ઉત્તરાખંડના ચમોલી જિલ્લાના બદ્રીનાથ નજીક માના ગામમાં શુક્રવારે હિમપ્રપાત થયો હતો. બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશન (BRO) કેમ્પમાં હિમપ્રપાત થયા બાદ ગુમ થયેલા ચાર કામદારોને શોધવા માટે સ્નિફર ડોગ્સ, થર્મલ ઇમેજિંગ કેમેરા અને હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી હતી. રવિવારે પણ ચાલુ રહેલા બચાવ કાર્ય દરમિયાન ચારેય કામદારોના મૃતદેહ મળી આવ્યા હતા.
મૃત્યુ પામેલા કામદારોની સંખ્યા 8 થઈ ગઈ...
ગોપેશ્વરમાં સ્થાનિક વહીવટીતંત્ર પાસેથી મળેલી માહિતી અનુસાર, માના હિમપ્રપાત સ્થળ પરથી 4 મૃતદેહો મળી આવ્યા છે. રવિવારે ચાર મૃતદેહ મળ્યા બાદ, અકસ્માતમાં માર્યા ગયેલા કામદારોની સંખ્યા આઠ થઈ ગઈ છે.
તમામ મૃતદેહોનું પોસ્ટમોર્ટમ કરવામાં આવી રહ્યું છે...
શુક્રવારે થયેલા અકસ્માત બાદ સ્થળ પરથી બચાવી લેવામાં આવેલા 50 કામદારોમાંથી શનિવારે ચારના મોતની પુષ્ટિ થઈ હતી. રવિવારે મળેલા મૃતકોના મૃતદેહોને હેલિકોપ્ટર દ્વારા જ્યોતિર્મઠ લાવવામાં આવ્યા હતા. બધા મૃતદેહોનું પોસ્ટમોર્ટમ જ્યોતિર્મઠના સામુદાયિક આરોગ્ય કેન્દ્ર ખાતે કરવામાં આવી રહ્યું છે.
મૃતક કામદારોની ઓળખ થઈ...
હિમપ્રપાતમાંથી જે મજૂરોના મૃતદેહ મળી આવ્યા છે તેમની ઓળખ ઉત્તરાખંડના ઉધમ સિંહ નગર જિલ્લાના રુદ્રપુરના રહેવાસી અનિલ કુમાર (21), ઉત્તર પ્રદેશના ફતેહપુરના રહેવાસી અશોક (28) અને હિમાચલ પ્રદેશના ઉનાના રહેવાસી હરમેશ ચંદ (30) તરીકે થઈ છે. બીજા ગુમ થયેલા વ્યક્તિની શોધ ચાલુ છે, જેની ઓળખ અરવિંદ (43) તરીકે થઈ છે. અરવિંદ દહેરાદૂનના ક્લેમેન્ટાઉન વિસ્તારનો રહેવાસી છે.
54 કામદારો બરફમાં ફસાયા હતા...
તમને જણાવી દઈએ કે, ભારત-ચીન સરહદ પર લગભગ 3,200 મીટરની ઊંચાઈ પર આવેલા છેલ્લા ગામ માનામાં હિમપ્રપાતને કારણે BRO કેમ્પમાં 8 કન્ટેનરમાં રહેતા બોર્ડર રોડ્સ ઓર્ગેનાઇઝેશનના 54 મજૂરો બરફમાં ફસાઈ ગયા હતા. પહેલા ફસાયેલા કામદારોની સંખ્યા 55 હોવાનું જણાવાયું હતું, પરંતુ હિમાચલ પ્રદેશના કાંગડામાં એક કામદાર સુરક્ષિત રીતે તેના ઘરે પહોંચી ગયો હોવાની માહિતી મળ્યા બાદ, આ સંખ્યા ઘટીને 54 થઈ ગઈ.