યુ.એન. મહેતા હોસ્પિટલના કર્મચારીઓ હડતાળ પર
ગટર સફાઈ દરમિયાન શ્રમિકનું મોત થતાં કર્મચારીઓમાં રોષ, બેદરકારીનો આક્ષેપ

ઈન્ટરનેટ

ઈન્ટરનેટ
UN Mehta Hospital Drainage Accident: અમદાવાદ શહેરના અસારવા વિસ્તારમાં આવેલી યુ.એન. મહેતા હાર્ટ હોસ્પિટલના પરિસરમાં એક હૃદયકંપાવનારી અને ગંભીર બેદરકારી દર્શાવતી દુર્ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી અંડરગ્રાઉન્ડ સુએજ ટેન્ક (ડ્રેનેજ લાઇનની ટાંકી) ની સફાઈ અને સમારકામની કામગીરી દરમિયાન ઝેરી ગેસના કારણે 3 સફાઈ કર્મચારીઓ અંદર ખાબક્યા હતા. આ દુર્ઘટનામાં ઝેરી ગેસ શ્વાસમાં જવાથી એક કોન્ટ્રાક્ટ પર કામ કરતા યુવા કર્મચારીનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે અન્ય બે કર્મચારીઓ ગંભીર રીતે ઘાયલ થતાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રૂપે હોસ્પિટલનો આખો હાઉસકીપિંગ સ્ટાફ સુરક્ષાના સાધનો વિના કામ કરાવવાના વિરોધમાં સામૂહિક હડતાળ પર ઉતરી ગયો છે.
બેઝમેન્ટ 1 ના સ્લમ પંપની પીટમાં બની ઘટના
આ સમગ્ર ભયાનક ઘટના 6 જુલાઈની સાંજે અંદાજે 07:15 વાગ્યાની આસપાસ બની હતી. યુ.એન. મહેતા હોસ્પિટલના RMO (રેસિડેન્ટ મેડિકલ ઓફિસર) ડો. દુષ્યંત ભટ્ટે સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે, હોસ્પિટલના બી બ્લોકના બેઝમેન્ટ 1 માં એક સ્લમ પંપની પીટ (ગટરના પાણીની ટાંકી) આવેલી છે. ચોમાસાની ઋતુ હોવાના કારણે ગટરનું પાણી બહાર ફેંકવા માટે અહીં મોટર પંપ મુકવામાં આવેલો છે, જેના રીપેરીંગ અથવા મોટર બદલવા માટે ઘણીવાર ઉપરનું ઢાંકણ ખોલવામાં આવે છે. આ પીટની આજુબાજુ હોસ્પિટલમાં કોન્ટ્રાક્ટ પર કામ કરતા 3 સફાઈકર્મીઓ કામ કરી રહ્યા હતા.
એક સફાઈકર્મીનો પગ સ્લીપ થયો અને 2 સહકર્મીઓ બચાવવા કૂદ્યા
RMO દુષ્યંત ભટ્ટના જણાવ્યા અનુસાર, કામગીરી દરમિયાન આકસ્મિક રીતે એક સફાઈકર્મીનો પગ અચાનક સ્લીપ થઈ ગયો હતો, જેના કારણે તે સીધો જ ગટરની ઊંડી ટાંકીમાં અંદર ખાબક્યો હતો. તેને ડૂબતો અને મુશ્કેલીમાં જોઈને ત્યાં જ હાજર અન્ય બે સહકર્મચારીઓ પણ કોઈ પણ ક્ષણનો વિલંબ કર્યા વિના તેને બચાવવા માટે તાત્કાલિક પીટની અંદર ઉતર્યા હતા. જોકે, અંડરગ્રાઉન્ડ ગટરની અંદર અતિશય ટોક્સિક ગેસ (ઝેરી ગેસ) નું એન્વાયરમેન્ટ હોવાના કારણે ત્રણેય શ્રમિકો ગૂંગળામણનો ભોગ બન્યા હતા અને ઝેરી ગેસની તીવ્ર અસરના લીધે બેભાન થઈને અર્ધ ભરેલી સુએજ ટેન્કની અંદર જ ફસાઈ ગયા હતા.
આજુબાજુના સ્ટાફે એકને નીકાળ્યો, 2 ને ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યા
હોસ્પિટલના બેઝમેન્ટમાં બૂમાબૂમ થતાં જ આજુબાજુનો અન્ય સ્ટાફ દોડી આવ્યો હતો. સ્થાનિક લોકો અને સ્ટાફે તાત્કાલિક સમયસૂચકતા વાપરીને એક કર્મચારીને ગમે તેમ કરીને બહાર કાઢી લીધો હતો અને તાત્કાલિક ઈમરજન્સી સારવાર શરૂ કરી દીધી હતી. જ્યારે બાકીના બે કર્મચારીઓ અંદર ઊંડે ફસાયેલા હોવાથી હોસ્પિટલ પ્રશાસન દ્વારા ફાયર બ્રિગેડને ઈમરજન્સી મેસેજ મોકલવામાં આવ્યો હતો. ફાયર બ્રિગેડની ટીમ ઓક્સિજન સિલિન્ડર અને રેસ્ક્યુ સાધનો સાથે ઘટનાસ્થળે દોડી ગઈ હતી અને ભારે જહેમત બાદ બાકીના બે શ્રમિકોને ગટરની પાઇપલાઇનમાંથી બહાર કાઢી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા.
એક શ્રમિકનું સારવાર દરમિયાન મોત, એક ક્રિટિકલ અને એક સ્ટેબલ
તબીબોની ટીમે ત્રણેય સફાઈકર્મીઓને તાત્કાલિક અત્યાધુનિક સારવાર હેઠળ લીધા હતા. જે કર્મચારીને સ્થાનિકોએ શરૂઆતમાં બહાર કાઢ્યો હતો, તે થોડી જ વારમાં સ્ટેબલ (સ્વસ્થ) થઈ ગયો હતો. પરંતુ બાકીના બે કર્મચારીઓની હાલત અત્યંત ગંભીર હતી. કમનસીબે, તેમાંથી એક કોન્ટ્રાક્ટ કર્મચારીનું હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જેની સત્તાવાર પુષ્ટિ RMO દુષ્યંત ભટ્ટે કરી છે. ત્રીજા કર્મચારીની હાલત હજુ પણ ખૂબ જ નાજુક એટલે કે ક્રિટિકલ છે, જેને બચાવવા માટે હોસ્પિટલની સર્જન, કાર્ડિયોલોજીસ્ટ સહિતની ખાસ ડોક્ટરોની ટીમ અત્યાધુનિક ટેકનોલોજીની મદદથી સતત પ્રયત્નો કરી રહી છે.
હોસ્પિટલના 200 થી વધુ હાઉસકીપિંગ કર્મચારીઓ ઉતર્યા હડતાળ પર
આ દુર્ઘટનાના બીજા જ દિવસે એટલે કે 7 જુલાઈની સવારથી જ યુ.એન. મહેતા હોસ્પિટલમાં ભારે હોબાળો મચી ગયો છે. હોસ્પિટલનો 200 થી વધુ કર્મચારીઓનો આખો હાઉસકીપિંગ સ્ટાફ કામકાજ ઠપ્પ કરીને હોસ્પિટલ પરિસરમાં જ હડતાળ પર ઉતરી ગયો છે. મૃતક શ્રમિકના પરિવારજનો અને સાથી કર્મચારીઓનો ગંભીર આક્ષેપ છે કે, સફાઈ કામદારોનું મૂળ કામ માત્ર હાઉસકીપિંગ (સાફ-સફાઈ) નું હોવા છતાં, સુપરવાઇઝરો દ્વારા તેમને કોઈ પણ પ્રકારની સેફ્ટી કીટ, ગ્લોવ્ઝ કે માસ્ક આપ્યા વિના જોખમી ડ્રેનેજ લાઇન સાફ કરવા માટે ગટરમાં ઉતારવામાં આવ્યા હતા, જેના લીધે આ જીવલેણ અકસ્માત સર્જાયો છે.
મહિલા સ્ટાફના ગંભીર આક્ષેપો: સુપરવાઇઝરોની દાદાગીરી અને ધમકીઓ
હડતાળ પર ઉતરેલી હોસ્પિટલની મહિલા કર્મચારીઓએ મીડિયા સામે સુપરવાઇઝરોની દાદાગીરીનો પર્દાફાશ કરતા ગંભીર આક્ષેપો કર્યા છે. મહિલા સ્ટાફનું કહેવું છે કે, જે ત્રણ કર્મચારીઓ ગટરમાં ખાબક્યા હતા, તેઓ પોતાની નિયમિત ડ્યુટી પૂરી કરીને ઘરે જતા રહ્યા હતા, તેમ છતાં તેમને ફોન કરીને ખાસ દબાણપૂર્વક પાછા બોલાવવામાં આવ્યા હતા. વધુમાં, મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે તેમને કોઈ પણ સેફ્ટી બેલ્ટ કે સુરક્ષા વિના હોસ્પિટલની બારીઓના કાચ સાફ કરવા માટે ઊંચી ઇમારતો પર ચડાવવામાં આવે છે. જો કોઈ મહિલા કર્મચારી આ જોખમી કામનો વિરોધ કરે, તો સુપરવાઇઝરો તેમને ગંદી ગાળો ભાંડે છે અને સીધા જ નોકરીમાંથી બરખાસ્ત (ટર્મિનેટ) કરવાની ધમકીઓ આપે છે. એક પૂર્વ કર્મચારીએ પણ જણાવ્યું કે તેને ત્રણ દિવસ અગાઉ કોઈ પણ કારણ આપ્યા વગર માત્ર વિરોધ કરવા બદલ નોકરીમાંથી કાઢી મૂકવામાં આવ્યો હતો.
SMC કંપની પાસે છે કોન્ટ્રાક્ટ, બેદરકારી બદલ કડક તપાસની ખાતરી
મળતી માહિતી મુજબ, યુ.એન. મહેતા હોસ્પિટલમાં હાઉસકીપિંગ અને સફાઈની કામગીરીનો કોન્ટ્રાક્ટ "SMC" નામની એજન્સી/કંપની ચલાવે છે અને ભોગ બનનાર તમામ શ્રમિકો આ જ કંપનીના પેરોલ પર હતા. આ મામલે RMO દુષ્યંત ભટ્ટે જણાવ્યું છે કે હોસ્પિટલ પ્રશાસન દ્વારા આજથી જ એક ઉચ્ચ સ્તરીય સંસ્થાકીય તપાસ શરૂ કરી દેવામાં આવી છે. તેમણે ખાતરી આપી છે કે જો તપાસમાં સુરક્ષાના નિયમોનો કોઈ લેપ્સીસ (ભૂલ અથવા ખામી) જોવા મળશે અથવા જે પણ હેડ કે સુપરવાઇઝર આ ઘટના માટે ગુનાહિત બેદરકારીમાં સંડોવાયેલા જણાશે, તેમની સામે સંસ્થા દ્વારા કડકમાં કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે અને જરૂર પડ્યે તેમને તાત્કાલિક ફરજ મુક્ત (નોકરીમાંથી બરખાસ્ત) પણ કરાશે.
સીસીટીવી ફૂટેજ નથી, સારવાર અને સહાયનો ખર્ચ હોસ્પિટલ ઉપાડશે
RMO એ વધુમાં સ્વીકાર્યું હતું કે જે ચોક્કસ એરિયામાં (પીટ પાસે) આ ઘટના બની ત્યાં એક્ઝેટલી સીસીટીવી (CCTV) કેમેરા ઉપલબ્ધ નથી, પરંતુ ઘટના સમયે ત્યાં હાજર તમામ સહકર્મચારીઓ અને પ્રત્યક્ષદર્શીઓના નિવેદનો નોંધીને વાસ્તવિકતા સામે લાવવામાં આવશે. હોસ્પિટલ તંત્રે જાહેરાત કરી છે કે ઈજાગ્રસ્ત કર્મચારીઓની મોંઘી સારવારનો તમામ ખર્ચ હોસ્પિટલ પોતે જ ઉપાડશે અને જે યુવકનું મૃત્યુ થયું છે તેના પરિવારને હોસ્પિટલના સત્તાવાર નિયમો મુજબ શક્ય તેટલી તમામ આર્થિક સહાય પૂરી પાડવામાં આવશે.
હોસ્પિટલના દરવાજા બંધ કરાયા, શાહીબાગ પોલીસ કાફલો ઘટનાસ્થળે
હાઉસકીપિંગ સ્ટાફના પ્રચંડ વિરોધ પ્રદર્શન અને ઉગ્ર હોબાળાને પગલે હોસ્પિટલ પરિસરમાં સ્થિતિ તંગ બની ગઈ હતી, જેના કારણે સુરક્ષાના ભાગરૂપે હોસ્પિટલના મુખ્ય દરવાજા બંધ કરી દેવાની ફરજ પડી હતી. ઘટનાની ગંભીરતાને જોતા શાહીબાગ પોલીસ સ્ટેશનની ટીમ તાત્કાલિક યુ.એન. મહેતા હોસ્પિટલ ખાતે દોડી ગઈ હતી. મોટી સંખ્યામાં એકઠા થયેલા આક્રોશિત કર્મચારીઓ અને મૃતકના પરિવારજનોને શાંત પાડવા માટે પોલીસ હાલમાં સમજાવટના પ્રયાસો કરી રહી છે અને કાયદો તથા વ્યવસ્થા જાળવી રાખવા માટે હોસ્પિટલ કેમ્પસમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

વડોદરામાં દુકાનદારોએ પૂરા પૈસા ભર્યા, છતાં 20થી 40 ટકા ઓછો જથ્થો મળ્યાનો આક્ષેપ! આખરે સિંગતેલના પુરવઠામાં શું થયું?

મેટ્રોની ટિકિટ સસ્તી કે પાર્કિંગનો ખર્ચ વધારે? અમદાવાદના મુસાફરો માટે નવો સવાલ! નવરંગપુરા, સાબરમતી, વસ્ત્રાલ સહિત 10 મેટ્રો સ્ટેશન પર પાર્કિંગ માટે હવે ખિસ્સું ઢીલું કરવું પડી શકે છે!

₹59,350ની બાંધણી, ₹3.19 લાખનાં દાગીના અને ₹4.14 લાખની પુસ્તક ખરીદી… પૂર્વ કુલપતિ ડૉ. નીરજા ગુપ્તાના કાર્યકાળના કયા વ્યવહારો પર ઊઠ્યા સવાલ