ભાજપ સાથે ભળેલા કોંગ્રેસના નેતાઓને દૂર કરાશે?, 700 થી વધુ જિલ્લા પ્રમુખોને દિલ્હીનું તેડું
ગુજરાતમાં કોંગ્રેસના અધિવેશન પહેલાં 27, 28 માર્ચ અને 3 એપ્રિલના રોજ દિલ્હીમાં બેઠક

કોંગ્રેસના સંગઠનની રચનાને લઈ મહત્વના નિર્ણયો કરવામાં આવે તેવી સંભાવના

કોંગ્રેસના સંગઠનની રચનાને લઈ મહત્વના નિર્ણયો કરવામાં આવે તેવી સંભાવના
સુરેશ વણોલ, અમદાવાદ
ગુજરાતમાં કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશન અગાઉ સંગઠનની રચનાને લઈ મહત્વના નિર્ણયો કરવામાં આવે તેવી ચર્ચા થઈ રહી છે. ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ દેશભરના 700 થી વધુ જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા છે. 27, 28 માર્ચ અને 3 એપ્રિલના રોજ દિલ્હીમાં રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે, વિરોધપક્ષના નેતા રાહુલ ગાંધી અને સંગઠન મહામંત્રી કે.સી.વેણુંગોપાલ જિલ્લા પ્રમુખો સાથે બેઠક કરશે. આ બેઠક બાદ ભાજપ સાથે ભળેલા કોંગ્રેસના નેતાઓએ બહારનો રસ્તો દેખાડવામાં આવે તેવી કાર્યકરોમાં ચર્ચા થઈ રહી છે.
ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટીએ દેશભરના 700 જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખો સાથે 3 દિવસની બેઠકનું આયોજન કર્યુ છે. 27, 28 માર્ચ અને 3 એપ્રિલના રોજ દેશભરના જિલ્લા પ્રમુખોને દિલ્હી બોલાવ્યા છે. જિલ્લા પ્રમુખો સાથે રાષ્ટ્રીય પ્રમુખ મલ્લિકાર્જુન ખડગે અને વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી તેમજ AICCના સંગઠન મહામંત્રી કે.સી.વેણુગોપાલ બેઠક કરશે.
નવી દિલ્હીમાં ત્રણ બેચમાં બેઠક કરવામાં આવશે. સંગઠનના માળખાની રચનાને લઈ મહત્વપૂર્ણ નિર્ણયો કરવામાં આવે તેવી શક્યતા છે. ગત 7 અને 8 માર્ચ, 2025ના રોજ અમદાવાદ આવેલા રાહુલ ગાંધીએ કોંગ્રેસના કેટલાક નેતાઓ મુદ્દે મોટું નિવેદન કરીને ચર્ચા જગાવી હતી. કોંગ્રેસ કાર્યકરોને સંબોધતાં તેમણે કહ્યુ હતુ કે, કોંગ્રેસના અડધા નેતાઓ ભાજપ સાથે ભળેલા છે. તેઓને અલગ નહીં કરીએ ત્યાં સુધી ગુજરાત આપણા પર ભરોસો નહીં કરે. આ બેઠક બાદ કોંગ્રેસમાં નવાજૂની થવાની શક્યતા છે. તેથી રાષ્ટ્રીય અધિવેશન પહેલાં ભાજપમાં ભળેલા કોંગ્રેસના નેતાઓનું ડિમોલિશન થવાની શક્યતા છે.

અમદાવાદમાં રાષ્ટ્રીય કોંગ્રેસનું 8 અને 9 એપ્રિલ, 2025ના રોજ અધિવેશન યોજાનાર છે. ગુજરાતમાં 64 વર્ષ બાદ યોજાનાર અધિવેશનમાં દેશભરના AICC પ્રતિનિધિઓ હાજર રહેશે. અધિવેશનમાં ભારતીય બંધારણ, તેનાં મૂલ્યો પર થતાં સતત હુમલાઓ અને ભાજપની લોકવિરોધી નીતિઓ અંગે ચર્ચા કરવામાં આવશે. ગુજરાતમાં છેલ્લાં 30 વર્ષથી ભાજપ સત્તા ઉપર છે. કોંગ્રેસે અનેક વખત પ્રયાસ કરવા છતાં દરેક ચૂંટણીમાં નિષ્ફળતા મળી છે. તેવા સમયે કોંગ્રેસે મિશન-2027 હેઠળ ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી છે.
ગુજરાતમાં 1995, 1998, 2002,2007, 2012, 2017, 2022ની વિધાનસભા ચૂંટણી તેમજ 2014, 2019 અને 2024ની લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને પછડાટ ખાવી પડી છે. જ્યારે 2024ની લોકસભા ચૂંટણીમાં સમ ખાવા પૂરતી એક બેઠક બનાસકાંઠા મળી છે. તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણીમાં પણ કોંગ્રેસનો સફાયો થઈ ગયો છે. ગુજરાતમાં સહકારી સંસ્થાઓ ઉપર પણ ભાજપે કબજો મેળવી લીધો છે.
ભાજપે ગુજરાતમાં કબજો જાળવી રાખી ગુજરાત મોડેલના આધારે સમગ્ર દેશમાં સત્તા મેળવી છે. મોટાભાગના રાજ્યોમાં ભાજપ અથવા એનડીએનું શાસન છે. ગુજરાત વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહનું ગૃહ રાજ્ય હોવાથી દરેક ચૂંટણી મહત્વની બની જતી હોય છે. તેથી કોંગ્રેસે ભાજપને ગુજરાતમાં હરાવીને દેશમાં સત્તા મેળવવાના સપના જોવાનું શરૂ કર્યુ છે. આગામી બે વર્ષનો કાર્યક્રમ એકાદ-બે મહિનામાં તૈયાર કરીને કોંગ્રેસે ભાજપને હરાવવા આયોજન શરૂ કર્યુ છે.
લોકસભા ચૂંટણી-2024 બાદ રાહુલ ગાંધીએ જુલાઈ, 2024માં ગુજરાતની મુલાકાત લીધી હતી. તે સમયે તેમણે કોંગ્રેસના કાર્યકરો સંબોધતા કહ્યું હતું કે, આપણે જે રીતે ભાજપને અયોધ્યામાં હરાવ્યું તેવી જ રીતે ગુજરાતમાં પણ હરાવીશું. રાહુલ ગાંધીએ ગુજરાતમાં ભાજપને હરાવવાનો ગત વર્ષે પડકાર ફેંક્યો હતો. તેમણે સંસદમાં કહ્યું હતું કે, તમે લખીને રાખો આ વખતે અમે તમને ગુજરાતમાં હરાવીશું. વિપક્ષ ઈન્ડિયા ગઠબંધન ભાજપને ગુજરાતમાં હરાવશે. તેથી જ રાષ્ટ્રીય અધિવેશનને લઈ કોંગ્રેસના ટોચના નેતાઓની ગુજરાત મુલાકાત વધી ગઈ છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.