VMCના સત્તાધીશોના નબળા આયોજનની પોલ ખુલી
હાઈવોલ્ટેજ ડ્રામા બાદ VMCનો યુ-ટર્ન: સિટી બસને 3 મહિનાનું એક્સટેન્શન મળતાં સેવા પૂર્વવત

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
Vadodara Bus Service Stops: વડોદરા શહેરમાં આજે એટલે કે 1 જુલાઈના રોજ વહેલી સવારે વડોદરા મહાનગરપાલિકા (VMC) ના સત્તાધીશોના નબળા આયોજનની પોલ ખુલી છે. કોર્પોરેશનના કોન્ટ્રાક્ટ પર ચાલતી વિનાયક લોજિસ્ટિક્સની સિટી બસનો કોન્ટ્રાક્ટ 30 જૂનના રોજ પૂરો થઈ ગયો હોવા છતાં તંત્ર દ્વારા તેને સમયસર રિન્યૂ કરવામાં ઘોર વિલંબ કરવામાં આવ્યો હતો. આ વહીવટી નિષ્ક્રિયતાના વિરોધમાં સંચાલકોએ સવારથી જ સિટી બસ નહીં દોડાવવાનો નિર્ણય લેતા અચાનક 140 જેટલી બસોના પૈડાં થંભી ગયા હતા. વડોદરા જેવા મોટા શહેરની વસ્તી અને વિકાસને જોતાં 250 જેટલી બસોની ભારે જરૂરિયાત છે, તેની સામે માત્ર વિનાયક લોજિસ્ટિક્સની જ 140 બસો રસ્તા પર દોડે છે. તેવામાં જો આ તમામ બસો બંધ થઈ જશે તો જનતાની હાલત કેવી થશે, તે અંગે સત્તાધીશોએ પહેલાથી કેમ ન વિચાર્યું તેવા ગંભીર સવાલો હવે ઉઠી રહ્યા છે.
જનમહલ ડેપો પર મુસાફરોનો ભારે ધસારો, આખરે કોર્પોરેશને લીધો યુ-ટર્ન
વહેલી સવારથી જ અચાનક બસો બંધ થઈ જતાં દૈનિક મુસાફરી કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ અને સામાન્ય નાગરિકો ભારે મુશ્કેલીમાં મુકાયા હતા. શહેરના મુખ્ય જનમહલ સિટી ડેપો પર મુસાફરોનો ભારે ધસારો જોવા મળ્યો હતો અને લોકો અટવાઈ પડ્યા હતા. ચારેકોરથી ઘેરાયેલા અને લોકોની ભારે હાલાકી જોઈને આખરે વડોદરા મહાનગરપાલિકાના સત્તાધીશોએ પોતાની ભૂલ સુધારી ભારે યુ-ટર્ન લેવો પડ્યો હતો. તંત્રએ તાત્કાલિક વચગાળાનો રસ્તો કાઢીને સવારે 10:30 વાગ્યે વિનાયક સિટી બસ સર્વિસનો કોન્ટ્રાક્ટ આગામી 3 માસ માટે રિન્યૂ એટલે કે એક્સટેન્શન આપવાનો નિર્ણય કર્યો હતો. જો કે, કોર્પોરેશન બચાવમાં એવું કહી રહ્યું છે કે વડોદરામાં યોજાયેલી વાઇબ્રન્ટ સમિટના કારણે કોન્ટ્રાક્ટ રિન્યૂ કરવાની પ્રક્રિયા અટવાઈ પડી હતી.
એક્સટેન્શન મળતા 11 વાગ્યાથી બસ સેવા પૂર્વવત
તંત્ર તરફથી આગામી 3 મહિનાનું એક્સટેન્શન મળવાની સત્તાવાર જાહેરાત થતાં જ વિનાયક સિટી બસના મેનેજર નરેન્દ્રસિંહ રાણાએ જણાવ્યું હતું કે, હવે સિટી બસ સેવા પુનઃ શરૂ કરી દેવામાં આવી છે. સવારે ખોરવાયેલી આ સેવા 11 વાગ્યાથી તમામ રૂટો પર ફરી પૂર્વવત થઈ ગઈ છે જેથી નાગરિકોને મોટી આર્થિક અને શારીરિક હાલાકીમાંથી મુક્તિ મળી છે. આ નિર્ણય બાદ હવે નવી શરૂ કરાયેલી 30 બસોની સાથે વિનાયક લોજિસ્ટિક્સની 140 બસો મળીને કુલ 170 બસો વડોદરાના રસ્તાઓ પર મુસાફરો માટે કાર્યરત થઈ ગઈ છે.
વડોદરાને મળી 30 નવી એસી ઈલેક્ટ્રિક બસો
આ અંધાધૂંધી વચ્ચે વડોદરા માટે એક રાહતના સમાચાર એ પણ છે કે સોમવારે 29 જૂનના રોજ ‘વાઈબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ’ દરમિયાન જીએસએફસી (GSFC) ગેટ નંબર-1 ખાતેથી 30 નવી એસી ઈલેક્ટ્રિક બસોને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું. વડોદરા મહાનગરપાલિકા દ્વારા શહેરને ક્લીન સિટી-ગ્રીન સિટી બનાવવાના સંકલ્પ સાથે કેન્દ્ર સરકારની મહત્વાકાંક્ષી 'પીએમ ઈ-બસ સેવા' હેઠળ આ પર્યાવરણલક્ષી પરિવહન ક્રાંતિનો પ્રારંભ કરાયો છે. વડોદરાની વધતી જતી જરૂરિયાતોને ધ્યાને રાખીને કેન્દ્ર સરકાર દ્વારા અગાઉની 100 બસોના બદલે હવે કુલ 250 એસી ઈલેક્ટ્રિક બસો મંજૂર કરવામાં આવી છે, જેના પ્રથમ ચરણમાં કુલ 130 બસો ફાળવવામાં આવશે.
આધુનિક સુવિધાઓ, હાઈટેક સુરક્ષા અને ડિજિટલ ટિકિટિંગથી સજ્જ છે ઈ-બસો
આ નવી ઈલેક્ટ્રિક બસો ઝીરો એમિશન ટેકનોલોજીથી સજ્જ હોવાથી શહેરના કાર્બન ફૂટપ્રિન્ટમાં ઘટાડો કરશે અને નાગરિકોને શુદ્ધ હવામાં મુસાફરીનો લાભ મળશે. આ તમામ બસો સંપૂર્ણ એર-કન્ડિશન્ડ અને અવાજરહિત છે, તેમજ મુસાફરોની સુરક્ષા માટે સીસીટીવી (CCTV) કેમેરા, પેસેન્જર કાઉન્ટિંગ સિસ્ટમ અને ડ્રાઈવર મોનિટરિંગ સિસ્ટમની વ્યવસ્થા કરવામાં આવી છે. આ બસો વ્હીલચેર એક્સેસિબલ છે અને તેમાં મહિલાઓ માટે ખાસ પિન્ક સીટ્સ તેમજ દિવ્યાંગો અને સિનિયર સિટીઝન માટે પ્રાધાન્ય સીટો અનામત છે. નાગરિકો રોકડ ઉપરાંત યુપીઆઈ (UPI), ટિકિટિંગ કાર્ડ અને મોબાઈલ એપ્લિકેશન દ્વારા ડિજિટલ ટિકિટ મેળવી શકશે. બસોના સુચારૂ સંચાલન માટે ગોત્રી, સયાજીગંજ, નિઝામપુરા, સયાજીપુરા અને મકરપુરા ખાતે ખાસ ચાર્જિંગ સ્ટેશન પણ ઊભા કરવામાં આવ્યા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ