ઉત્તર ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં કમોસમી વરસાદ
રાજ્યના અનેક જિલ્લાઓમાં આગામી 3 દિવસ માટે ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટ જાહેર કર્યુ

કમોસમી વરસાદ

કમોસમી વરસાદ
ઉત્તર ગુજરાતમાં કારતક મહિનામાં અષાઢ જેવો માહોલ સર્જાયો છે. રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી વચ્ચે આજે વહેલી સવારે મહેસાણા, ઊંઝા, પાલનપુર સહિત આસપાસના વિસ્તારોના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો. જ્યાં એક તરફ ગુલાબી ઠંડીનો અનુભવ થઈ રહ્યો હતો, ત્યાં જ બીજી તરફ કમોસમી વરસાદ શરૂ થયો હતો. શિયાળાની શરૂઆત સાથે જ ઊંઝા-બહુચરાજી પંથકમાં વહેલી સવારે ધોધમાર વરસાદ વરસ્યો હતો. કારતક મહિનામાં એકથી દોઢ ઈંચ વરસાદ ખાબકતાં અષાઢી જેવો માહોલ જામ્યો હતો.
ખેડૂતોમાં પાક બગડી જવાની ચિંતા
વરસાદના લીધે ઊંઝા રેલવે અંડરપાસ સહિત નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. આ ઉપરાંત પાલનપુર, ઊંઝા અને મહેસાણા સહિત મહેસાણાના ઐઠોર ચોકડી અને આસપાસના વિસ્તારોમાં પણ પાણી ભરાતા વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાના કારણે વાહનચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા. બીજી તરફ કમોસમી વરસાદના લીધે ખેડૂતોમાં કપાસ, રાયડો, કઠોળ, જુવાર સહિતનો પાક બગડવાની ચિંતા ફેલાઈ છે.
આ પણ વાંચો: ગુજરાતમાં દિવાળી બાદ ફરી થશે મેઘરાજાની એન્ટ્રી
આગામી 25થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં વરસાદ
અરબ સાગર અને બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ તેમજ અરબી સમુદ્રમાં લો-પ્રેશર સર્જાવાના કારણે હવામાન વિભાગે આગામી 25થી 27 ઓક્ટોબર સુધી રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 3 દિવસ માટે છૂટાછવાયા કમોસમી વરસાદની આગાહી કરી છે, તો કેટલાક જિલ્લાઓમાં ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરી છે.
રાજ્યના અનેક જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર
IMD મુજબ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યના અનેક જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 25 ઓક્ટોબરે વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને દીવમાં ભારે વરસાદની આગાહી સાથે યલો ઍલર્ટ જાહેર કર્યું છે. 26 ઓક્ટોબરે વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ, સુરત, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે, જે માટે યલો ઍલર્ટ પણ અપાયું છે. જ્યારે 27 ઓક્ટોબરે કુલ 21 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે, જેમાં વલસાડ, ડાંગ, નવસારી, ભરૂચ, સુરત, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, અરવલ્લી, સાબરકાંઠા, મહેસાણા, મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, દ્વારકા અને જામનગરનો સમાવેશ થાય છે અને તેના માટે પણ યલો ઍલર્ટ જાહેર કરાયું છે.
ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા
આ ઉપરાંત, આગામી 28થી 30 ઓક્ટોબર સુધી રાજ્યના છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. બીજી તરફ, સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે હવામાન વિભાગે પોરબંદર અને ઓખા બંદર માટે લો-પ્રેશર સિગ્નલ DC-I અને હોઇસ્ટ સિગ્નલ LCS-3 જાહેર કર્યું છે, જેના કારણે 40-50 કિ.મી./કલાકની ઝડપે ભારે પવન ફૂંકાવવાની સાથે વરસાદની શક્યતા છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાત પોલીસમાં 10 IPS-SPS અધિકારીઓની બદલી થઈ ગઈ, પરંતુ ટ્રાન્સફર લિસ્ટમાં એક નામ ન દેખાતા ચર્ચા તેજ!

4 નવા IPS અધિકારીઓને ફિલ્ડ પોસ્ટિંગ મળ્યું, જ્યારે 6 અધિકારીઓને નવી જવાબદારી સોંપાઈ.

રજિસ્ટ્રેશનનો આંકડો વધારવા શાળાઓને ટાર્ગેટ આપ્યાનો દાવો!