વડોદરા કોર્પોરેશનનું વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરાયું છે જેમાં શહેરીજનો પર 50 કરોડ઼નો સફાઇ વેરો લાદવાનું સૂચન કરવામાં આવ્યું છે. મ્યુનિ કમિશનર દિલીપ રાણાએ કુલ રૂપિયા 6,200.56 કરોડનું બજેટ સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ રજૂ કર્યું છે.
આજે મહાનગરપાલિકાના કમિશનર દિલીપ રાણાએ આજે 6200.56 કરોડનું અંદાજપત્ર રજૂ કર્યું છે. આ સાથે વર્ષ 2024-25 નું 013 કરોડનું રિવાઇઝ્ડ બજેટ રજૂ કરાયું છે. આ વર્ષે વિકાસના કામો રૂપિયા 1,846 કરોડનું લક્ષ્યાંક મૂકવામાં આવ્યો છે અને તેની સામે કોર્પોરેશનની આવકનો મુખ્ય સ્ત્રોત ગણાતા વેરાની આવકનો લક્ષ્યાંક 1,846 કરોડ મુકવામાં આવ્યો છે.
કમિશનર દ્વારા રજૂ કરાયેલા ડ્રાફ્ટ બજેટમાં સફાઈ ચાર્જ બમણો કરવા સૂચન કરાયું છે. સફાઈ ચાર્જના નામે વડોદરા મહાનગરપાલિકા શહેરીજનો પાસેથી 50 કરોડ વસૂલાશે. આ સાથે રહેણાંક મિલકત માટે 50 ચો.મી થી ઓછાનો દર 250થી વધારી 500 કરાયો અને 50.01થી 100ચો. મી સુધી 500 થી વધારી 1000 કરાયો છે. 100.01 થી વધુ હોય તેઓનો 750થી વધારીને 1500 કરાયો છે. સફાઈ ચાર્જની રકમ અથવા સામાન્ય કરના 10 ટકા બેમાંથી જે વધુ હશે તે મુજબ સફાઈ ચાર્જ પાલિકા દ્વારા વસુલાશે.
ઉલ્લેખનિય છે કે ગત વર્ષના અંદાજપત્રમાં રૂપિયા 1700 કરોડના વિકાસના કામો રજૂ કર્યા હતા જેમાંથી અંદાજે 700 કરોડના કામો અધૂરા રહ્યા છે અને આ વર્ષે ફરી 1800 કરોડથી વધુ રકમના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે.