રવિવારે સવારે લખનૌના અમૌસી એરપોર્ટ પર સાઉદી અરેબિયા એરલાઈન્સની ફ્લાઇટ SV 3112ના લેન્ડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના ટળી હતી. આ વિમાન જેદ્દાહથી 242 હજ યાત્રીઓ લઈને લખનૌ આવી રહી હતી. લેન્ડિંગ બાદ ટેક્સી-વે પર જઈ રહ્યું હતું તે દરમિયાન ડાબા વ્હીલમાંથી તણખા અને ધુમાડો નીકળવા લાગ્યો હતો.
વિમાનના પાયલોટે તાત્કાલિક એર ટ્રાફિક કંટ્રોલને આ બાબતની જાણ કરી. ATCની સૂચનાથી ફાયર સેફ્ટી ટીમ ઘટનાસ્થળે પહોંચી અને ફોમ તથા પાણીનો ઉપયોગ કરીને 20 મિનિટની અંદર પરિસ્થિતિ કાબૂમાં લીધી. ત્યારબાદ તમામ યાત્રીઓને સલામત રીતે વિમાનમાંથી ઉતારવામાં આવ્યા.
વિમાન શનિવારે રાત્રે 11:30 વાગ્યે જેદ્દાહથી ઉડાન ભરી હતી અને રવિવારે સવારે લગભગ 6:30 વાગ્યે લખનૌ પહોંચ્યું હતું. ટેકનિકલ તપાસમાં સામે આવ્યું કે, વિમાનના ડાબા વ્હીલમાં ખામી હતી અને હાઇડ્રોલિક સિસ્ટમમાં લીકેજના કારણે તણખા નીકળ્યા હતા.
મુસાફરોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, વિમાનને ટેક્સીવે પરથી દૂર લઇ જવામાં આવ્યું. મુસાફરોને ત્યારબાદ ઉતારવામાં આવ્યા અને બહાર લાવવામાં આવ્યા. આગળ જણાવાયું કે, એન્જિનિયરોની ટીમે મરામત કાર્ય શરૂ કર્યું હતુ, પણ મોડી સાંજ સુધી સમસ્યાનો ઉકેલ આવ્યો ન હતો.
એરપોર્ટ પ્રવક્તાના જણાવ્યા મુજબ, વિમાન હાલ ખાલી છે અને ટેકનિકલ ખામીની કામગીરી બાદ તેને જેદ્દાહ પરત મોકલવામાં આવશે.