ કેટલાક કર્મચારીઓએ દાનની ગણતરી દરમિયાન નોટો અલગ રાખવાની શરૂઆત કરી હતી. શરૂઆતમાં ₹500ની બે નોટો કપડાંમાં છુપાવી બહાર લઈ જવામાં આવતી હતી. ત્યારબાદ આરોપીઓએ ₹10ની નોટોના બંડલ સહિત વધુ રોકડ રકમ કાઢવાની પદ્ધતિ અપનાવી હતી. પૂછપરછ દરમિયાન કેટલાક આરોપીઓએ દાવો કર્યો હતો કે કથિત રીતે ₹2થી ₹3 કરોડ સુધીની રકમની ઉચાપત કરવામાં આવી હતી. જોકે આ આંકડાની સત્તાવાર પુષ્ટિ તપાસ પૂર્ણ થયા બાદ જ થઈ શકશે.
70થી વધુ CCTV કેમેરાએ કેદ કરી સમગ્ર ઘટના
SITના અહેવાલ મુજબ 27 એપ્રિલથી 5 જૂન, 2026 દરમિયાનના CCTV ફૂટેજમાં ગણતરી રૂમમાં કેટલાક કર્મચારીઓ નોટોના બંડલ અને રોકડ રકમ કપડાં, ખિસ્સા, જૂતા તથા અન્ય જગ્યાએ છુપાવતા જોવા મળ્યા હતા.તપાસ દરમિયાન મંદિર પરિસરમાં લગાવવામાં આવેલા આશરે 70 CCTV કેમેરાના ફૂટેજની વિગતવાર તપાસ કરવામાં આવી હતી.આ ફૂટેજમાં દાનની ગણતરી સાથે જોડાયેલા કેટલાક કર્મચારીઓ નોટોના બંડલો પોતાના કપડાંના ખિસ્સામાં અને બૂટમાં સંતાડતા હોવાનું જોવા મળ્યું હતું.તપાસકર્તાઓએ વિવિધ કેમેરાના દ્રશ્યોને પરસ્પર ચકાસ્યા બાદ સમગ્ર ઘટનાક્રમની પુષ્ટિ કરી હોવાનું અહેવાલમાં જણાવાયું છે.
કપડાં અને મોજામાં છુપાવી બહાર લઈ જતા હતા રોકડ
તપાસમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે આરોપીઓ રોકડ સીધી મંદિર પરિસરની બહાર લઈ જવાના બદલે પહેલા તેને કપડાં અને મોજામાં છુપાવતા હતા. ત્યારબાદ મંદિર પરિસરમાં આવેલા શૌચાલયમાં રોકડ છુપાવી રાખીને તક મળતાં ધીમે-ધીમે બહાર લઈ જવામાં આવતી હતી, જેથી સુરક્ષા તપાસથી બચી શકાય. તપાસ એજન્સીઓ આ સમગ્ર મોડસ ઓપરેન્ડીની પણ તપાસ કરી રહી છે અને સુરક્ષા વ્યવસ્થામાં રહેલી સંભવિત ખામીઓની પણ ચકાસણી કરવામાં આવી રહી છે.
કર્મચારીઓ પાસેથી લાખો રૂપિયાની રોકડ મળી
તપાસ અહેવાલ અનુસાર, સત્તાવાર તપાસ શરૂ થાય તે પહેલા જ કેટલાક કર્મચારીઓ પાસેથી અંદાજે 78.94 લાખ રૂપિયા રિકવર કરી લેવાયા હોવાના સંકેત મળ્યા છે. આ સિવાય 4 જૂન 2026ના રોજ ગણતરી રૂમમાંથી અન્ય 2.25 લાખ રૂપિયાની વધારાની રોકડ પણ જપ્ત કરવામાં આવી છે. તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે, આ કર્મચારીઓના બેંક ખાતામાં તેમની સત્તાવાર આવક કરતાં ઘણી વધારે રકમ જમા થયેલી છે, જેની વિગતવાર તપાસ કરવામાં આવશે.
દાનની ગણતરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં ખામી
SITના અહેવાલમાં જણાવાયું છે કે દાનની ગણતરી દરમિયાન સુરક્ષા વ્યવસ્થામાં અનેક ખામીઓ જોવા મળી હતી. દાનની ગણતરી કરનારાઓ પર પૂરતી દેખરેખ રાખવામાં આવી નહોતી. ગણતરી પ્રક્રિયા દરમિયાન નિયમોનું કડક પાલન ન થતાં ગેરરીતિ માટે તક ઊભી થઈ હોવાનું પણ તપાસમાં સામે આવ્યું છે.વિશેષજ્ઞોના મત મુજબ ધાર્મિક સંસ્થાઓમાં દાનની ગણતરી સંપૂર્ણ પારદર્શક અને બહુસ્તરીય દેખરેખ હેઠળ થવી જોઈએ.
અનિલ મિશ્રાની બેદરકારીનો ઉલ્લેખ
કેટલાક કર્મચારીઓના બેન્ક ખાતામાં તેમની જાહેર આવક કરતાં વધુ રોકડ જમા થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ઉપરાંત ટ્રસ્ટના વરિષ્ઠ ટ્રસ્ટી ડૉ. અનિલ મિશ્રાની દેખરેખ અને સુરક્ષા વ્યવસ્થાના અમલીકરણ અંગે પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે. જોકે,ચાંદીની ઈંટો સહિતની કિંમતી વસ્તુઓ ગુમ થયાના સોશિયલ મીડિયા પરના દાવાઓની પ્રાથમિક તપાસમાં પુષ્ટિ થઈ નથી.આ મામલે વધુ તપાસ અને કાયદાકીય કાર્યવાહી ચાલુ છે.દાન વ્યવસ્થાપનની દેખરેખમાં જરૂરી સતર્કતા દાખવવામાં આવી ન હોવાનું અહેવાલમાં દર્શાવવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે.જો કે,આ પ્રકારનો ઉલ્લેખ વહીવટી જવાબદારીના સંદર્ભમાં છે.કોઈપણ વ્યક્તિની અંતિમ કાનૂની જવાબદારી અથવા દોષિત હોવાનો નિર્ણય સંબંધિત તપાસ અને કોર્ટની પ્રક્રિયા બાદ જ નક્કી થશે.
તપાસમાં અનેક મહત્વના પુરાવા એકત્ર
રામમંદિર કરોડો ભક્તોની આસ્થાનું કેન્દ્ર છે. આવી ઘટનાના અહેવાલો સામે આવતા મંદિર ટ્રસ્ટ સામે સૌથી મોટો પડકાર ભક્તોનો વિશ્વાસ જાળવવાનો છે.પારદર્શક તપાસ, જવાબદારી નક્કી કરવી અને દાન વ્યવસ્થામાં સુધારા અમલમાં મૂકવા જેવા પગલાં વિશ્વાસ પુનઃસ્થાપિત કરવામાં મહત્વપૂર્ણ સાબિત થઈ શકે છે.તપાસ દરમિયાન માત્ર CCTV જ નહીં પરંતુ હાજરી રજિસ્ટર, દાન ગણતરીના રેકોર્ડ, કર્મચારીઓના નિવેદનો અને અન્ય દસ્તાવેજોની પણ તપાસ કરવામાં આવી હોવાનું જણાવવામાં આવે છે.તપાસ એજન્સીઓએ સમગ્ર પ્રક્રિયાની સમયરેખા તૈયાર કરીને કોણ ક્યારે હાજર હતું અને કોણે કઈ જવાબદારી નિભાવી હતી તેની પણ ચકાસણી કરી છે.
પગાર 20 હજાર,બેંક ખાતાઓમાં લાખો જમા
તપાસમાં આરોપીઓ અને તેમના પરિવારજનોના બેંક ખાતાઓની પણ તપાસ કરવામાં આવી.એસઆઈટી અનુસાર, આ કર્મચારીઓનો માસિક પગાર આશરે 20 હજાર રૂપિયા હતો, પરંતુ તેમના ખાતાઓમાં મોટી માત્રામાં રોકડ જમા, એફડી, અન્ય લેણદેણ મળ્યા, જે તેમની જાહેર કરેલી આવક સાથે મેળ ખાતા નથી.રિપોર્ટમાં આશંકા વ્યક્ત કરવામાં આવી છે કે ચોરીની રકમ બેંક ખાતાઓ અને સંપત્તિઓમાં ખપાવવામાં આવી હોઈ શકે છે. આની પણ વિસ્તૃત તપાસની ભલામણ કરવામાં આવી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

બિહારના હાજીપુરમાં ગંગા નદીમાં હોડી પલટી જતાં 14 બાળકોનાં મોતના અહેવાલ, જેમાં 13 બાળકો એક જ પરિવારનાં હોવાની માહિતી!

એર ઈન્ડિયા AI-2030માંથી ‘હાઇજેક કોડ’નો સિગ્નલ મળતાં વિમાનનું જયપુરમાં ઇમરજન્સી લેન્ડિંગ કરાવાયું! NSG સ્ટેન્ડબાય પર, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

કર્ણાટકમાં અનામતના મુદ્દે મોટો ઝટકો! SC માટે 17% અને ST માટે 7% અનામત વધારતો કાયદો હાઈકોર્ટે કેમ રદ કર્યો?