મહેસાણ: મહેસાણા જિલ્લામાં પાંડુરોગનું પ્રમાણ રાજ્યમાં સૌથી ઊંચું હોવાની વિગત સામે આવી છે.હેલ્થ વિભાગના સર્વેમાં મહેસાણા જિલ્લામાં 70 ટકા લોકો પાંડુરોગથી પીડિત છે.તો 6 થી 18 વર્ષના યુવા અને કિશોર વર્ગમાં પાંડુરોગનું પ્રમાણ 17 ટકાની આસપાસ છે.જિલ્લામાં 6 થી 18 વર્ષનાં 26,808 બાળકોમાં કુપોષણ, પાંડુરોગ, વિટામીનની કમી જોવા મળી છે.તો 18 વર્ષથી મોટી વયના લોકોમાં આ પ્રમાણ 70 ટકાની આસપાસ છે.
ખાસ કરીને પુરુષોની તુલનામાં સ્ત્રીઓમાં આ પ્રમાણ વધુ જોવા મળ્યું છે.ત્યારે આ સ્થિતિના સર્જન માટે કયા કારણો જવાબદાર છે તે શોધવા હવે રિચર્સ ટીમ બનાવી કામે લગાડવામાં આવી છે.
પાંડુરોગ બીજા શબ્દોમાં કહીએ તો લોહીની ઉણપ અથવા તો એનિમિક જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવે છે.માનવ શરીરમાં હિમોગ્લોબીનનું ખૂબ જ મહત્વ છે. જો હિમોગ્લોબીનની ઉણપ હોય તો ક્યારેક ગંભીર સ્થિતિનું નિર્માણ થઇ શકે છે.
મહેસાણા જિલ્લામાં રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત શાળાઓમાં ચકાસણી દરમિયાન બાળકોમાં પણ આ સ્થિતિ જોવા મળી છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા એપ્રિલથી જુલાઈ ચાર મહિનામાં જિલ્લાની તમામ શાળાઓમાં આરોગ્ય તપાસણી કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.જેમાં 0 થી 6 વર્ષ સુધીનાં 92,648 બાળકોને તપાસવામાં આવ્યાં હતાં.જેમાં 6 થી 18 વર્ષની ઉંમરનાં તપાસવામાં આવેલાં 82,374 બાળકો પૈકી 14,449 બાળકો માત્ર પાંડુરોગનાં મળી આવ્યાં છે.
જિલ્લામાં લોહીની ઉણપ ની સ્થિતિ સૌથી વધુ મહિલાઓમાં જોવા મળી રહી છે.આ સ્થિતિ ના સર્જન પાછળ ક્યાં પરિબળ જવાબદાર છે તે જાણવા માટે આરોગ્ય વિભાગ દ્વારા એક સંશોધન પણ હાથ ધરવામાં આવ્યું છે.
એક રિપોર્ટ મુજબ મહેસાણા જિલ્લામાં 10 સગર્ભા મહિલા પૈકી 5 મહિલાઓમાં 9 ટકા કરતા ઓછું હિમોગ્લોબીન નોંધાયું છે.ત્યારે આ વિષય હવે આરોગ્ય વિભાગ માટે પણ પડકાર જનક બની ગયો છે
મહેસાણા જિલ્લાની આરબીએસકે ટીમ દ્વારા છેલ્લા ચાર મહિનામાં 0 થી 6 વર્ષના 92,648 અને 6 થી 18 વર્ષની ઉંમરનાં 82,374 બાળકોના આરોગ્યની તપાસ કરાઇ હતી. જેમાંથી 148 બાળકો હૃદયરોગ, ડાઉન સિન્ડ્રોમ, મોતિયો, બધીરતા, ન્યુરલ ટ્યુબ ડિફેક્ટ સહિતની જન્મજાત ખામીવાળાં મળી આવ્યાં હતાં. જ્યારે 26,808 બાળકો કુપોષણ, પાંડુરોગ અને વિટામીનની કમીવાળાં મળ્યાં છે. 13,932 બાળકોમાં ચામડી, દાંત અને શ્વસનતંત્રને લગતાં રોગો જોવા મળ્યાં છે. તો 1,100 બાળકો વિકાસલક્ષી વિલંબતા એટલે કે લર્નિંગ ડીસઓર્ડર અને રિફેકટીવ એરર ચશ્માની જરૂરિયાતવાળાં મળ્યાં હતાં.
આરોગ્યની તપાસણી કાર્યક્રમમાં 300 જેટલી કિશોરીઓને માસિકધર્મને લગતી તકલીફો મળી હતી. જો કે રાજ્યની તુલનામાં મહેસાણા જિલ્લામાં લોહીની ઉણપની સમસ્યા સૌથી વધુ છે. અને આ કારણે બાળકોમાં પણ આ સમસ્યા જોવા મળી રહી છે. હવે જિલ્લા પંચાયત દ્વારા આ સમસ્યાના નિરાકરણ માટે એક પાયલોટ પ્રોજેકટ હાથ ધરવામાં આવ્યો છે.