રંગમાં ભંગ;લગ્નની સીઝનમાં હાઈવે પર બે ભીષણ અકસ્માત
સાયલા અને કિમ નજીક જાનૈયાઓની બસને નડ્યો અકસ્માત; અનેક લોકો લોહીલુહાણ થતા હોસ્પિટલ ખસેડાયા.

હાઈવે પર ભીષણ અકસ્માત

હાઈવે પર ભીષણ અકસ્માત
ગુજરાતમાં હાલ લગ્નની સીઝન પૂરબહારમાં ખીલી છે, ત્યારે માર્ગો પર જાનૈયાઓની અવરજવર વધી છે. પરંતુ આ ખુશીના માહોલ વચ્ચે બે અલગ-અલગ જગ્યાએ જાનૈયાઓ ભરેલી બસોને અકસ્માત નડતા હરખ માતમમાં ફેરવાઈ ગયો છે. સાયલા અને સુરતના કિમ નજીક બનેલી આ ઘટનાઓમાં અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે.
સાયલા-ચોટીલા હાઈવે પર કાળમુખો અકસ્માત:
પહેલી ઘટના સુરેન્દ્રનગરના સાયલા-ચોટીલા હાઈવે પર વહેલી સવારે બની હતી. સુરતથી જામકંડોરણા જઈ રહેલા જાનૈયાઓ ભરેલી લક્ઝરી બસ સાયલાના ગોસળ બોર્ડ નજીક ઉભેલી ટ્રકની પાછળ ધડાકાભેર અથડાઈ હતી. આ અકસ્માત એટલો ભીષણ હતો કે બસનો આગળનો ભાગ કચ્ચરઘાણ વળી ગયો હતો. બસમાં સવાર 24 જેટલા જાનૈયાઓ ઈજાગ્રસ્ત થતા પાંચ જેટલી 108 એમ્બ્યુલન્સ દ્વારા તેમને સાયલા સરકારી હોસ્પિટલ ખસેડાયા હતા.

કિમ નજીક પરિવારની બસ પલટી:
બીજી તરફ, સુરતના કિમ નજીક પણ લગ્ન પ્રસંગની ખુશી દુઃખમાં પરિણમી હતી. બરોડાનો એક પરિવાર સેગવા ખાતે લગ્ન પ્રસંગમાં હાજરી આપી બસમાં પરત ફરી રહ્યો હતો, ત્યારે કિમ નજીક પાછળથી આવી રહેલા એક વાહને બસને જોરદાર ટક્કર મારી હતી. ટક્કર એટલી પ્રચંડ હતી કે જાનૈયાઓ ભરેલી બસ હાઈવે પર જ પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા લોકોને તાત્કાલિક સુરતની નવી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે.
તંત્ર દોડતું થયું:
બંને ઘટનાઓની જાણ થતા જ સાયલા અને કિમ પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. લગ્ન પ્રસંગના ગીતો અને હરખ વચ્ચે અચાનક ચીસાચીસ મચી જતાં હાઈવે પરના વાહનચાલકો પણ મદદે દોડી આવ્યા હતા. પોલીસે ટ્રાફિક હળવો કરી આગળની તપાસ હાથ ધરી છે. આ ઘટનાઓ ફરી એકવાર હાઈવે પર રાત્રિ મુસાફરી અને ચાલકોની સાવચેતી સામે સવાલો ઉભા કરી રહી છે.
તાજા અપડેટ્સ મેળવો સીધા તમારા WhatsApp પર

ગુજરાતમાં ‘આમ જનમત પાર્ટી’ સામે ₹843 કરોડથી વધુના શંકાસ્પદ વ્યવહારોનો મામલો સામે આવ્યો છે! દાનના નામે નાણાંની હેરફેર, ખર્ચના બિલો અંગે સવાલો અને સરકારી તિજોરીને ₹250 કરોડથી વધુના નુકસાનનો આરોપ

પાવાગઢમાં આસો નવરાત્રિ દરમિયાન માલવાહક રોપ-વેનું કંટ્રોલ ફેઇલ થતાં ટ્રોલી અને મશીન નીચે પટકાયાં. સદનસીબે જાનહાનિ નહીં. જાણો અકસ્માતની વિગતો અને પેસેન્જર રોપ-વે સેવાની સ્થિતિ.

રસ્તા પર લારી-પાથરણાં મૂકતા લોકો માટે ચેતવણી! 23 વર્ષ જૂના વહીવટી ચાર્જમાં ચારથી પાંચ ગણો વધારો મંજૂર થયો હોવાના અહેવાલ છે. હવે જપ્ત સામાન છોડાવવા ₹3,000 સુધીનો ચાર્જ અને અલગથી સ્ટોરેજ ફી ચૂકવવી પડી શકે છે.